Money9 Gujarati:
અમદાવાદમાં રહેતા સમીર એક આઈટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે અને અમેરિકાના જીડીપીના આંકડાના સમાચાર મળતાંની સાથે જ તેઓ ખુશ થઈ ગયા, કારણ કે, તેમના મોટા ભાગનાં ક્લાયન્ટ્સ અમેરિકન છે. બજારને અપેક્ષા હતી કે, એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટરમાં અમેરિકાનું અર્થતંત્ર 1.8 ટકાના દરે વૃદ્ધિ નોંધાવશે, પરંતુ સત્તાવાર આંકડા પ્રમાણે, અમેરિકાનો GDP ગ્રોથ રેટ 2.4 ટકા થયો છે. ગુરુવારે અમેરિકન સરકારે જાહેર કરેલા આ આંકડાથી સમગ્ર દુનિયાને નવાઈ લાગી છે કારણ કે, ફેડ દ્વારા સતત વ્યાજ દર વધારવામાં આવ્યા હોવા છતાં અમેરિકન અર્થતંત્ર હજુ પણ ધાર્યા પ્રમાણે ધીમું પડ્યું નથી.
અમેરિકન અર્થતંત્ર મંદી તરફ સરકી રહ્યું હોવાની શક્યતા વચ્ચે જીડીપી ગ્રોથ રેટ ઊંચો રહેવાથી સમગ્ર દુનિયાને આશ્ચર્ય થયું છે. 2 ટકાથી વધારે વૃદ્ધિદર જોતાં તો લાગતું નથી કે, અમેરિકન અર્થવ્યવસ્થા મંદી તરફ આગળ વધી રહી હોય. તાજા આંકડા જોતા લાગે છે કે, આગામી સમયમાં ત્યાં ગ્રોથ વધારે મજબૂત થશે. જો અમેરિકન અર્થતંત્ર વૃદ્ધિમય પ્રદર્શન કરશે તો ત્યાંની કંપનીઓ પણ વૃદ્ધિ કરશે અને આ શક્યતાને કારણે જ, સમીર હરખાઈ રહ્યો છે. તે જે કંપનીમાં કામ કરે છે તે અમેરિકામાં સર્વિસ આપે છે. અગાઉ મંદીની વાતો થતી હતી ત્યારે સમીરની કંપનીએ તેનું પ્રમોશન હોલ્ડ પર મૂક્યું હતું, પરંતુ હવે સમીરને લાગે છે કે, તેનું પ્રમોશન પાક્કું થઈ જશે.
અમેરિકામાં મંદીની સંભાવના દૂર થઈ હોવાના સંકેત માત્ર જીડીપીના આંકડા પરથી નથી મળતાં, પરંતુ ત્યાંની સેન્ટ્રલ બેન્ક પણ વ્યાજ દર વધારી રહી છે અને આગામી સમયમાં વ્યાજ દર વધારવા માટે તૈયાર છે, જે દર્શાવે છે કે, તેને પણ અમેરિકામાં મંદી દેખાતી નથી. અમેરિકામાં મંદીની આશંકા દૂર થવાથી અમદાવાદના સમીરની સાથે સાથે ભારતની તમામ આઈટી કંપનીઓનાં લાખો કર્મચારીઓને રાહત મળી છે. ભારતની આઈટી કંપનીઓ માટે અમેરિકા એક મોટું માર્કેટ છે અને જો ત્યાં મંદી આવે તો ભારતની કંપનીઓને અને તેમાં કામ કરતાં લાખો લોકોને અસર પહોંચે. તાજેતરમાં તેના સંકેત પણ મળ્યાં હતા કારણ કે, ઘણી આઈટી કંપનીઓએ મંદીની શક્યતાને ધ્યાનમાં રાખીને નવી ભરતી અટકાવી દીધી હતી તેમજ કર્મચારીઓને છૂટા કરવાનું પણ શરૂ કરી દીધું હતું. આઈટી સેક્ટરનાં ઘણા વરિષ્ઠ કર્મચારીઓનું પ્રમોશન પણ અટકાવવામાં આવ્યું હતું. હવે આશા જાગી છે કે, ભારતનાં આઈટી સેક્ટરમાં ફરી રોજગારીના દ્વાર ખુલશે.
અમેરિકા સાથે ભારતના વેપાર સંબંધો પણ છે. ભારતમાં અમેરિકાની નિકાસ વધારે છે જ્યારે ભારતની આયાત ઓછી છે. આથી, અમેરિકન અર્થતંત્રમાં ગ્રોથ વધશે તો તેનો ફાયદો ભારતને મળશે.
સંબંધિત ખબરઃ અમેરિકામાં વ્યાજ દર 22 વર્ષના ઊંચા સ્તરે પહોંચ્યા, જાણો ભારત પર પડશે કેવી અસર
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો