અમદાવાદઃ
મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે સરકાર એક અલગ દિશામાં કામ કરી રહી છે. મહિલાઓ દ્વારા થતા ઘરકામથી દેશનાં જીડીપીમાં કેટલું યોગદાન થયું તેની ગણતરી કરવા માટે નવી પદ્ધતિ વિકસાવવામાં આવી રહી છે. મહિલાઓ ઘરકામમાં કેટલો સમય આપે છે તે ગણવા માટે એક સરવે કરવાની યોજના છે. આ સરવેમાંથી જે માહિતી મળશે તેની જાણકારી આર્થિક સરવેમાં સામેલ કરવામાં આવશે.
પુરુષો એક દિવસમાં 97 મિનિટ જ્યારે મહિલાઓ 299 મિનિટ ઘરકામ માટે ફાળવે છે અને તેનું કોઈ વળતર મળતું નથી. પરિવારની સારસંભાળ રાખવા માટે પુરુષો દૈનિક 76 મિનિટ જ્યારે મહિલાઓ 134 મિનિટ ફાળવે છે અને તેના માટે કોઈ પગાર કે મહેનતાણું મળતું નથી.
SBIના રિપોર્ટ અનુસાર, ધારો કે ગૃહિણીને ઘરકામ માટે પગાર આપવામાં આવે તો તેનો હિસ્સો જીડીપીમાં 7.5 ટકા થશે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO)એ પણ સમાન સૂર વ્યક્ત કર્યો હતો અને ઘરકામ કરતી મહિલાઓને કામ કરવાનો પગાર આપવાની ભલામણ કરી હતી. ભારતમાં આ મુદ્દે એક દાયકાથી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ નક્કર કામ થયું નથી. 2019માં થયેલો એક સરવે દર્શાવે છે કે, વિના પગારે કામ કરતી મહિલાઓ દરરોજ 5 કલાક ઘરકામ માટે ફાળવે છે.
ઘણી કંપનીઓ તેમના કર્મચારીને તેમના ડ્રાઈવર અને નોકરને પગાર ચૂકવવા માટે પેમેન્ટ આપે છે. કર્મચારીને જે પેમેન્ટ મળે છે, તેના પર તેમને ટેક્સમાં રાહત પણ મળે છે. પતિ તેની પત્નીને ઘરકામ માટે દર મહિને પગાર ચૂકવે અને તેના પર ટેક્સમાં રાહત આપવામાં આવે તેવી પણ ચર્ચા થઈ રહી છે. આવું થાય તો મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળશે અને મહિલાઓની કમાણી વધશે તો દેશના જીડીપીને પણ ટેકો મળશે.
અન્ય સમાચારઃ https://gujarati.money9.com/analysis/gst-collection-in-april-at-all-time-high-12103.html
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો