Vijay Parmar:
સરકારે ઘઉં સહિતનાં 6 રવિ પાકના લઘુતમ ટેકાના ભાવ એટલે કે, MSPમાં વધારો જાહેર કર્યો છે. રવિ માર્કેટિંગ સીઝન 2024-25 માટે ઘઉં, જવ, ચણા, સરસવ, મસૂર અને કુસુમનો ટેકાનો ભાવ વધારવામાં આવ્યો છે. 18 ઓક્ટોબરે મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. નવા ભાવ 1 એપ્રિલ, 2024થી શરૂ થતી ખરીદ સીઝનમાં લાગુ થશે. 6 મુખ્ય રવિ પાકના ટેકાના ભાવ 7 ટકા વધવાની અપેક્ષા પહેલેથી જ સેવાઈ રહી હતી અને સરકારે તે મુજબ ભાવ વધાર્યાં છે. જોકે, સરકારે નક્કી કરેલા ટેકાના ભાવ બજારભાવ કરતાં ઘણા ઓછા હોવાથી ખેડૂતોને ખાસ લાભ થવાની શક્યતા નથી. ખેડૂતવર્ગમાં ચર્ચા છે કે, સરકારે નક્કી કરેલા ભાવ ઉત્પાદન ખર્ચ કરતાં ઓછા છે.
#Cabinet approves an increase in Minimum Support Prices (MSP) for all mandated Rabi Crops for Marketing Season 2024-25.
The absolute highest increase in MSP has been approved for Lentil at ₹425 per quintal followed by Rapeseed & Mustard at ₹200 per quintal. For wheat and… pic.twitter.com/b1pWPqefk8
— PIB India (@PIB_India) October 18, 2023
સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ
રવિ માર્કેટિંગ સીઝન 2024-25 માટે ઘઉંનો ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ 2,275 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે, જે 2022-23માં 2,125 રૂપિયા હતો. સરસવનો ટેકાનો ભાવ 200 રૂપિયા વધારીને 5,650 રૂપિયા કરવામાં આવ્યો છે. મસૂરની દાળનો ટેકાનો ભાવ સૌથી વધુ 425 રૂપિયા વધારીને 6,425 રૂપિયા કરવામાં આવ્યો છે. જવનો ટેકાનો ભાવ 150 રૂપિયા જ્યારે ચણાનો ટેકાનો ભાવ 105 રૂપિયા વધારવામાં આવ્યો છે. જવની MSP 1,850 રૂપિયા જ્યારે ચણાની MSP 5,440 રૂપિયા કરવામાં આવી છે. કુસુમનો ટેકાનો ભાવ 150 રૂપિયા વધારીને 5,800 રૂપિયા નક્કી થયો છે. ભારતના કુલ ખાદ્યાન્ન ઉત્પાદનમાં રવિ સીઝનનો હિસ્સો લગભગ 50 ટકા છે. રવિ પાકમાં ઘઉં, જવ, ચણા, સરસવ અને મસૂર મુખ્ય છે. આ વખતે અલ નીનો પણ સક્રિય છે ત્યારે રવિ સીઝનમાં ખેતીવાડી પર નકારાત્મક અસર પડવાની સંભાવના છે.
સરકારનું ગણિત
કેન્દ્રીય બજેટ 2018-19ની જાહેરાત અનુસાર, રવિ માર્કેટિંગ સીઝન 2024-25 માટે મુખ્ય રવિ પાકની MSP વધારવામાં આવી છે. બજેટમાં એવું નક્કી થયું હતું કે, All-India weighted average Cost એટલે કે, સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછો 1.5 ગણો ભાવ મળવો જોઈએ. સરકારે જણાવ્યું છે કે, ઘઉંનો ટેકાનો ભાવ તેના ઉત્પાદન ખર્ચના 102 ટકાના આધારે નક્કી કરીને 2,275 રૂપિયા કર્યો છે જ્યારે સરસવ માટે આ ટકાવારી 98 ટકા છે. મસૂર માટે 89 ટકા, ચણા માટે 60 ટકા, જવ માટે 60 ટકા અને કુસુમ માટે 52 ટકા વધારે ભાવ નક્કી કરવામાં આવ્યો છે, એમ સરકારે જાહેર કરેલા ટેકાના ભાવના આંકડા પરથી જાણવા મળે છે.
કોણ નક્કી કરે છે MSP
કૃષિ ખર્ચ અને મૂલ્ય પંચ (Commission for Agricultural Costs and Prices) દ્વારા દર વર્ષે રવિ પાક અને ખરીફ પાકના લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. પંચ જે ભાવ નક્કી કરે તેને કેન્દ્ર સરકાર તરફથી મંજૂરી મળવી જરૂરી છે. ખેડૂતોને વાવેતર કરવાનો નિર્ણય લેવામાં સરળતા પડે તે માટે સીઝન શરૂ થવાની હોય તેની પહેલાં ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે. જો ખેડૂતોને લાગે કે, સરકારે નક્કી કરેલો ઘઉંનો ટેકાનો ભાવ ઓછો છે તો ખેડૂતો તેનું વાવેતર નહીં કરે અને જો ખેડૂતોને લાગશે કે જવ અથવા સરસવમાં વધારે લાભ થઈ શકે એમ છે તો ખેડૂતો તેનું વાવેતર કરશે. આમ, ખેડૂતોને નિર્ણય લેવા માટે પૂરતો સમય મળી રહે તે માટે આગોતરા ભાવ જાહેર કરવામાં આવે છે. લઘુત્તમ ટેકાના ભાવને કારણે ખેડૂતોને ઓછામાં ઓછી આવકની ગેરન્ટી મળે છે.
ઘઉંના ટેકાના ભાવ ઓછા
બજારમાં ઘઉંના ભાવ 8 મહિનાની ટોચે ચાલી રહ્યાં છે. અત્યારે તહેવારોને કારણે બજારમાં ઘરાકી હોવાથી 2,500થી 2,700 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ (મણે 500થી 550 રૂપિયા)ના ભાવે સોદા પડી રહ્યાં છે. વર્તમાન સીઝન માટે ઘઉંનો ટેકાનો ભાવ 2,125 રૂપિયા છે અને આગામી સીઝન માટે સરકારે 2,275 રૂપિયા નક્કી કર્યાં છે. ખેડૂતો કહે છે કે, અત્યારે બજારમાં જે ભાવ મળી રહ્યાં છે તે ટેકાના ભાવ કરતાં ઘણા વધારે છે. સરકારે કમસે કમ 2,500 રૂપિયા ભાવ નક્કી કરવાની જરૂર હતી, કારણ કે, ઉત્પાદન ખર્ચ ઘણો વધી ગયો છે. જોકે, વેપારીઓ જણાવે છે કે, ટેકાના ભાવમાં 75થી 125 રૂપિયાનો વધારો થવાની અપેક્ષા હતી, પરંતુ સરકારે ચૂંટણીને કારણે 150 રૂપિયાનો વધારો કર્યો છે. ટેકાના ભાવ વધવાથી બજારમાં ઘઉંની કિંમતમાં પ્રતિ ક્વિન્ટલ 50 રૂપિયા જેટલો વધારો થઈ શકે છે.
ગુજરાતના બજારોમાં મિલબરમાં 450થી 475 રૂપિયા ભાવ બોલાઈ રહ્યો છે જ્યારે સારી ક્વૉલિટીના ઘઉં માટે પ્રતિ મણ 500થી 550 રૂપિયા અને બિયારણ ક્વોલિટીમાં 600 રૂપિયાની આસપાસ ભાવ ચાલે છે, જેની સામે સરકારે જાહેર કરેલો ટેકાનો ભાવ 455 રૂપિયા છે.
ચૂંટણી અને ભાવ
છેલ્લે 2019માં લોકસભાની ચૂંટણી હતી અને તે સમયે સરકારે વર્ષ 2019-20 માર્કેટિંગ સીઝન માટે ઘઉંના ટેકાનાં ભાવ 6 ટકા વધારીને 1,840 રૂપિયા કર્યા હતા. વર્તમાન સીઝન માટે સરકારે ટેકાનો ભાવ 5.45 ટકા વધારીને 2,125 રૂપિયા કર્યો છે જ્યારે આગામી સીઝન માટે ભાવ 7 ટકા વધારીને 2,275 રૂપિયા કર્યો છે.
વર્ષ MSP (Rs.)
2013-14 – 1,350
2014-15 – 1,400
2015-16 – 1,450
2016-17 – 1,525
2017-18 – 1,625
2018-19 – 1,735
2019-20 – 1,840
2020-21 – 1,925
2021-22 – 1,975
2022-23 – 2,015
2023-24 – 2,125
સરકારને અંદાજ છે કે, 2023માં ઘઉંનું ઉત્પાદન વધીને 112.74 મિલિયન મેટ્રિક ટનના રેકોર્ડ સ્તરે પહોંચી શકે છે. સરકારી ગોદામોમાં 1 ઓક્ટોબર સુધીના જથ્થાના આંકડા ચકાસીએ તો માલૂમ પડે છે કે, ઘઉંનો 2.4 કરોડ ટન જથ્થો પડ્યો છે, જે છેલ્લાં પાંચ વર્ષની 3.77 કરોડ ટનની તુલનાએ ઘણો ઓછો છે. 2022-23 માર્કેટિંગ સીઝનમાં સરકારની ઘઉંની પ્રાપ્તિ 130 ટકા ઘટીને 187.9 લાખ ટન થઈ હતી. કેન્દ્ર સરકારે 2023માં 341.5 લાખ ટનની તુલનાએ ખેડૂતો પાસેથી માત્ર 262 લાખ ટન ઘઉં ખરીદ્યા છે. એટલે કે, 2,125 રૂપિયાના ટેકાના ભાવે સરકારને ઘઉં ખરીદવામાં આંખે પાણી આવી ગયા છે, તો પછી આગામી સીઝનમાં સરકાર માટે ઘઉં ખરીદવાનું કામ વધુ કઠિન બની શકે છે. ટેકાના ભાવની જાહેરાત બાદ, 18 ઓક્ટોબરે ઘઉંના બજારભાવ 2,550થી 2,750ની રેન્જમાં બોલાઈ રહ્યાં હતા, જેમાં 50 રૂપિયા વધવાની ધારણા છે. હવે જો ખેડૂતોને બજારમાં ઊંચો ભાવ મળશે તો તે સરકારને વેચાણ કરવાનું પસંદ નહીં કરે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો