Money9 Gujarati:
ફૉરેક્સ માર્કેટમાં (Forex Market) ભારતનો રૂપિયો અમેરિકન ડૉલર સામે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. 21 ઓગસ્ટ, સોમવારના રોજ સપ્તાહના પ્રથમ દિવસે ડૉલરનો ભાવ 83.13 રૂપિયા નોંધાયો હતો. ભારતનાં ફૉરેક્સ માર્કેટમાં અગાઉ ડૉલર આટલા ઊંચા ભાવે નથી વેચાયો. દિવસના અંતે રૂપિયો 2 પૈસાના ઘટાડા સાથે પ્રતિ ડૉલર 83.12ના લેવલે બંધ રહ્યો હતો, જે તેનું અત્યાર સુધીનું સૌથી નીચલું સ્તર છે.
શા માટે ઘટ્યો રૂપિયો?
અમેરિકન ડૉલર સામે રૂપિયો તૂટવા પાછળ ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલી જવાબદાર છે. ફોરેન કરન્સી ટ્રેડિંગ સાથે સંકળાયેલા એક્ઝિક્યુટિવ્સના કહેવા પ્રમાણે, વૈશ્વિક બજારમાં જોખમથી બચવા માટે રૂપિયામાં વધુ ઘટાડો થઈ શકે છે. અગાઉના ટ્રેડિંગ સત્રમાં અમેરિકન ડૉલર સામે ભારતીય રૂપિયો 1 પૈસા ઘટીને 83.10ના લેવલે બંધ આવ્યો હતો અને આ ઘટાડાનું કારણ સ્થાનિક શેરબજારમાં ઘટાડો તથા વિદેશી સંસ્થાગત રોકાણકારોની વેચવાલી હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત સતત વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ પ્રતિ બેરલ 85 ડૉલર થઈ ગયો છે. ક્રૂડ મોંઘું હોવાથી તેનો આયાત ખર્ચ વધી ગયો છે, જેના લીધે રૂપિયો દબાણમાં છે. ક્રૂડ ઓઈલમાં તેજીની સાથે સાથે શેરબજારમાં વિદેશી રોકાણકારો સતત વેચવાલી કરી રહ્યાં હોવાથી રૂપિયા પર દબાણ વધ્યું છે. સોમવારે પણ વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) નેટ સેલર રહ્યાં હતા અને તેમણે 1,901 કરોડ રૂપિયાનો માલ વેચ્યો હતો. ગયા સપ્તાહના શુક્રવારે પણ FIIએ 266.98 કરોડ રૂપિયાના શેર્સ વેચ્યા હતા અને પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ, 14 ઓગસ્ટે પણ FIIએ 2,324 કરોડ રૂપિયાનો માલ વેચ્યો હતો.
વૈશ્વિક પરિબળો
આ ઉપરાંત, ચીનમાં મંદી પ્રસરી રહી હોવાથી ઈમર્જિંગ માર્કેટ્સની કરન્સી નરમ પડી રહી છે, જેમાં રૂપિયો પણ ઘસાઈ રહ્યો છે. ડૉલર ઈન્ડેક્સ (ડૉલેક્સ) મજબૂત થઈ રહ્યો છે. ડૉલેક્સ 105ના લેવલની નજીક સરકી રહ્યો છે. સોમવારે ડૉલર ઈન્ડેક્સ 0.14% ઘટીને 103.23ના લેવલે હતો. ડૉલરના પ્રત્યેક ઉછાળે રિઝર્વ બેન્કે (RBI) ડૉલર વેચવા પડે છે. જો રૂપિયો 83.44નું લેવલ વટાવશે તો શોર્ટ કવરિંગના કારણે ઝડપી ઘટાડો આવવાની પણ શક્યતા છે. રિઝર્વ બેન્કે ગયા સપ્તાહે જાહેર કરેલા તાજા આંકડા અનુસાર, ભારત પાસે 602.161 અબજ ડૉલરની ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે.
મોંઘવારી વધશે
રૂપિયામાં થઈ રહેલું આ ધોવાણ દેશમાં આયાતી મોંઘવારીની આગમાં ઘી હોમવાનું કામ કરી શકે છે. વિદેશમાંથી આયાત થતા માલસામાન માટે ડૉલરમાં ચૂકવણી કરવી પડે છે અને રૂપિયો નબળો હોવાથી આપણે ડૉલર ખરીદવા માટે વધારે રૂપિયા ખર્ચવા પડે છે. એટલે તેની સીધી અસર મોંઘવારી વધારવા પર પડે છે. આપણે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સાથે સાથે ઈલેક્ટ્રોનિક્સની આયાત કરીએ છીએ. આથી, રૂપિયો તૂટવાથી તમામ આયાતી ચીજવસ્તુનો ખર્ચ વધી જશે. આ ઉપરાંત, વિદેશમાં ફરવા જવા માટે કે ભણવાની ફી ભરવા માટે પણ અથવા વિદેશથી કોઈ સર્વિસ લેવા માટે પણ વધારે ખર્ચ કરવો પડશે.
સંબંધિત ખબરઃ 83 રૂપિયાને પાર થયો 1 ડૉલરઃ કેવી અસર પડશે?
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો