MONEY9: હજુ તો થોડાંક મહિના પહેલાં, સરકાર ડૉલર બચાવવા માટે જે સ્ટીલનો સહારો લેતી હતી, તે જ સ્ટીલને કારણે હવે, ડૉલર ખર્ચવાનો વારો આવ્યો છે. વૈશ્વિક સ્તરે મંદીની વાતો થઈ રહી છે અને સરકારે નિકાસના નિયમો કડક બનાવ્યા હોવાથી ભારતમાંથી સ્ટીલની નિકાસ ઘટી ગઈ છે. ઓછામાં પૂરું, સ્થાનિક માંગ વધવાથી ભારત હવે સ્ટીલ માટે નેટ ઈમ્પોર્ટર બની ગયો છે.
નિકાસના આંકડા તાજા આંકડા જોઈએ તો, ઓક્ટોબર 2022માં ભારતે જેટલા સ્ટીલની નિકાસ કરી, તેની તુલનાએ લગભગ 65 ટકા વધુ તો આયાત કરી છે. સ્ટીલ મંત્રાલયના આંકડા બતાવે છે કે, ઓક્ટોબરમાં ભારતે 5.93 લાખ ટન સ્ટીલની આયાત કરી, જે 2 વર્ષમાં થયેલી સૌથી વધુ માસિક આયાત છે. નિકાસની વાત કરીએ તો, આપણે ઓક્ટોબરમાં 3.6 લાખ ટન સ્ટીલની નિકાસ કરી હતી.
સરકારના પ્રયાસ દેશમાં સ્ટીલની મોંઘવારી અંકુશમાં રહે તે માટે સરકારે મે-2022માં સ્ટીલની નિકાસ પર કેટલાક પ્રતિબંધ લાદ્યા હતા. સરકારે આયર્ન અને અમુક સ્ટીલ પેદાશોની નિકાસ પર ટેક્સ નાખ્યો હતો. આ પ્રયાસને કારણે સ્થાનિક સ્તરે સ્ટીલની કિંમતમાં ઘટાડો તો થઈ ગયો, પરંતુ સ્ટીલની નિકાસના મોરચે આપણે પાછળ પડી ગયા. વળી, વૈશ્વિક સ્તરે આર્થિક નરમાઈ હોવાથી સ્ટીલની માંગ ઘટી ગઈ અને પરિણામે, ભારતમાંથી સ્ટીલની નિકાસમાં ઘટાડો થયો છે.
પરિસ્થિતિએ લીધો યુ-ટર્ન પરિસ્થિતિ ઝડપભેર બદલાઈ ગઈ છે અને ભારતનાં બજારોમાં સ્ટીલ મોંઘા ભાવે મળી રહ્યું છે જ્યારે વૈશ્વિક બજારોમાં ભાવ ઘટ્યા છે. આ કારણસર જ, ભારતમાં સ્ટીલની આયાત વધી રહી છે. કિંમત પર નજર નાખીએ. તો, ભારતનાં માર્કેટમાં બેન્ચમાર્ક હૉટ રોલ્ડ કોઈલ સ્ટીલનો ભાવ પ્રતિ ટન 55 હજારથી 57 હજાર રૂપિયા છે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત ઘટીને 50 હજાર રૂપિયા થઈ ગઈ છે. આમ, ગ્લોબલ માર્કેટ કરતાં લોકલ માર્કેટમાં કિંમત વધારે હોવાથી અને નિકાસમાં ઘટાડો થવાથી, ભારતમાં સ્ટીલનું ઉત્પાદન કરતી કંપનીઓના નફા પર ગંભીર અસર પડી છે. રિસર્ચ કંપનીઓનાં રિપોર્ટ્સમાં નોંધવામાં આવ્યું છે કે, દેશની સ્ટીલ કંપનીઓની કમાણીમાં 75થી 90 ટકાનું ગાબડું પડ્યું છે. કંપનીઓની કમાણી ઘટ્યા બાદ, હવે સ્ટીલની નિકાસ પર મૂકવામાં આવેલાં પ્રતિબંધો દૂર કરવાની માંગણી થઈ રહી છે. ધારો કે, સરકાર પ્રતિબંધ દૂર કરે, તોપણ નિકાસનો ફાયદો ત્યારે જ થશે, જ્યારે વિદેશનાં બજારોમાં ભારતના સ્ટીલની માંગ હશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો