Money9 Gujarati:
જીરું હવે હોટ કોમોડિટી બની ગઈ છે. છેલ્લાં બે વર્ષમાં તેમાં બિટકોઈન જેવી તેજી છે. ભાવ ઐતિહાસિક હાઈ સપાટીએ પહોંચી ગયા છે. વૈશ્વિક સ્તરે જીરું ઓછું પાક્યું છે, એટલે બધા દેશોની નજર ભારત તરફ છે. જોકે, ભારતમાં પણ અપેક્ષા અનુસાર ઉત્પાદન થયું નથી. કમોસમી વરસાદે ખેલ બગાડ્યો છે. જીરાની માંગ વધી રહી છે, એટલે લાગે છે કે, આગામી દિવસોમાં જીરું હજુ મોંઘું થશે. જીરું વધવા પાછળ ચીનની ઊંચી માંગ પણ જવાબદાર હોવાનું કોમોડિટી એક્સપર્ટ જણાવી રહ્યાં છે.
સપ્લાય ઘટવાની ભીતિ વચ્ચે ડિમાન્ડ વધી રહી છે, એટલે ભાવ ઊંચકાયા હોવાની વાતો વચ્ચે સટોડિયા પણ સક્રિય થઈ ગયા છે. વાયદા બજારમાં ભાવ 50,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચવાની તૈયારીમાં છે જ્યારે હાજર બજારમાં તો રેકોર્ડ-બ્રેક ભાવ બોલાઈ રહ્યાં છે. તો આખરે જીરું બજારમાં શું ચાલી રહ્યું છે?
ચીનની ડિમાન્ડઃ છેલ્લાં 3 સપ્તાહમાં, ચીને ભારતમાંથી 300થી 350 કન્ટેનર્સ ભરીને જીરું ખરીદ્યું છે. બાંગ્લાદેશમાંથી પણ માંગ નીકળી છે. ભારતમાં અત્યારે માંગ રેગ્યુલર ડિમાન્ડની તુલનાએ માત્ર 15થી 20 ટકા છે. એક્સપર્ટનું કહેવું છે કે, ચીનની ડિમાન્ડને કારણે જીરું માર્કેટ ગરમ છે અને ભાવમાં વધારો થવા પાછળ ચીનની માંગનો ફાળો 50 ટકા છે.
કેટલો માલ ઠલવાયોઃ
કેડિયા કોમોડિઝીને અંદાજ હતો કે, એપ્રિલમાં 55થી 60 લાખ બેગ માલ ઠલવાશે, પરંતુ આંકડા અનુસાર, એપ્રિલમાં 50 લાખ બેગ માલ ઠલવાયો છે. ઊંઝામાં મહિના અગાઉ દૈનિક 30,000થી 35,000 બેગ જીરું ઠલવાતું હતું, પરંતુ હવે દૈનિક 7,000થી 8,000 બેગ આવી રહી છે. રાજસ્થાનમાં પણ 7,000થી 8,000 બેગ ઠલવાઈ રહી છે.
કોમોડિટી એક્સપર્ટનો મતઃ
કોમોડિટી એક્સપર્ટ કહે છે કે, જીરાની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ ઊંજા સહિતના માર્કેટયાર્ડમાં આવક જોઈએ તેવી વધી નથી, પરિણામે ભાવમાં તેજીનો વાયરો ફૂંકાયો છે.સીરિયા અને અફઘાનિસ્તાનમાંથી નવો માલ બજારમાં 15 કે 20 જૂન પછી આવશે. સીરિયાના વેપારીઓએ આ વર્ષે 20,000થી 30,000 ટન જીરું આવવાનો અંદાજ આપ્યો છે, જે છેલ્લાં 10 વર્ષમાં સૌથી વધારે હશે. જોકે, આટલો માલ આવવાનો આધાર સાનુકૂળ હવામાન પર રહેલો છે. અફઘાનિસ્તાનમાં પણ ગયા વર્ષની તુલનાએ વધારે જીરું પાકવાનો અંદાજ છે. જો, આ બંને દેશમાંથી સારી ક્વોલિટીનું જીરું બજારમાં ઠલવાશે તો ભાવ ઘટવાની શક્યતા છે.
છેલ્લાં બે વર્ષમાં ચિત્ર બદલાયુંઃ
છેલ્લાં બે વર્ષથી માત્ર મસાલા માર્કેટમાં જ નહીં, પરંતુ કૃષિ જણસીઓની બજારમાં જીરું હોટ કોમોડિટી બની છે. અગાઉ ઘણા વર્ષો સુધી જીરૂની માર્કેટ પ્રતિ ૨૦ કિલો સરેરાશ રૂ. 2,500થી રૂ.3,000ની સપાટી વચ્ચે સ્થિર પડેલ હતી. હવે, જીરૂ ખેડૂતોને સારા દામ અપાવવા માટે મેદાને ઉતર્યું છે. જીરાની વધતી બજાર સામાન્ય ઘટાડે થાક ખાતી ખાતી સતત આગળ ધપી રહી છે. જીરુના વાયદામાં તેજીની સર્કિટો વાગી છે. જીરૂનો મે વાયદો રૂ.1,810 સુધરીને રૂ.47,100, જૂન વાયદો રૂ.47,570 અને જુલાઈ વાયદો રૂ.48,045ની ઓલ-ટાઈમ હાઈ સપાટીએ છે.
અંડરટોન મજબૂતઃ
કમોસમી વરસાદને કારણે જીરુના પાકને નુકસાન પહોંચ્યું છે અને ઉત્પાદન ઘટ્યું છે. પરિણામે, ભાવ ઐતિહાસિક ઊંચી સપાટીએ પહોંચ્યા છે. અત્યારે ચીનની ભારે લેવાલી છે, જેની સામે જીરુની આવક ઘટી છે. ઊંઝા માર્કેટમાં જીરુનો માલ ઓછો આવી રહ્યો છે અને માલબોજો ઓછો હોવાથી અંડરટોન મજબૂત રહેવાની ધારણા છે. આ વર્ષે દિવાળી પછી જીરાની વાવણી 175થી 200 ટકા થઈ શકે છે. આથી, સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં બિયારણની માંગ પણ વધવાની શક્યતા છે.
ઊંચા ભાવે વેચાતું જીરુંઃ
8 મે સોમવારના રોજ જામનગર યાર્ડમાં કચ્છ-ભૂજના શિવગઢ ગામનાં શામજીભાઇ હરીભાઇનું 13 ગુણી જીરૂ જામનગર યાર્ડની પારસમણી ટ્રેડીંગમાં આવ્યું હતું. એ ૧૩ ગુણી જીરાનો જથ્થો જામનગર યાર્ડના અત્યાર સુધી જીરાનાં ટોચના રૂ. 9,035નાં ભાવથી કોટેચા એન્ડ કુ. દ્વારા ખરીદ કરવામાં આવ્યું હતું. 9 મેના રોજ રાજકોટના બેડી યાર્ડમાં રૂ. 9,100 ભાવ બોલાયો હતો.
સટોડિયાનો ખેલઃ
સટોડિયાની રમતથી બજારમાં તેજીની ચાલ રાતોરાત બદલાઈ જાય છે. છેલ્લાં બે વર્ષથી તેજીવાળાએ અને ખાસ તો સટોડિયાએ જમાવટ કરી છે. સટોડિયા રોજેરોજ કિલોએ ભાવ 25થી 30 રૂપિયા વધારી દે છે અને પછી દસ-પંદર રૂપિયાનો નફો તારવી લે છે, એટલે દિવસના અંતે પ્રત્યાઘાતી ઘટાડો દેખાય છે. ભાવ વધવાથી જીરાની નિકાસ પણ ઘટી છે. સટોડિયાઓ ઉત્પાદન ઘટ્યાનું અને નિકાસ વધ્યાનું ચિત્ર રજૂ કરી રહ્યાં છે. ઘણા વેપારીએ હજુ સારો ભાવ મળવાની આશાએ સંગ્રહખોરી પણ કરી છે, અને તેણે પણ જીરુંના માર્કેટમાં તેજીનું ઈંધણ પૂરું પાડ્યું છે.
અન્ય ખબરઃ
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો