ટ્વિટર પર જાહેરાતના બદલે મળશે પૈસા
ટ્વિટર પર જાહેરાતના બદલે મળશે પૈસા..એલન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મને લઇને એક મોટી જાહેરાત કરી છે. મસ્કે ટ્વિટ કરીને કહ્યું કે કન્ટેન્ટ ક્રિએટરને તેમના જવાબમાં જોવા મળતી જાહેરાતના બદલે પૈસા મળશે. ફક્ત બ્લૂ ટિકવાળાને જ આ યોજનાનો ફાયદો થશે. એલન મસ્કે એપ્રિલમાં આ અંગે જાહેરાત કરી હતી. આ જાહેરાતને પગલે હવે પૈસા કમાવવામાં લોકોની મદદ માટે આ પ્લેટફોર્મ તૈયાર થઇ ગયું છે.
અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમ વધશે
અટલ પેન્શન યોજનામાં પેન્શનની રકમમાં વધારો થઇ શકે છે. PFRDAએ સરકારને અટલ પેન્શન યોજનામાં મળનારા મહત્તમ પેન્શનને વધારવાની માંગ કરી છે. હાલ દર મહિને મહત્તમ 5000 રૂપિયાના પેન્શનની જોગવાઇ છે. અટલ પેન્શન યોજનામાં નવા સબ્સ્ક્રાઇબર્સને જોડવામાં આવશે. PFRDA એ આ વર્ષે એનરોલમેન્ટ માટે 1.3 કરોડ નવા સભ્યો બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે. અત્યાર સુધી અટલ પેન્શન યોજનાના સબ્સ્ક્રાઇબરની સંખ્યા 5.3 કરોડ થઇ ચૂકી છે. ગયા વર્ષે અટલ પેન્શન યોજના સાથે 1.2 કરોડ રોકાણકાર જોડાયા હતા.
નવી પેન્શન સ્કીમમાં લઘુત્તમ રિટર્નની ગેરંટી?
નવી પેન્શન સ્કીમ પર PFRDA કામ કરી રહી છે. જેમાં રોકાણકારોને NPS હેઠળ લઘુત્તમ સુનિશ્ચિત રિટર્નની ગેરંટી મળશે. રિસ્ક અને રિટર્નને બેલેન્સ કરવા માટે નવી રણનીતિ બની રહી છે. સુનિશ્ચિત રિટર્ન માટે પેન્શન ફંડે વધારે મૂડીની વ્યવસ્થા કરવી પડશે. લઘુત્તમ સુનિશ્ચિત રિટર્નની વ્યવસ્થાની સાથે PFRDAનું જોખમ પણ વધશે. PFRDAએ ન્યુનત્તમ સુનિશ્ચિત રિટર્ન આપનારી યોજનાઓની દિશામાં આગળ વધી છે. અને જલદી નવી યોજનાની જાહેરાત થઇ શકે છે. ગ્રાહકોની સંખ્યા વધારવા માટે આકર્ષક રિટર્નની સરકારની યોજના છે.
સસ્તા પેટ્રોલ-ડીઝલ માટે હજુ કેટલી રાહ?
સસ્તા પેટ્રોલ-ડીઝલ માટે હજુ તમારે રાહ જોવી પડશે. સરકારી ઓઇલ કંપનીઓ પોતાની ખોટની ભરપાઇ કરી રહી છે. ઓઇલ કંપનીઓ ક્રૂડ ઓઇલની કિંમતો પર આવતા ક્વાર્ટર સુધી નજર રાખશે. ત્યારબાદ જ કિંમતોમાં ઘટાડા અંગે કોઇ નિર્ણય લેવામાં આવશે. પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ઓક્ટોબર કે ત્યારબાદ જ કોઇ ઘટાડો થાય તેવી શક્યતા છે. જાન્યુઆરી-માર્ચમાં ઓઇલ કંપનીઓને પેટ્રોલ પર લગભગ 7 રૂપિયા જ્યારે ડીઝલ પર 50 પૈસાનો ફાયદો થયો છે. મહત્વનું છે કે ગયા વર્ષે મે મહિનાથી પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં કોઇ ફેરફાર નથી થયો. હાલ ક્રૂડનો ભાવ 70 ડોલર પ્રતિ બેરલની નીચે ચાલી રહ્યો છે.
NPSમાં ઉપાડના નિયમમાં ફેરફાર થશે
નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે NPSમાં ઉપાડના નિયમમાં ફેરફાર થવાનો છે. જૂનના અંત સુધી NPS સબ્સ્ક્રાઇબર્સને સિસ્ટમેટિક લંપસમ વિડ્રોઅલ ઓપ્શન મળી શકે છે. નવા ઓપ્શનથી NPS સબ્સ્ક્રાઇબર્સ માસિક, ત્રિમાસિક, છમાસિક કે વાર્ષિક ઉપાડનો વિકલ્પ પસંદ કરી શકે છે. હાલ NPS સબ્સ્ક્રાઇબર્સ 60 વર્ષની ઉંમરે રિટાયરમેન્ટ ફંડમાંથી એકસાથે 60 ટકા રકમ કાઢી શકે છે. જ્યારે બાકીની 40 ટકા રકમમાંથી એન્યુઇટી પ્લાન ખરીદવો પડે છે. આ નવી સુવિધાથી એનપીએસની ચમક વધી શકે છે.
PPF પરના વ્યાજ દરમાં વધારો થઇ શકે
અંદાજે 3 વર્ષ બાદ PPFનું વ્યાજ વધી શકે છે. સરકાર દરેક ક્વાર્ટરમાં લઘુ બચત યોજનાઓની સમીક્ષા કરે છે. જુનના અંતમાં જુલાઇ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે વ્યાજ દરોની સમીક્ષા થશે. એપ્રિલ 2020થી પીપીએફ પર વ્યાજ દરોમાં કોઇ ફેરફાર નથી થયો. PPF પર હાલ 7.1 ટકા વ્યાજ મળી રહ્યું છે. જે કર્મચારી ભવિષ્ય નિધિ એટલે કે EPFની તુલનામાં એક ટકા ઓછું છે. રિટાયરમેન્ટ સાથે જોડાયેલી આ લઘુ બચત યોજનામાં વ્યાજ દર વધવાની શક્યતાઓ વ્યક્ત થઇ રહી છે.
સોશિય મીડિયા ઇન્ફ્લૂઅન્સર પર સેબીનો સકંજો
સોશિયલ મીડિયા પર સલાહ આપનારા રાયચંદો પર સેબી તેનો ગાળિયો મજબૂત કરશે. RBI એ ઇન્ફ્લૂઅન્સર માટે નિયમ બનાવવાની ના પાડી છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર સલાહ આપનારાની ભરમાર છે. કોઇપણ જાતના માપદંડોને પૂરા કર્યા વગર આ ઇન્ફ્લૂઅન્સર લોકોને સલાહ આપી રહ્યા છે. નાના અને નવા રોકાણકાર આનાથી ગેરમાર્ગે દોરાઇ રહ્યા છે. સેબી આવી સોશિયલ મીડિયા જાહેરાતો અને માર્કેટિંગ અભિયાનોને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ અંગે શેર બ્રોકર્સ અને મ્યુચ્યુઅલ ફંડ હાઉસ માટે જલદી નિયમો બહાર પાડવામાં આવે તેવી શક્યતા છે.
વીજળી થઇ શકે છે સસ્તી
દેશમાં વીજળીની કિંમતોમાં ઘટાડો થઇ શકે છે. વીજ મંત્રાલયે કેન્દ્રીય વિદ્યુત નિયામક આયોગને અલગ અલગ વીજ એક્સચેન્જોને એક સાથે જોડવાની પ્રક્રિયા શરૂ કરવા કહ્યું છે. આ પગલાનો હેતુ બધા એક્સચેન્જો પર વીજળીની કિંમતોમાં સમાનતા લાવવાનો છે. આ પગલાથી એક્સચેન્જને રિયલ ટાઇમ ટ્રેડિંગમાં માર્કેટ શેર પ્રાપ્ત કરવામાં મદદ મળશે….
ગોલ્ડ લોન કંપનીઓ માટે ગાઇડલાઇન્સ
ગોલ્ડ લોન કંપનીઓ માટે આરબીઆઇ જલદી કોઇ ગાઇડલાઇન્સ બહાર પાડી શકે છે. કાનૂનગો કમિટીની ભલામણો ગાઇડલાઇન્સમાં સામેલ હશે. ગોલ્ડ લોન ગ્રાહકના મૃત્યુના સંજોગોમાં બાકી લોનનું સેટલમેન્ટ, સ્થાનિક ભાષામાં જાણકારી આપવા અને ગોલ્ડની હરાજી બાદ સરપ્લસ રકમના રિફંડ માટે દિશા-નિર્દેશ નક્કી કરવામાં આવશે….RBIના પૂર્વ ડેપ્યુટી ગર્વનર બીપી કાનૂનગો કમિટીએ કસ્ટમર સર્વિસ સ્ટાન્ડર્ડ્સને સુધારવા માટે ભલામણ કરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો