Money9 Gujarati:
અમેરિકાની કેન્દ્રીય બેન્ક ફેડરલ રિઝર્વે વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. બુધવારે મોડી રાત્રે લેવાયેલા આ નિર્ણય બાદ અમેરિકામાં વ્યાજના દર 5.5 ટકાએ પહોંચી ગયા છે, જે છેલ્લાં 22 વર્ષના સૌથી ઊંચા સ્તરે છે. ફેડ દ્વારા વ્યાજ દર વધારવામાં આવશે તેવી પ્રબળ શક્યતા હતી અને ફેડે તે મુજબ રેટ હાઈક કર્યો છે. આટલા ઊંચા વ્યાજ દર 2001માં હતા અને હવે 2023માં ફરી ઊંચા વ્યાજ દર છે. અમેરિકન સેન્ટ્રલ બેન્કે મોંઘવારીને જવાબદાર ગણાવીને રેટમાં વધારો કર્યો છે અને સંકેત પણ આપ્યા છે કે, આગામી દિવસોમાં તે ફરી વ્યાજ દર વધારી શકે છે.
અન્ય દેશો પર અસર અમેરિકા બાદ યુરોપીયન સેન્ટ્રલ બેન્ક (ECB) પણ વ્યાજ દરમાં વધારો કરે તેવી શક્યતા સેવાઈ રહી છે, કારણ કે, મોંઘવારી હજુ પણ યુરોપના દેશોનો પીછો છોડી રહી નથી. ECB દ્વારા નવમી વખત વ્યાજના દર વધારવામાં આવે તેવી પ્રબળ ધારણા છે. ત્યારબાદ શુક્રવારે જાપાનીઝ સેન્ટ્રલ બેન્ક પણ વ્યાજ દર અંગે નિર્ણય જાહેર કરશે અને યીલ્ડ કન્ટ્રોલ પ્રોગ્રામનો અંત લાવવા તરફ આગળ વધશે.
ડૉલર નબળો અને કોમોડિટી મજબૂત ડૉલર ઈન્ડેક્સ 0.28 ટકા ઘટીને 100.61ના લેવલે પહોંચ્યો છે. અમેરિકામાં વ્યાજ દર વધવાથી તેના ચલણ ડૉલર પર દબાણ જોવા મળ્યું છે, જેના કારણે ગુરુવારે ભારતીય રૂપિયો મજબૂત થયો છે. ગુરુવારે સવારે ડૉલરની સામે રૂપિયો 10 પૈસા વધીને 81.91ના સ્તરે ખુલ્યો હતો. અમેરિકન ડૉલર નબળો પડવાથી વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવને ટેકો મળ્યો છે. હાજર બજારમાં ગોલ્ડનો ભાવ 0.40 ટકા વધીને 1,982 ડૉલર પ્રતિ ઔંશ જ્યારે સ્પોટ સિલ્વર 0.5 ટકા વધીને 25.04 ડૉલરે પહોંચ્યો છે. પ્લેટિનમ 0.7 ટકા જ્યારે પેલેડિયમ 0.4 ટકા વધ્યું છે. ભારતમાં MCX પર વાયદા બજારમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 59,500 રૂપિયાની ઉપર પહોંચી ગઈ છે.
ક્રૂડ ઓઈલ મોંઘું થશે ડૉલર નબળો પડવાથી ક્રૂડ ઓઈલની કિંમત વધી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 84 ડૉલરને પાર પહોંચી ગયો છે, જે 3 મહિનાનું ઊંચું લેવલ છે. ક્રૂડ મોંઘું થવાથી ભારતમાં ક્રૂડની આયાતનો ખર્ચ વધી જશે, જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટવાની આશા પર પાણી ફરી વળશે.
ભારત પર અસર, રેટ વધારવાનું દબાણ અમેરિકામાં વ્યાજ દર વધવાથી ભારત સહિતનાં દેશો પર વ્યાજ દર વધારવાનું દબાણ વધશે. ભારતમાં છૂટક મોંઘવારી વધવા લાગી છે, જેના કારણે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) તેની આગામી બેઠકમાં વ્યાજના દરને લઈને આક્રમક બને તેવી શક્યતા છે. RBIની આગામી બેઠક ઓગસ્ટમાં મળવાની છે અને અમેરિકાના રેટ હાઈકને પગલે તેના પર દબાણ વધ્યું છે. રિઝર્વ બેન્કે અગાઉ એપ્રિલ અને જૂનની બેઠકમાં વ્યાજના દરમાં કોઈ ફેરફાર નહોતો કર્યો, પરંતુ અમેરિકાના પગલે ચાલીને જો રિઝર્વ બેન્ક પૉલિસી રેટમાં વધારો કરશે તો ભારતમાં લોન મોંઘી થઈ જશે. જોકે, તેની સાથે સાથે બેન્કોમાં ડિપોઝિટ પર મળતાં વ્યાજના દર પણ વધશે.
રેપો રેટમાં ઘટાડો પાછો ઠેલાશે અમેરિકામાં વ્યાજ દર વધવાથી એ વાતની શક્યતા વધી ગઈ છે કે, ભારતમાં લાંબા સમય સુધી ઋણ સસ્તું નહીં થાય. જો તમે લોનના રેટ ઘટવાની રાહ જોઈ રહ્યાં હોવ તો કદાચ તમારે લાંબો સમય સુધી પ્રતીક્ષા કરવી પડશે. ઓછામાં પૂરું સ્વેપ રેટની મૂવમેન્ટ પણ ઈશારો કરી રહી છે કે, રેટ કટ માટે હજુ એક વર્ષ રાહ જોવી પડશે. છેલ્લે જૂન મહિનામાં RBIની બેઠક મળી ત્યારથી Overnight indexed swap (OIS) રેટમાં તીવ્ર વધારો નોંધાયો છે. ભારતમાં ઈન્ટરેસ્ટ રેટ રિસ્કને હેજ કરવા માટે આ રેટનો ઉપયોગ થાય છે અને તેના પરથી સંકેત મળે છે કે, રિઝર્વ બેન્ક છેક 2024ના ઓગસ્ટમાં રેપો રેટમાં ઘટાડો કરી શકે છે, નહીંતર અગાઉ એવી શક્યતા હતી કે, માર્ચ-2024થી રેપો રેટમાં ઘટાડો થશે. ડીસીબી બેન્કે જણાવ્યું છે કે ,ભારતમાં આવતા વર્ષના માર્ચ સુધી પૉલિસી રેટમાં ઘટાડો થવાની કોઈ શક્યતા દેખાતી નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો