Money9 Gujarati:
અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો ફરી 83ને પાર થઈ ગયો છે. 5 સપ્ટેમ્બર, મંગળવારે રૂપિયામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો અને રૂપિયો 2 સપ્તાહની નીચલી સપાટીએ પહોંચી ગયો હતો. રૂપિયો 35 પૈસા ઘટ્યો હતો અને એક ડૉલરની કિંમત 83.06 રૂપિયાએ પહોંચી ગઈ હતી. રૂપિયો નબળો પડવાથી આયાતી ચીજવસ્તુઓની મોંઘવારી વધુ આકરી બનવાની બીક છે. ઓક્ટોબર 2022માં રૂપિયાએ 83.29ની સૌથી નીચી સપાટી નોંધાવી હતી.
રૂપિયામાં ઘટાડાનું કારણ
અમેરિકન ડૉલરની ડિમાન્ડ વધવાથી તેમાં તેજી છે. ક્રૂડના ભાવ વધીને 90 ડૉલરની નજીક પહોંચી ગયા છે. આ બંને પરિબળને કારણે ભારતીય રૂપિયો વધુ ઘસાઈ રહ્યો છે. 5 સપ્ટેમ્બરે ડૉલર ઈન્ડેક્સ ફરી 104.70ના ઉપરના સ્તર સુધી ગયો હતો, જે છેલ્લાં 6 મહિનાની ઊંચી સપાટી દર્શાવે છે. ડૉલર આટલો બધો મજબૂત થવા છતાં ક્રૂડ ઓઈલના ભાવ પણ ઊંચા સ્તરે જળવાઈ રહ્યાં છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 89 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે. વિદેશી ફંડ્સે ભારતનાં બજારોમાં કરેલી વેચવાલી પણ રૂપિયાના ઘટાડા માટે જવાબદાર પરિબળ છે.
નબળા રૂપિયાની અસર
એક બાજુ ક્રૂડ મોંઘું થઈ રહ્યું છે અને ડૉલર પણ મોંઘો થઈ રહ્યો છે. ક્રૂડના ભાવ વધવાથી આપણે આયાત માટે વધારે ખર્ચ કરવો પડશે અને આ ખર્ચ ડૉલરમાં કરવો પડશે. બંને મોરચે ભારતને નુકસાન છે અને આ કારણસર રૂપિયા પર દબાણ વધી રહ્યું છે. રૂપિયો નબળો પડવાથી વિદેશમાં ખરીદવામાં આવતી તમામ ચીજવસ્તુ તથા સેવા માટે વધારે ખર્ચ કરવો પડશે. વિદેશમાં ચીજવસ્તુ કે સેવા ખરીદવા માટે ડૉલરમાં ખર્ચ કરવો પડે છે અને ચૂકવણી પણ ડૉલરમાં થાય છે. રૂપિયો નબળો હોવાથી એક ડૉલર માટે વધારે રૂપિયા ખર્ચવા પડશે. એટલે કે, વિદેશથી આયાત થતાં સામાન માટે અગાઉ કરતાં વધારે પૈસા ચૂકવવા પડશે. આથી ભારતમાં આયાતી મોંઘવારી વધુ આકરી બનશે. એટલું જ નહીં, રૂપિયો નબળો પડવાથી વિદેશમાં ભણી રહેલા અથવા અન્ય કોઈ સેવા માટે ફી ભરી રહેલા વિદ્યાર્થીઓ અને તેમના મા-બાપે હવે વધારે પૈસા ચૂકવવા પડશે. વિદેશમાં ફરવા જવાનું પણ મોંઘું થઈ જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો