14 ઓગસ્ટે સવારના કામકાજ દરમિયાન, અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો 25 પૈસા ઘટીને 83.07ના નીચા સ્તરે પહોંચી ગયો હતો. રૂપિયો નબળો પડવાથી મોંઘવારીમાં વધારો થવાની બીક છે.
અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો સોમવારે સવારના કામકાજ દરમિયાન નબળો પડ્યો હતો. ડૉલર સામે રૂપિયો 25 પૈસા ઘટીને 83.07ના સ્તરે પહોંચી ગયો. ઈન્ટરબેન્ક ફૉરેન કરન્સી એક્સચેન્જમાં 14 ઓગસ્ટ, સોમવારે ડૉલર સામે રૂપિયો 83.40એ ખુલ્યો અને પછી 83.07ના લેવલે પહોંચી ગયો. છેલ્લા બંધ ભાવની તુલનાએ રૂપિયો 25 પૈસા નીચે છે. શુક્રવારે ડૉલર સામે રૂપિયો 82.82એ બંધ રહ્યો હતો.
છેલ્લાં એક વર્ષમાં ભારતીય ચલણમાં ભારે ઉતારચઢાવ જોવા મળ્યો છે અને તેણે વિક્રમ તળિયું પણ બનાવ્યું છે. રૂપિયો 2022ના ઓક્ટોબર મહિનામાં 83.26ના ઐતિહાસિક નીચલા સ્તરે પહોંચ્યો હતો અને ત્યારથી તેમાં થોડોક સુધારો જોવા મળ્યો હતો, પરંતુ ઓગસ્ટ 2023માં તેણે ફરી 83નું સ્તર વટાવ્યું છે. ઘણા સમયથી રૂપિયો 80થી 82ની આસપાસ ફરી રહ્યો છે.
રૂપિયો શા માટે તૂટ્યો?
સ્થાનિક બજારમાં નેગેટિવ ટ્રેન્ડ તેમજ ક્રૂડ ઓઈલની કિંમત વધવાથી રૂપિયો નબળો પડ્યો છે. અમેરિકન ડૉલર મજબૂત થઈ રહ્યો છે અને ફોરેન ઈન્વેસ્ટર્સે સતત વેચવાલી કરી હોવાથી ભારતીય રૂપિયો નબળો પડ્યો છે. ડૉલર ઈન્ડેક્સ ફરી 100ને પાર થઈ ગયો છે. 6 મુખ્ય ચલણની તુલનાએ અમેરિકન ડૉલરની સ્થિતિ દર્શાવતો ડૉલર ઈન્ડેક્સ 0.17 ટકા વધીને 103.01એ પહોંચી ગયો છે. ઈન્ટરનેશનલ ક્રૂડ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ફ્યુચર પણ પ્રતિ ડૉલર 86.04 ડૉલરના ભાવ પર ટ્રેડ થઈ રહ્યો છે.
કેવી અસર પડશે?
રૂપિયો ઘટવાથી ભારતની આયાત મોંઘી થશે. આપણે મોંઘું ક્રૂડ ઓઈલ અને કાચા માલસામાનની આયાત કરીએ છીએ અને હવે તેની પાછળ વધારે ખર્ચ કરવો પડશે. પરિણામે, ભારતમાં આયાતી મોંઘવારી ફરી વધશે, એટલે આયાત થતી તમામ ચીજવસ્તુ મોંઘી થઈ જશે.
મોંઘવારીની આગમાં ઘી હોમાશે
નબળા રૂપિયાની સૌથી વધુ અસર મોંઘવારીમાં જોવા મળશે. ભારત પોતાની જરૂરિયાતનું 80 ટકા ક્રૂડ ઓઈલ આયાત કરીને મેળવે છે. ક્રૂડ ઓઈલ મોંઘું છે, એટલે તેનો ઉપયોગ કરનારા ઉદ્યોગોનો ઉત્પાદન ખર્ચ વધશે અને પરિવહન ખર્ચમાં પણ વધારો થશે. તેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડશે. એટલે કે, મોંઘવારીમાંથી રાહત મળવાની આશા પર પાણી ફરી વળશે.
પેટ્રોલ-ડીઝલ સસ્તું થવા પર પાણી ફરી વળશે
રૂપિયો તૂટવાથી પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની શક્યતા ઘટી ગઈ છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘણા લાંબા સમયથી 100 રૂપિયાની નજીક છે અને તેમાં કોઈ ફેરફાર થયો નથી. ક્રૂડ ઓઈલ સસ્તું થયું હોવાથી પેટ્રોલ-ડીઝલ સસ્તું થવાની વાતો થઈ રહી હતી પરંતુ હવે ક્રૂડ પણ મોંઘું થઈ રહ્યું છે અને રૂપિયો પણ તૂટી રહ્યો હોવાથી ઓઈલ કંપનીઓ ભાવ ઘટાડે તેવા કોઈ સંકેત રહ્યાં નથી.
સ્થાનિક ખર્ચ વધી જશે
પરિવહન ખર્ચ વધવાથી દૈનિક વપરાશની ચીજવસ્તુઓની કિંમત પર આડકતરી અસર જોવા મળશે. ઓઈલ સાથે જોડાયેલો ઉત્પાદન ખર્ચ અને પરિવહન ખર્ચ વધવાથી તમામ ચીજવસ્તુઓ મોંઘી થઈ જશે. જેના કારણે આમ આદમીનો રોજિંગો ખર્ચ વધી જશે. લોકોનો જીવનનિર્વાહ ખર્ચ પહેલેથી જ વધી ગયો છે અને હવે તેમાં ફરી વધારો થશે. ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો મોંઘા થઈ જશે. મોબાઈલ ફોન, લેપટોપ, ટીવી અને સોલર પેનલ સહિતના ઘરવપરાશનાં ઉપકરણો અને ઈલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો મોંઘા થઈ જશે, કારણ કે તેમાં વપરાતો મોટા ભાગનો કાચો માલ અને ઉપકરણની આયાત કરવી પડે છે.
નિકાસકારો અને આયાતકારો પર અસર
જ્યારે-જ્યારે ડૉલર સામે રૂપિયો નબળો પડે છે ત્યારે નિકાસકારોને તો ફાયદો થાય છે, પરંતુ આયાતકારોનું આવી બને છે. આયાત કરતી કંપનીઓએ અગાઉ કરતાં વધારે કિંમત ચૂકવવી પડે છે એટલે તેમનો ખર્ચ વધી જાય છે. ઓઈલ-ગેસ, ફૂડ અને બેવરેજિસ સહિતનાં ઉદ્યોગો આયાત થતા કાચા માલ પર આધાર રાખતા હોવાથી તેમની બેલેન્સ શીટ પર નબળા રૂપિયાની સીધી અસર પડે છે.
ચાલુ ખાતાની ખાધ વધશે
ભારતે સ્થાનિક જરૂરિયાતને પહોંચી વળવા માટે 80 ટકાથી પણ વધારે ક્રૂડ ઓઈલની આયાત કરવી પડે છે. રૂપિયો ઘટવાથી હવે ભારતે વધારે ડૉલર ચૂકવવા પડશે, પરિણામે ચાલુ ખાતાની ખાધ (current account deficit) વધી જશે. આયાત અને નિકાસ વચ્ચે જે તફાવત હોય તેને ચાલુ ખાતાની ખાધ કહે છે. ભારતમાં વિદેશી ડૉલર ઓછો આવે છે, એટલે ભારતે આ ઘટ પૂરી કરવા માટે પોતાની ફોરેન કરન્સી રિઝર્વમાંથી ડૉલર કાઢવા પડે છે. આથી, ભારતની ફોરેન કરન્સી રિઝર્વમાં ઘટાડો થશે. અત્યારે ભારતની ફોરેન કરન્સી રિઝર્વ લગભગ 603 અબજ ડૉલરની આસપાસ છે. ઓછામાં પૂરું ભારતમાંથી થતી નિકાસ ઘટી રહી છે કારણ કે, વૈશ્વિક સ્તરે માંગ ઘટી છે, તેની સામે ભારતની આયાત સતત વધી રહી છે. જુલાઈ મહિનામાં ભારતનો આયાત અને નિકાસ વચ્ચેનો તફાવત વધીને 20 અબજ ડૉલરને પાર થઈ ગયો છે.
વિદેશમાં ભણતર અને પ્રવાસ મોંઘા થશે
રૂપિયો નબળો પડવાથી વિદેશમાં અભ્યાસ કરવાનું તેમજ ફોરેનમાં ફરવા જવાનું પણ મોંઘું થઈ જશે. વિદેશમાં ભણતા વિદ્યાર્થીઓએ હવે ફી સહિતની ચૂકવણી માટે વધારે પૈસા ખર્ચવા પડશે. વિઝા ફી વધી જશે. જો તમે વિદેશમાં ભરવા જશો તો હોટેલનાં રૂમ ભાડાં પણ વધી જશે.
RBI પર દબાણ વધશે
આયાતી મોંઘવારી વધવાથી દેશમાં ખાણી-પીણી સહિતની ચીજવસ્તુ મોંઘી થઈ જશે. મોંઘવારી વેગ પકડશે એટલે RBI પર તેને અંકુશમાં લેવાનું દબાણ વધશે. RBIએ 10 ઓગસ્ટની બેઠકમાં પણ રેપો રેટ 6.5 ટકાના સ્તરે યથાવત્ રાખ્યો હતો. છેલ્લાં છ મહિનાથી RBIએ રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ જો મોંઘવારી ઝડપથી વધશે તો તેને અંકુશમાં લેવા માટે RBI પર વ્યાજ દર વધારવાનું દબાણ વધશે.
લોન મોંઘી થઈ જશે
ધારો કે, RBI રેપો રેટ વધારશે તો લોનના વ્યાજ દર વધી જશે અને માસિક હપ્તામાં વધારો થશે. બેન્કો લોન માટે વધારે ઈન્ટરેસ્ટ રેટ ચાર્જ કરશે. પરિણામે હોમ લોન, ઓટો લોન તેમજ પર્સનલ લોન સહિતની લોન મોંઘી થઈ જશે. જો ઋણ મોંઘું થશે તો તેની અસર માંગ પર પડશે અને પરિણામે દેશનો વિકાસ દર અટકશે.
Published August 14, 2023, 16:34 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો