MONEY9: આખી દુનિયા મોંઘવારીની આગમાં શેકાઈ રહી છે. દુનિયાભરમાં મંદીના વાદળો ઘેરાવા લાગ્યા છે. ઈતિહાસ તો દર્શાવે છે કે, આવા કપરા સંજોગો સોના માટે સોનેરી દિવસો લઈને આવે છે, પરંતુ વર્તમાન સમયમાં સોનાની માંગ વધવા છતાં ભાવ ઘટી રહ્યાં છે. અનેક દેશોની મધ્યસ્થ બેન્કોએ પોતપોતાના રિઝર્વમાં સોનાનો ખડકલો કરી દીધો છે, છતાં ગોલ્ડના ભાવ વધવાની જગ્યાએ ઘટ્યા છે. છેલ્લાં બે સપ્તાહમાં જ ગોલ્ડનો ભાવ 1,800 રૂપિયાથી પણ વધુ ઘટી ગયો છે.
ગોલ્ડ ETFs બન્યાં વેચવાલ એક તો ઓછો ભાવ અને રોકાણ માટે સાનુકૂળ સંજોગોનો સમન્વય, છતાં ગોલ્ડના એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ પણ પોતાના રિઝર્વમાંથી સોનું વેચી રહ્યાં છે. દુનિયાભરનાં ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સે જુલાઈમાં સતત ત્રીજા મહિને સોનું વેચ્યું છે. વિશ્વભરનાં ઈટીએફ્સ પાસે એપ્રિલ 2022ના અંતે 3,874 ટનથી પણ વધારે ગોલ્ડ રિઝર્વ હતું, પરંતુ જુલાઈના અંતે આ રિઝર્વ ઘટીને 3,708 ટન થઈ ગયું. એકલા જુલાઈ મહિનામાં જ ઈટીએફ્સે 81 ટન સોનું વેચી નાખ્યું.
RBIએ કરી મજબૂત ખરીદી ગોલ્ડના ઈટીએફ્સ વેચવાલી કરી રહ્યાં હોવા છતાં અનેક દેશોની મધ્યસ્થ બેન્કોએ સોનાની કિંમતમાં ઘટાડાનો લાભ લઈને ખરીદી વધારી દીધી છે. ભારતીય રિઝર્વ બેન્ક પણ સોનાની મજબૂત લેવાલ બની છે અને જુલાઈ મહિનામાં જબરજસ્ત ખરીદી કરી છે. રિઝર્વ બેન્કે જુલાઈમાં 13.4 ટન સોનું ખરીદ્યું છે અને ભારતનું કુલ ગોલ્ડ રિઝર્વ 783.1 ટનની વિક્રમ ટોચે પહોંચાડી દીધું છે. માત્ર રિઝર્વ બેન્ક નહીં, પરંતુ હાજર બજારમાં પણ ગોલ્ડની માંગ વધી છે.
ચીને કરી જબરજસ્ત આયાત વૈશ્વિક સ્તરે ગોલ્ડના સૌથી મોટા નિકાસકાર સ્વિત્ઝરલેન્ડે જુલાઈ મહિનામાં ગોલ્ડના સૌથી મોટા કન્ઝ્યુમર ચીનને 80 ટનથી પણ વધુ ગોલ્ડની નિકાસ કરી છે. સ્વિત્ઝરલેન્ડે ચીનમાં કરેલી આ માસિક નિકાસ છેલ્લાં 67 મહિનાનું સૌથી ઊંચું સ્તર દર્શાવે છે. પરંતુ ચીન અને દુનિયાભરની મધ્યસ્થ બેન્કો દ્વારા થઈ રહેલી તગડી ખરીદી છતાં ગોલ્ડના ભાવ વધવાની જગ્યાએ ઘટી રહ્યાં છે.
એક્સપર્ટનો મત નિષ્ણાતો ભાવમાં ઘટાડા માટે મજબૂત ડૉલરને જવાબદાર ગણાવે છે. ઑગમોન્ટ ગોલ્ડના રિસર્ચ હેડ રનીશા ચેનાની કહે છે કે, આ વર્ષે મંદી અને મોંઘવારીના મારની વચ્ચે સલામત રોકાણના મજબૂત વિકલ્પ તરીકે ડૉલરે આકર્ષણ વધાર્યું છે. આથી, ગોલ્ડ મજબૂત થવાની જગ્યાએ ડૉલર મજબૂત થઈ રહ્યો છે. આ કારણસર ગોલ્ડના ઈટીએફ્સ સોનું વેચીને ડૉલરમાં રોકાણ વધારી રહ્યાં છે. જોકે, રનીશાનું માનવું છે કે, લાંબા ગાળે ગોલ્ડમાં તેજી આવી શકે છે અને આ આશા સાથે જ દુનિયાભરની મધ્યસ્થ બેન્કો સોનાની ધૂમ ખરીદી કરી રહી છે.
શું ગોલ્ડના ભાવ વધશે? ગોલ્ડના ભાવનો અગાઉનો ટ્રેન્ડ જોઈએ તો, માલૂમ પડે છે કે, જ્યારે-જ્યારે દુનિયાભરમાં આર્થિક પડકારો વધ્યા છે ત્યારે સોનાનો ભાવ વધ્યો છે. આ વખતે પણ અપેક્ષા છે કે, મંદી અને મોંઘવારીના વર્તમાન સંજોગોમાં સોનાનો ભાવ લાંબા ગાળે ઉપર જશે અને સોનાના માર્કેટમાં સોનેરી દિવસો આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો