MONEY9: ટેક્નોલોજી વર્લ્ડમાં ખળભળાટ મચ્યો છે. કમાણી ઘટવાની બીક છે નુકસાન વધવાની આશંકા વધી રહી છે, એટલે જ તો અમેરિકાથી લઈને ભારત સુધીની ટેક કંપનીઓ ખર્ચકાપનાં પગલાં ભરવા મજબૂર બની છે. કંપનીઓના પાયા હચમચવા લાગ્યા એટલે તેમના શેર ખરીદીને આસમાનમાં ઊડી રહેલાં રોકાણકારોની પણ પાંખો કપાઈ ગઈ. અમેરિકામાં ફેસબૂકથી લઈને ગગૂલ અને ભારતમાં TCSથી લઈને ઈન્ફોસિસ, કોઈ પણ ટેક સ્ટોકની હાલત જુઓ, બધાના ભાવ છેલ્લાં એક વર્ષના હાઈ લેવલથી 50 ટકાથી 90 ટકા નીચે પહોંચી ગયા છે.
ગૂગલ, ફેસબૂક, માઈક્રોસૉફ્ટની હાલત દુનિયાભરની ટેક કંપનીઓની કમાણી ઘટી છે અથવા તો અંદાજ કરતાં ઓછી રહી છે. ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટનો નફો સતત બીજા ક્વાર્ટરમાં ઘટ્યો છે. ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામની પેરન્ટ કંપની મેટાએ પણ જૂન ક્વાર્ટરમાં નફામાં 36 ટકાનો જંગી ઘટાડો નોંધાવ્યો છે, તો માઈક્રોસોફ્ટની આવકમાં પણ 2020 પછી સૌથી ઓછો ગ્રોથ નોંધાયો છે. ટ્વિટરની હાલત પણ આવી જ છે.
વિપ્રો, ઈન્ફોસિસની હાલત કમાણી ઘટવા લાગી એટલે ટેક કંપનીઓએ ખર્ચ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં વિપ્રોએ સીનિયર કર્મચારીઓના વેરિયેબલ પે અટકાવી દીધા છે જ્યારે ઈન્ફોસિસે માર્જિન બચાવવા માટે પ્રથમ ક્વાર્ટરમાં સરેરાશ 70 ટકા બોનસ ચૂકવ્યું છે. અન્ય કેટલીક કંપનીઓએ નવા કર્મચારીની ભરતીની યોજના અભેરાઈએ ચઢાવી દીધી છે.
કર્મચારી ઓછા કરવાની શરૂઆત ભારત કરતાં અમેરિકાની કંપનીઓએ ખર્ચકાપ માટે આકરાં પગલાં ભર્યાં છે. ત્યાં કર્મચારીઓની છટણી શરૂ થઈ ગઈ છે. દુનિયાની સૌથી મોટી કંપની હોવાનો દાવો કરતી એપલે તાજેતરમાં જ 100 કર્મચારીને કાઢી મૂક્યા છે. ફેસબૂકના સ્થાપક માર્ક ઝકરબર્ગે પણ છટણીનાં સંકેત આપી દીધા છે.
ટેક. સ્ટાર્ટઅપ્સનાં વળતાં પાણી ટેકનોલોજીના ગગનમાં જગારા મારતાં તારલા, એટલે કે ટેક. સ્ટાર્ટઅપ્સની સ્થિતિ તો ઘણી ખરાબ છે. ભારતનાં જે પાંચ સ્ટાર્ટઅપ્સના શિરે યુનિકોર્નનો તાજ મૂકવામાં આવ્યો હતો, તે છીનવાઈ ગયો છે. આ પાંચેય સ્ટાર્ટઅપ્સ એટલે કે, પેટીએમ મોલ, સ્નેપડીલ, ક્વિકર, હાઈક અને શોપક્લૂઝનું વેલ્યુએશન ઘટીને એક અબજ ડૉલરની નીચે જતું રહ્યું છે. આ સિવાયના ટેક સ્ટાર્ટઅપ્સની પરિસ્થિતિ પણ સારી નથી. ઝોમેટો અને પેટીએમના રોકાણકારો સાથે જે થયું તે જગજાહેર છે. આવા ટેક. સ્ટાર્ટઅપ્સમાં મોટા ગજાનાં જે રોકાણકારોએ નાણાં ઠાલવ્યાં હતા, તેમને પણ જબરજસ્ત ફટકો સહન કરવાનો વારો આવ્યો છે.
આવક અને નફામાં જંગી ઘટાડો જાપાનની સોફ્ટબેન્કે જૂન ક્વાર્ટરમાં 23 અબજ ડૉલરથી પણ વધુ ખોટ ખાવી પડી જ્યારે ચીનની અલીબાબાએ માર્ચ ક્વાર્ટરમાં નફામાં 17 ટકા ઘટાડો વેઠવો પડ્યો છે. ખોટનો ખાડો વધુ ઊંડો થવાની આશંકા વ્યક્ત કરીને મહાકાય સ્ટાર્ટઅપ-ઈન્વેસ્ટર ટાઈગર ગ્લોબલે પણ દુનિયાભરના ઘણા સ્ટાર્ટઅપ્સમાંથી પોતાનું રોકાણ ઘટાડવાનું શરૂ કરી દીધું છે. સૂકા ભેગું લીલું બળે એમ સોફ્ટવેર ટેક કંપનીઓનાં વળતાં પાણીનો રેલો હાર્ડવેર કંપનીઓ સુધી પહોંચ્યો છે. તેનો પુરાવો છે જૂન ક્વાર્ટરમાં વેચાયેલા કમ્પ્યૂટરના આંકડા. દુનિયાભરમાં કમ્પ્યૂટરના વેચાણમાં 11 ટકાથી પણ વધુ ઘટાડો નોંધાયો છે અને જૂન ક્વાર્ટરનું વેચાણ 9 વર્ષના તળિયે પહોંચી ગયું છે. એટલું જ નહીં, સ્માર્ટફોનના વેચાણમાં પણ 9 ટકાનો ધરખમ ઘટાડો થયો છે.
ગંભીર અસર દુનિયામાં અત્યારે જેટલી પણ મહાકાય ટેક કંપનીઓ છે, તેમનો ઉદય છેલ્લાં 30થી 35 વર્ષ દરમિયાન થયો છે અથવા તો આ સમયગાળામાં જ તેમણે વૃદ્ધિમય સફર કરી છે, પરંતુ છેલ્લાં 30થી 35 વર્ષમાં કદાચ પહેલીવાર ટેકનોલોજી વર્લ્ડ પર મંદીની આટલી ગંભીર અસર જોવા મળી છે. જો સ્થિતિ સમયસર નહીં સુધરે તો, અતિ ગંભીર પરિણામ ભોગવવાનો વારો આવી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો