Money9: ગામડાઓમાં મોબાઇલ ફોન યૂઝર્સ ઘટવા લાગ્યા છે. આ ટ્રેન્ડ લગભગ એવો જ છે જેવો ટૂ-વ્હીલર્સ અને FMCG ઉત્પાદનોના વેચાણમાં જોવા મળ્યો હતો. લાંબા સમયથી તેનું વેચાણ ગામડાઓમાં પણ નથી વધી રહ્યું. વધતી મોંઘવારી અને ઘટતી માંગથી દરેક સેક્ટરને ફટકો પડ્યો છે. ટેલીકોમ રેગ્યુલેટર TRAIએ તાજેતરમાં દેશના મોબાઇલ ગ્રાહકોના આંકડા જાહેર કર્યા છે.
ગામડાઓમાં મોબાઇલ ફોન યૂઝર્સ ઘટ્યાં
આંકડા દર્શાવે છે કે દેશના ગામડાઓમાં એક મહિનાની અંદર મોબાઇલ યૂઝર્સની સંખ્યામાં 37 લાખથી વધુનો ઘટાડો આવ્યો છે. ઓગસ્ટના અંત સુધી દેશના ગ્રામીણ ક્ષેત્રોમાં 52.20 કરોડથી વધુ મોબાઇલ ગ્રાહક હતા. જે સપ્ટેમ્બરના અંતમાં ઘટીને 51.83 કરોડ થઇ ગયા. આનાથી વિપરિત શહેરી વિસ્તારોમાં જોઇએ તો ત્યાં મોબાઇલ યૂઝર્સની સંખ્યા ઘટવાના બદલે સાધારણ વધી છે. સપ્ટેમ્બરના અંત સુધી શહેરી વિસ્તારોમાં 62.71 કરોડથી વધુ મોબાઇલ યૂઝર્સ નોંધાયા છે.
ટેલીકોમ કંપનીઓએ ગયા વર્ષે નવેમ્બરમાં મોબાઇલ ટેરીફના દરોમાં 20 થી 25 ટકાનો વધારો કર્યો હતો. ત્યારે એવું લાગવા લાગ્યું હતું કે એકથી વધુ મોબાઇલ કનેક્શન ધરાવતા લોકો પોતાના કનેક્શન ઘટાડશે અને તેની અસર પણ જોવા મળી. ગયા વર્ષે નવેમ્બર દરમિયાન ગ્રામીણ ક્ષેત્રોમાં મોબાઇલ ફોનની ટેલી ડેન્સિટી 59 ટકાની ઉપર રહેતી હતી. જે આ વર્ષે સપ્ટેમ્બરમાં ઘટીને 58 ટકાની નીચે આવી ચુકી છે.
મોબાઇલ દરોમાં વધારાની અસર
ટેલીકોમ કંપનીઓ તરફથી મોબાઇલ દરોમાં વધારાનો એક બીજો સંકેત પણ મળ્યો છે. હાલમાં જ એરટેલ હરિયાણા અને ઓરિસ્સામાં પોતાના બેઝિક મોબાઇલ પ્લાનની કિંમતમાં 57 ટકાનો વધારો કર્યો છે. અનુમાન એવું છે કે એરટેલ બીજા રાજ્યોમાં પણ દરો વધારી શકે છે. અને બીજી ટેલીકોમ કંપનીઓ પણ એરટેલના રસ્તે ચાલી શકે છે. જો આમ થયું તો મોબાઇલ યૂઝર્સ ઘટવાની આશંકા વધી જશે. ઉપરથી મોંઘવારી વધવાના કારણે દેશમાં મોબાઇલ હેન્ડસેટના સપ્લાયમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
રિસર્ચ ફર્મ IDCના આંકડા જણાવે છે કે સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન દેશમાં સ્માર્ટ ફોનની શિપમેન્ટ 10 ટકા ઘટીને 4.35 કરોડ યૂનિટ રહી છે. જે 2019ના સપ્ટેમ્બર ત્રિમાસિક બાદ સૌથી ઓછું શિપમેન્ટ છે. મોંઘવારી વધવાના કારણે ટેલીકોમ કંપનીઓના સસ્તા ફોન ઓછા વેચાઇ રહ્યા છે. ઉપરથી મોબાઇલ બનાવવામાં પણ કંપનીઓના ખર્ચ વધી ગયા છે. IDC નું માનવું છે કે 2022 દરમિયાન ભારતમાં સ્માર્ટફોનના વેચાણમાં 8 થી 9 ટકાનો ઘટાડો આવશે. અને 2023માં પણ સ્થિતિમાં સુધારાની આશા નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો