Money9 Gujarati:
Cut and Polished Diamonds Export: ભારતમાંથી વિદેશનાં બજારોમાં થતી હીરાની નિકાસમાં મોટો ઘટાડો થવાની શક્યતા છે. જે દેશોમાં ડાયમંડની માંગ રહે છે ત્યાં મંદીનો માહોલ હોવાથી નાણાકીય વર્ષ 2023-24માં કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસ 22 ટકા ઘટીને 17.2 અબજ ડૉલર થવાની અપેક્ષા રેટિંગ એજન્સી ICRAએ વ્યક્ત કરી છે.
ICRAના જણાવ્યા પ્રમાણે, નાણાકીય વર્ષ 2022-23ના છેલ્લાં છ મહિનાથી કટ અને પોલિશ્ડ ડાયમંડની માંગમાં ઘટાડાનો ટ્રેન્ડ છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ પાંચ મહિનામાં (એપ્રિલ-ઓગસ્ટ 2023) કટ અને પોલિશ્ડ ડાયમંડની નિકાસમાં વાર્ષિક ધોરણે 31 ટકાનો ઘટાડો થયો છે. નિકાસ વોલ્યૂમમાં ઘટાડો અને પોલિશ્ડ ડાયમંડના ભાવમાં ઘટાડાને લીધે નિકાસમાં ઘટાડાતરફી ટ્રેન્ડ જળવાયો છે. તહેવારોની સીઝનને કારણે આગામી મહિનાઓમાં વોલ્યુમમાં ઉત્તરોત્તર ધોરણે થોડીક વૃદ્ધિ જોવા મળશે, આમ છતાં નાણાકીય વર્ષના બીજા છ મહિનામાં કુલ નિકાસ વાર્ષિક ધોરણે 10 ટકા ઘટવાની અપેક્ષા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રેટિંગ એજન્સીએ હીરા ઉદ્યોગનો આઉટલૂક ‘stable’માંથી બદલીને ‘Negative’ કર્યો છે.
રફ ડાયમંડનો સપ્લાય ઘટ્યો
તાજેતરમાં રફ ડાયમંડના ભાવ હળવા થવા છતાં નાણાકીય વર્ષ 2023-24માં કિંમત ઊંચા સ્તરે જળવાઈ રહી છે અને અત્યારે ભાવ 15 વર્ષની સરેરાશની આસપાસ છે. માઈનિંગ કંપનીઓ તરફથી મર્યાદિત સપ્લાય અને કોરોના બાદ માંગ વધવાથી છેલ્લાં બે વર્ષમાં રફ ડાયમંડના ભાવ વધ્યા હતા. જોકે, બાદમાં તેમાં થોડોક ઘટાડો થયો હતો. રશિયામાંથી સપ્લાય મર્યાદિત થવાથી કિંમત ઊંચા સ્તરે ટકી છે. અમેરિકાએ રશિયાની ડાયમંડ માઈનિંગ કંપની Alrosa PJSC પર પ્રતિબંધ મૂક્યો છે, જેના કારણે સપ્લાય પર અસર પડી છે કારણ કે, આ એકલી કંપની દુનિયામાં 30 ટકા રફ ડાયમંડનો સપ્લાય કરે છે.
ICRAના વાઈસ પ્રેસિડન્ટ અને સેક્ટર હેડ સાક્ષી સુનેજાના જણાવ્યા પ્રમાણે, અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય દેશોમાં માંગ નબળી પડી છે કારણ કે આ દેશો ફુગાવાજન્ય દબાણનો સામનો કરી રહ્યાં છે. મોંઘવારીને કારણે આ દેશોમાં ડાયમંડની ખરીદી ઘટી છે અને આ ઘટાડો ભારતમાંથી નિકાસ ઘટવાનું પ્રાથમિક કારણ છે. વૈશ્વિક માંગમાં 10-15 ટકા હિસ્સો ધરાવતા ચીનમાં પણ માંગ હજુ સુધી વધી નથી. ઓછામાં પૂરું લેબમાં તૈયાર થતાં ડાયમંડની માંગ વધી રહી છે કારણ કે નેચરલ ડાયમંડની તુલનાએ આ ડાયમંડની કિંમત ઘણી ઓછી હોય છે.
પોલિશ્ડ ડાયમંડની કિંમત પર દબાણ
રશિયા પર આકરા પ્રતિબંધની વચ્ચે અન્ય માઈનિંગ કંપનીઓએ ઉત્પાદનમાં ખાસ વધારો કર્યો ન હોવાથી રફ ડાયમંડના ભાવ ઊંચા સ્તરે જળવાઈ રહેવાની ધારણા છે. જોકે, પોલિશ્ડ ડાયમંડની કિંમત દબાણ હેઠળ રહેવાનો અંદાજ છે. અત્યારે જે ભાવ ચાલે છે તે 15 વર્ષની સરેરાશ કરતાં 15-20 ટકા નીચે છે. પોલિશ્ડ ડાયમંડની માંગ ઘટી છે, કારણ કે પશ્ચિમના દેશોમાં મંદીનો માહોલ છે. કાચા હીરા મંગાવીને પોલિશ્ડ કરીને વેચતી કંપનીઓ સામે ભાવ વધારવાનો પડકાર છે, કારણ કે કંપનીઓ ભાવ વધારી શકવાની સ્થિતિમાં નથી. માંગ ઓછી છે અને ભાવ વધારવાનો અવકાશ નથી, જેના લીધે નાણાકીય વર્ષ 2023-24માં ડાયમંડ કંપનીઓના ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન 0.40 ટકા ઘટીને 5 ટકા થવાની શક્યતા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો