MONEY9 GUJARATI:
દેવું કરીને ઘી પીનારા વધી રહ્યાં છે. દેશમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધવાની સાથે સાથે તેના બાકી બોલતા લેણાંમાં પણ વધારો થયો છે. રિઝર્વ બેન્કના તાજા આંકડા અનુસાર, ક્રેડિટ કાર્ડના આઉટસ્ટેન્ડિંગ ડ્યૂઝનો આંકડો રૂ. 2 લાખ કરોડે પહોંચી ગયો છે, જે ચિંતાજનક છે. રિઝર્વ બેન્કના આંકડા દર્શાવે છે કે, માર્ચ 2023ના અંતે દેશમાં કુલ ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ રૂ.1.94 લાખ કરોડે પહોંચી ગયું હતું, જે 2022ના માર્ચના અંતે રૂ.1.48 લાખ કરોડ હતું.
લોકો ક્રેડિટ કાર્ડ પર ખરીદી કરીને મિનિમમ બિલ પે કરે છે, જ્યારે બાકીની ચૂકવણી કેરી-ફોરવર્ડ કરી દે છે. નાણાકીય વર્ષ 2022-23માં આ બાકી લેણાંમાં 31 ટકાનો વધારો થયો છે. આ ટ્રેન્ડ દર્શાવે છે કે, લોકો હવે માથે લેણાં કરીને પણ ખર્ચ કરી રહ્યાં છે. RBIના આંકડા દર્શાવે છે કે, ભારતમાં 100 ડેબિટ કાર્ડ પર બેન્કો 8 ક્રેડિટ કાર્ડ ઈશ્યૂ કરે છે. ક્રેડિટ પર ખરીદી કરવાની લોકોની આ આદતને લઈને RBIએ ચિંતા પણ વ્યક્ત કરી છે. RBIએ બેન્કોને પણ ચેતવી છે અને પોતાના રિટેલ લોનના પોર્ટફોલિયો પર સર્વેલન્સ વધારવાની સૂચના આપી છે. RBIએ બેન્કોને ક્રેડિટ કાર્ડ જેવા ઈનસિક્યોર ડેટનો પોર્ટફોલિયો નહીં વધારવાની પણ સૂચના આપી છે.
સૌથી મોંઘું છે ક્રેડિટ કાર્ડનું દેવુંઃ
રિઝર્વ બેન્કનો ડેટા દર્શાવે છે કે, ભારતના લોકોમાં ક્રેડિટ કાર્ડનો ઉપયોગ સતત વધી રહ્યો છે. લોકો હવે દેવું કરીને ખર્ચ કરવા લાગ્યા છે. કોઈ પણ પ્રકારની ખરીદી કરવા માટે લોકો ક્રેડિટ કાર્ડ વાપરવા લાગ્યા છે. બેન્કો અને નાણાકીય સંસ્થાઓ તરફથી મળતી આકર્ષક ઓફર તેમજ શોપિંગમાં રિવોર્ડ પોઈન્ટ્સ અને ડિસ્કાઉન્ટની લોભામણી ઓફર્સને કારણે ક્રેડિટ કાર્ડનો વપરાશ વધી રહ્યો છે. મે-2022થી રેપો રેટમાં 2.5 ટકાનો વધારો થયો છે અને લોન મોંઘી થઈ ગઈ છે, અને તેવા સમયે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ વધ્યો છે, જેના કારણે રિઝર્વ બેન્કની ચિંતા વધી છે. રેપો રેટ વધવાથી જે લોકોએ ઋણ લીધું છે તેનું વ્યાજ વધી ગયું છે. ક્રેડિટ કાર્ડના લેણાને અનસિક્યોર્ડ લોનની કેટેગરીમાં મૂકવામાં આવે છે અને અન્ય તમામ પ્રકારનાં ઋણની તુલનાએ ક્રેડિટ કાર્ડનું ઋણ સૌથી મોંઘું છે.
ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કેમ વધી રહ્યો છે?
MONEY9 દ્વારા થયેલા સરવે પરથી માલૂમ પડે છે કે, ભારતના લોકો ક્રેડિટ કાર્ડનો સૌથી વધુ ઉપયોગ રાશન ખરીદવા માટે કરે છે. લગભગ 50 ટકા લોકો ક્રેડિટ કાર્ડથી રાશન ખરીદે છે. 47 ટકા લોકો તેલ ભરવા માટે ક્રેડિટ કાર્ડ વાપરે છે. 38 ટકા લોકો કપડાં ખરીદવા માટે ક્રેડિટ કાર્ડ ઘસે છે. ઘણા લોકો પાસે તો બચતના નામે મીંડું હોવાથી ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. MONEY9નો સર્વે દર્શાવે છે કે, છેલ્લાં 5 વર્ષમાં 53 ટકા લોકોએ પોતાની બચત વાપરી નાખી હોવાથી ઘણા ખર્ચાને પહોંચી વળવા માટે તેઓ ક્રેડિટ કાર્ડ તરફ વળી રહ્યાં છે.
ક્રેડિટ કાર્ડથી બમણો ખર્ચઃ
ક્રેડિટ કાર્ડનો વપરાશ વધવાનું અન્ય એક મહત્ત્વનું કારણ છે – ક્રેડિટ કાર્ડથી સરળતાથી થતું પેમેન્ટ. દુનિયા ડિજિટલ થઈ રહી છે અને લોકો ડેબિટ કાર્ડની તુલનાએ ક્રેડિટ કાર્ડનો વધુ ઉપયોગ કરે છે. RBIના આંકડા દર્શાવે છે કે, ભારતમાં પ્રત્યેક 100 ડેબિટ કાર્ડ પર 8 ક્રેડિટ કાર્ડ ઉપલબ્ધ છે. આમ છતાં ઓનલાઈન પેમેન્ટ માટે ક્રેડિટ કાર્ડ દ્વારા થતો ખર્ચ ડેબિટ કાર્ડની સરખામણીએ 40 ગણો વધારે છે. એટલે કે, ઓનલાઈન શોપિંગમાં ડેબિટ કાર્ડની તુલનાએ ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ વધારે થાય છે. વળી, ડેબિટ કાર્ડ વાપરનારા લોકો કરતાં ક્રેડિટ કાર્ડ વાપરતા લોકો ઓનલાઈન શોપિંગમાં બમણો ખર્ચ કરે છે. ઘણા લોકો ક્રેડિટ કાર્ડની ચૂકવણી સમયસર નથી કરી શકતા, આથી મિનિમમ પેમેન્ટ ચૂકવીને બાદમાં ચૂકવણી કરવા માટે બાકીનાં લેણાં રોલઓવર કરાવી લે છે. MONEY9ના સરવે પરથી જાણવા મળે છે કે, લગભગ 59 ટકા લોકો પોતાનું પેમેન્ટ રોલઓવર કરાવે છે. આ કારણસર, ક્રેડિટ કાર્ડ આઉટસ્ટેન્ડિંગ ડ્યૂનો આંકડો વધી ગયો છે.
RBIએ બેન્કોને આપી ચેતવણીઃ
ક્રેડિટ કાર્ડના વધતા ઉપયોગની ચિંતા RBIને થઈ રહી છે. અમેરિકા અને યુરોપમાં બેન્કિંગ કટોકટી ઘેરી બની હોવાથી RBIએ તમામ બેન્કોને પોતાના રિટેલ લોન પોર્ટફોલિયો પર ચાંપતી નજર રાખવાની સૂચના આપી છએ. અનસિક્યોર્ડ લોનનો પોર્ટફોલિયો વધારે પડતો વધી ન જાય તેનું ધ્યાન રાખવા માટે પણ બેન્કોને સૂચના આપવામાં આવી છે. અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયોમાં પર્સનલ લોન, ક્રેડિટ કાર્ડ લોન તેમજ નાના ધંધાવાળાને આપવામાં આવતી લોનનો સમાવેશ થાય છે. જૂન 2020થી લઈને અત્યાર સુધીમાં બેન્કોના અનસિક્યોર્ડ લોન પોર્ટફોલિયોમાં 3 ટકાનો વધારો થયો છે. ફેબ્રુઆરી 2022થી ફેબ્રુઆરી 2023 દરમિયાન, બેન્કોએ આવી લોન માટે કુલ 2.2 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. છેલ્લાં 1 વર્ષમાં લોનના રેટ વધી જવાથી અનસિક્યોર્ડ લોન સામે જોખમ ઊભું થયું છે, એટલે RBIએ ચિંતા વ્યક્ત કરી છે.
અન્ય સમાચારઃ https://gujarati.money9.com/analysis/government-will-analyse-household-chores-women-contribution-to-gdp-12190.html
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો