MONEy9: વીજળી ઉદ્યોગમાં તેજીનો ચળકાટ જગારા મારી રહ્યો છે. આ ઉદ્યોગમાં છેલ્લાં કેટલાક દિવસથી જંગી મૂલ્યનાં નવા-નવા સોદા થઈ રહ્યાં છે. જે કંપનીઓની બેલેન્સ શીટ મજબૂત છે તે માંદા વીજમથકોને ખરીદવા માટે ધડાધડ બિડ કરી રહી છે. છેલ્લાં 30 દિવસમાં જ 32 હજાર કરોડ રૂપિયાના સોદા થયા છે.
સોદા પર નજર નાખીએ સિંગાપોરની સેમ્બકૉર્પ ઈન્ડસ્ટ્રીઝે ભારતમાં સ્થાપેલા તેના બે પ્લાન્ટ્સ 11 હજાર 700 કરોડ રૂપિયામાં વેચી દીધા. કુલ 2,600 મેગાવોટની ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટ્સ ઓમાનની તનવીર ઈન્ફ્રાએ ખરીદ્યા છે. અદાણી પાવરે તાજેતરમાં જ ડીબી પાવર સાથે સૌથી મોંઘા ભાવે સોદો કર્યો. અદાણીએ પ્રતિ મેગાવોટ 6 કરોડ રૂપિયા ચૂકવ્યા અને 1,200 મેગાવોટની થર્મલ કેપેસિટીવાળા પ્લાન્ટ માટે કુલ 7 હજાર 17 કરોડ રૂપિયાના વેલ્યુએશન પર ડીલ ફાઈનલ થઈ.
અંબાણી અને અદાણી વચ્ચે ટક્કર લેન્કો ગ્રૂપના અમરકંટક પાવર પ્લાન્ટને ખરીદવા માટે રિલાયન્સ અને અદાણી ગ્રૂપ વચ્ચે IBCમાં રસાકસી ચાલી રહી છે. નાદારી નોંધાવનારા લેન્કો ગ્રૂપમાં બેન્કોના 16 હજાર 604 કરોડ રૂપિયા ફસાયેલા છે… અને રિલાયન્સે તેના માટે માત્ર 1 હજાર 960 કરોડ રૂપિયાની બિડ કરી છે જ્યારે અદાણી ગ્રૂપે 1 હજાર 800 કરોડ રૂપિયાનો ભાવ ઑફર કર્યો છે.
જંગી મૂલ્યના સોદા થોડા દિવસ પહેલાં સરકારી કંપની NTPCએ જાબુઆ સ્થિત 600 મેગાવોટ ક્ષમતાવાળો માંદો પાવર પ્લાન્ટ 925 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ઉપરાંત, JSW એનર્જીએ અત્યાર સુધીના સૌથી મોટા સોદા પર હસ્તાક્ષર કરીને મિત્રા એનર્જીના રિન્યુએબલ પોર્ટફોલિયોને 10 હજાર 530 કરોડ રૂપિયાના તગડા વેલ્યુએશને ખરીદ્યો.
સૌથી મોટો સવાલ તો, હવે સવાલ એ થાય કે, વીજળી ઉદ્યોગમાં અચાનક જ વીજળીક વેગે સોદા કેમ થઈ રહ્યાં છે? ઈલારા કેપિટલના રિસર્ચ વિભાગના વાઈસ પ્રેસિડન્ટ રૂપેશ સંખે કહે છે કે, કોવિડ મહામારી વખતે નાદારીના કેસની પતાવટ મંથર ગતિએ ચાલતી હતી, પરંતુ છેલ્લાં 6થી 8 મહિનાથી નાદારીના કેસ ઝડપથી ઉકેલાઈ રહ્યાં છે. આ ઉપરાંત, ભારતમાં વીજળીની માંગ 10થી 12 ટકા વધી છે અને આગામી 2 થી 3 વર્ષ સુધી માંગમાં આવી તેજી જળવાઈ રહેવાની અપેક્ષા છે. વીજળીની માંગ વધી રહી હોવાથી કમાણીની તક ઊભી થઈ, એટલે આ તક ઝડપવા માટે મોટી કંપનીઓએ મુશ્કેલીમાં ફસાયેલી પાવર કંપનીઓને ખરીદવા માટે આક્રમકતા દાખવી છે.
એક્સપર્ટનો અભિપ્રાય રૂપેશે અન્ય એક મહત્ત્વની વાત સમજાવી કે, વર્તમાન સમયમાં માંદી વીજ કંપનીઓ લગભગ 50 ટકા ડિસ્કાઉન્ટમાં મળી રહી છે… આથી, જે કંપનીઓ પાસે તમામ પ્રકારની મંજૂરીઓ છે અને એસેટ ક્વૉલિટી સારી છે, તેમાં મોટી કંપનીઓને રસ પડી રહ્યો છે. જે કંપનીઓના કેસ નાદારીની અદાલતમાં ચાલી રહ્યાં છે, તેમાં બેન્કોએ જંગી ખોટ ખાવી પડશે. તો આવી કંપનીઓને સસ્તામાં ખરીદનારને જોરદાર ફાયદો થશે. આ તમામ હિલચાલને પગલે, છેલ્લાં એક વર્ષમાં પાવર કંપનીઓના શેર તેજીની સફરે નીકળી ગયા છે અને રોકાણકારોને મજબૂત વળતર આપી રહ્યાં છે. પાવર ઈન્ડેક્સ પણ 1 વર્ષમાં લગભગ 80 ટકા વધી ગયો છે. આમ, પાવર સેક્ટરના બદલાતા સમીકરણને પગલે, સારી પાવર કંપનીઓમાં કમાણીની તક ઊભી થઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો