MONEY9: શું ભારતમાં નાનકડી કારનું માર્કેટ ખતમ થવાની તૈયારીમાં છે? શું આગામી દિવસોમાં ઓટો કંપનીઓ સ્મોલ કાર બનાવવાનું અને વેચવાનું બંધ કરી દેશે? તમને કદાચ એમ થતું હશે કે, આવું તે વળી ક્યાંથી થાય…? પરંતુ આ શક્યતા વાસ્તવિકતામાં બદલાઈ શકે છે. આવી આશંકા વ્યક્ત કરવા પાછળ કેટલાક નક્કર પરિબળો છે.
કોણે બાંધ્યું ભારતમાં કાર-ક્રાંતિનું પારણું? ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં શરૂઆતથી જ અફોર્ડેબલ કારની બોલબાલા રહી છે. ભારતમાં કાર-ક્રાંતિનું પારણું બાંધવાનો શ્રેય પણ મારુતિ 800ને જ જાય છે અને ભારતીયોમાં સ્મોલ કારની લોકપ્રિયતાના જોરે જ આ કાર અત્યાર સુધી માર્કેટમાં ટકી હતી. એક જમાનો હતો જ્યારે કોઈ પણ ભારતીય કાર ખરીદવાનું સ્વપ્ન જોતો, તો તેને સપનામાં પણ મારુતિ 800 જ દેખાતી હતી. જોકે, એ સમયે મારુતિ 800નો ભાવ પણ મિડલ-ક્લાસ ફેમિલીના ગજા બહારની વાત હતી.
ટાટાનું સ્વપ્ન રગદોળાયું ત્યારબાદ ટાટાએ બજારમાં લાખેણી નેનો લોન્ચ કરીને આખીયે દુનિયામાં ખળભળાટ મચાવી દીધો. પરંતુ, બાઈક અને સ્કૂટર પર ફરવાવાળાને નાનકડી નેનોમાં ફેરવતા કરવાનું રતન ટાટાનું વિરાટ સપનું વામણું પુરવાર થયું. નેનો ખરીદનારા ખોવાઈ ગયા એટલે ટાટાને પરાણે નેનોનું ઉત્પાદન પણ બંધ કરવું પડ્યું. હવે, કદાચ સ્મોલ-કારની ક્રાંતિ પણ તેના અંતિમ દિવસો ગણી રહી હોય તેવું લાગી રહ્યું છે.
મારુતિ 800 થઈ ફેઝ-આઉટ એક સમયે મારુતિ 800માં ફરનારા લોકો જેને સ્ટેટસ સિમ્બોલ માનતા હતા તે કારનું ઉત્પાદન અને વેચાણ વર્ષોથી બંધ થઈ ગયું છે. જોકે, મારુતિએ અલ્ટો, વેગન-આર, સ્વિફ્ટ, બલેનો જેવી કાર દ્વારા લોકોની મહત્વાકાંક્ષા અને અપેક્ષા પૂરી કરવાનું જાળવી રાખ્યું છે. અનેક ફીચરથી ભરપૂર આ બધી કારના જોરે જ મારુતિ વર્ષોથી ભારતીય કાર માર્કેટમાં બાદશાહી ભોગવતી આવી છે.
કાર માર્કેટમાં સ્પર્ધા જોકે, હરીફોએ મારુતિને ટક્કર આપવામાં કોઈ કચાશ નથી રાખી. હ્યુન્ડેઈ, ટાટા, રેનો, ડેટસન, જનરલ મોટર્સ, નિસાન સહિતની તમામ કંપનીઓએ સ્મોલ કાર લોન્ચ કરીને મારુતિના ગ્રાહકો તોડવામાં સફળતા પણ મેળવી હતી.
સ્મોલ કારનું પ્રભુત્વ પરંતુ, હવે મારુતિ અને સ્મોલ કાર બંનેનું પ્રભુત્વ ઘટી રહ્યું છે. બંનેની લોકપ્રિયતા ઓછી થઈ રહી છે. આથી, જ જૂન મહિનામાં મારુતિનું વેચાણ વાર્ષિક ધોરણે 1 ટકા ઘટ્યું છે. બજારનો 50 ટકાથી પણ વધુ હિસ્સો પોતાના કબજામાં રાખતી મારુતિનો બજારહિસ્સો 7થી 8 ટકા ઘટી ગયો છે.
કડક નિયમો મારુતિ પોતાનો દબદબો પાછો મેળવવાના પ્રયાસમાં જોતરાઈ જવાની તૈયારી જ કરી રહી હતી, ત્યાં વળી સરકારે કડક નિયમો લાગુ કરીને મારુતિની મુશ્કેલી વધારી દીધી છે. સરકારે 1 ઓક્ટોબરથી તમામ કારમાં 6 એરબેગ ફરજિયાત કરી દીધી છે. એટલું જ નહીં, સરકારે કારમાં સ્ટાર રેટિંગનો મુદ્દો પણ છંછેડ્યો છે. આવી હિલચાલથી ચિંતાતુર મારુતિએ તો જાણે કે હાર માની લીધી હોય તેવું લાગે છે. કંપનીના ચેરમેન આર. સી. ભાર્ગવે તો સ્મોલ કારનું ઉત્પાદન બંધ કરવું પડે તેવી શક્યતા પણ વ્યક્ત કરી દીધી છે.
કંપનીઓએ ફાડ્યો છેડો મારુતિને જે વાત સમજવામાં વર્ષો લાગ્યા, તે વાત હરીફ કંપનીઓ પહેલેથી જ સમજી ગઈ હતી, અને એટલે જ કદાચ તેમણે ધીમે-ધીમે સ્મોલ કારનો મોહ છોડવાનું શરૂ કરી દીધું હતું. સરકાર ઈચ્છે છે કે, સલામતીની દૃષ્ટિએ કારમાં કોઈ કચાશ ના રહેવી જોઈએ. હવે જો કંપનીઓ સેફ્ટીના ધારાધોરણોનું પાલન કરે તો કારની કિંમત વધી જશે.
સ્મોલ ઈલેક્ટ્રિક કાર ચાલશે? હવે સવાલ એવો પણ થાય કે, આગામી સમય તો ઈલેક્ટ્રિક કારનો આવવાનો છે. એવા દાવા થઈ રહ્યાં છે કે, 2030 સુધીમાં ભારતની 30 ટકા કાર વીજ-સંચાલિત હશે. તો શું નાની ઈલેક્ટ્રિક કાર ચાલશે કે નહીં? કે પછી ગ્રાહકો તેને પણ જાકારો દેશે? તો શક્યતા એવી છે કે, અહીં પણ કિંમત જ મહત્ત્વની ભૂમિકા ભજવશે, કારણ કે, સામાન્ય કાર કરતાં ઈલેક્ટ્રિક કાર મોંઘી હોય છે. આથી, શક્યતા એવી છે કે, ઈલેક્ટ્રિક કાર માર્કેટમાં મહત્તમ કાર સેડાન, એસયુવી કે પ્રીમિયમ કેટેગરીની હશે.
યુવા ગ્રાહકોની મહત્વાકાંક્ષા યુવા ગ્રાહકોમાં સ્મોલ કારનું આકર્ષણ ઘટવા પાછળ ઘણા કારણ જવાબદાર છે. યુવાપેઢીનાં ગ્રાહકો મહત્ત્વાકાંક્ષી બન્યાં છે. તેમને કારમાં બધું જ જોઈએ છે. તમામ ફીચર્સ જોઈએ છે. લક્ઝરી, સ્ટાઈલ, ડ્રાઈવિંગ એક્સપીરિયન્સ, કમ્ફર્ટ જોઈએ છે. ગ્રાહકોની પસંદગી બદલાઈ ગઈ છે. અત્યારના ગ્રાહકો માટે કાર માત્ર ચાર પૈડાવાળી ગાડી નથી. ભારતમાં હવે લીસા એક્સપ્રેસવે બની રહ્યાં છે. આ કારણસર સ્મોલ કારનું વેચાણ ઘટ્યું છે અને યુટિલિટી વ્હિકલ્સના માર્કેટમાં લાલચોળ તેજી આવી છે.
કારનું સ્વપ્ન પૂરું થશે? કંપનીઓ સામે ભલે અનેક પડકારો હોય અને સ્મોલ કારથી દૂર રહેવાની મજબૂરી હોય. પરંતુ ભારતનો એક મોટો વર્ગ છે, જે દરરોજ ટુ-વ્હીલરની સવારી કરતી વખતે પોતાની પાસે પણ એક કાર હોય તેવું સપનું જુએ છે. આ વર્ગના ખિસ્સાને મોંઘી કાર પરવડે એમ નથી, અને સસ્તી કાર ગણાતી સ્મોલ કાર મોંઘી થવા લાગી છે. જો આ વર્ગ તેનું સપનું પૂરું કરવા માટે ગાડીના શોરૂમમાં જશે તો શું તેને નાની એટલે કે સસ્તી કાર જોવા મળશે ખરી? કે પછી તેણે વીલા મોંઢે બહાર નીકળી જવું પડશે? આ સવાલનો જવાબ તો આવનારા સમયમાં જ છુપાયેલો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો