MONEY9: બેન્કોએ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા બીજા ક્વાર્ટર માટે સારા રિઝલ્ટની જાહેરાત કરી હોવાથી તેમના શેર્સમાં તેજી જોવા મળી છે. ખાનગી સેક્ટરની મોટા ભાગની બેન્કોએ તો પરિણામ જાહેર કરી દીધા છે જ્યારે સરકારી બેન્કોના પરિણામ ઓક્ટોબરના અંતથી જાહેર થવા લાગશે. જોકે, ખાનગી બેન્કોના રિઝલ્ટ સંકેત આપે છે કે, તેમના માટે સપ્ટેમ્બર ક્વાર્ટર ફાયદાકારક રહ્યું છે.
Q2 રિઝલ્ટ બેન્કોના મજબૂત પરિણામનું મુખ્ય કારણ છે, ડિપોઝિટના રેટની સરખામણીએ લોન આપવાના રેટમાં થયેલી તીવ્ર વૃદ્ધિ… લેન્ડિંગ રેટ તીવ્રપણે વધવાથી બેન્કોના નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં એટલે કે, વ્યાજથી થતી આવકમાં સુધારો થયો છે. મોટા ભાગની બેન્કોની લોનબુકનો મહત્તમ હિસ્સો ફ્લોટિંગ રેટ લોનનો છે, એટલે કે, રેપો રેટ વધતાં જશે, તેની સાથે સાથે લોનના રેટ પણ વધશે. રેટ વધવા છતાં લોનની માંગ વધુ હોવાથી અમુક બેન્કોને તો, વધારાની લિક્વિડિટીનો પણ ઉપયોગ કરવાનો વારો આવ્યો છે.
NIMમાં સુધારો ખાનગી બેન્કોમાં માત્ર યસ બેન્કને બાદ કરતાં તમામ બેન્કોના પરિણામ સારા છે. નેટ ઈન્ટરેસ્ટ માર્જિન એટલે કે, NIMના મોરચે કોટક બેન્કે સૌથી વધુ 0.72 ટકા સુધારો નોંધાવ્યો છે, જ્યારે ICICI બેન્કના માર્જિન 0.31 ટકા અને ઈન્ડસઈન્ડ બેન્કના માર્જિન 0.17 ટકા વધ્યા છે.
ચિંતાનું કારણ જોકે, એક ચિંતાની વાત એ છે કે, બેન્કો પાસેથી લોન લેવાની માંગ વધારે છે, અને તેની તુલનાએ બેન્કમાં ડિપોઝિટ મૂકવાની ગતિ ઘણી ઓછી છે. ખાનગી સેક્ટરની ચાર મુખ્ય બેન્કોમાંથી HDFC બેન્કને બાદ કરતાં અન્ય તમામ બેન્કોનો ડિપોઝિટ ગ્રોથ તેમના લોન ગ્રોથ કરતાં લગભગ અડધો છે. HDFC બેન્કના ડિપોઝિટ ગ્રોથ અને લોન ગ્રોથ વચ્ચેનો તફાવત ઘણો મામૂલી છે. કોટક બેન્કનો લોન ગ્રોથ 25 ટકા જ્યારે ડિપોઝિટ ગ્રોથ 12 ટકા છે. ICICI બેન્કની હાલત પણ આવી છે. તેનો લોન ગ્રોથ 23 ટકા છે જ્યારે ડિપોઝિટ ગ્રોથ 12 ટકા છે.
નાની બેન્કોની સ્થિતિ પરંતુ, ખાનગી સેક્ટરની નાની બેન્કોમાં ઊંધો ટ્રેન્ડ જોવા મળે છે. જેમકે, યેસ બેન્ક અને IDFC ફર્સ્ટ બેન્કનો ડિપોઝિટ ગ્રોથ તેમના લોન ગ્રોથ કરતાં વધારે છે. IDFC ફર્સ્ટ બેન્કનો ડિપોઝિટ ગ્રોથ રેટ 36 ટકા છે જ્યારે લોન ગ્રોથ રેટ 25 ટકા જ છે.
રેટ વધારવા પડશે ખાનગી સેક્ટરની ટોપ લેવલની બેન્કોએ ડિપોઝિટ ગ્રોથ વધારવો હોય તો તેમણે વ્યાજના દરમાં વધારો કરવો પડશે, જેના કારણે, આગામી ત્રિમાસિક ગાળામાં તેમના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન પર અસર પડી શકે છે.
PSU બેન્કના શેરમાં કમાણી ખાનગી કરતાં સરકારી બેન્કોએ રોકાણકારોને સારું વળતર આપ્યું છે. PSU બેન્ક ઈન્ડેક્સ સાડા ત્રણ વર્ષની ઊંચાઈએ ટ્રેડ થઈ રહ્યો છે. મે-2020માં આ ઈન્ડેક્સે જે તળિયું બનાવ્યું હતું, ત્યાંથી અત્યાર સુધીમાં તે 3 ગણો વધ્યો છે. PSU ઈન્ડેક્સમાં 2022ના પ્રથમ 10 મહિનામાં જ 32 ટકા રિટર્ન મળ્યું છે. સૌથી વધુ રિટર્ન આપનારી PSU બેન્કોમાં યુનિયન બેન્ક, પંજાબ નેશનલ બેન્ક, કેનેરા બેન્ક અને જમ્મુ-કાશ્મીર બેન્કનો સમાવેશ થાય છે. SBIનો શેર પણ 586 રૂપિયાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે.
સસ્તાં વેલ્યુએશન સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સરકારી બેન્કોના સારા પ્રદર્શનથી તેમના શેરને મજબૂત ટેકો મળ્યો છે… જોકે, અન્ય એક પરિબળે પણ PSU બેન્કિંગ સ્ટૉક્સમાં તેજીતરફી માહોલ બનાવ્યો છે અને આ પરિબળ છે, સસ્તું વેલ્યુએશન. ICICI સિક્યૉરિટીઝના તાજા રિપોર્ટમાં નોંધ્યા અનુસાર, PSU બેન્ક ઈન્ડેક્સ તેના 5 વર્ષના કરેક્ટિવ ફેઝમાંથી બ્રેકઆઉટ થઈ ચૂક્યો છે. એટલે, સરળ ભાષામાં કહીએ તો, PSU બેન્ક ઈન્ડેક્સ ઘણા લાંબા સમયથી એક રેન્જની બહાર નીકળ્યો નહોતો, પરંતુ હવે તે આ રેન્જને તોડીને બહાર આવી ગયો છે, એટલે હવે તે ઉપર જવા માટે થનગની રહ્યો છે. એટલું જ નહીં, નોન-પર્ફોર્મિંગ એસેટ્સના મોરચે પણ સરકારી બેન્કોની સ્થિતિ સુધરી હોવાથી તેમના શેર્સ મજબૂતી દર્શાવી રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો