Money9 Gujarati:
વિવાદોમાં ફસાયેલા અદાણી ગ્રૂપના શેર પર લાગેલું મંદીનું ગ્રહણ હટી ગયું છે. 24 જાન્યુઆરીએ હિન્ડનબર્ગના રિપોર્ટ બાદ શરૂ થયેલું આ ગ્રહણ 22 મેના રોજ અચાનક ગાયબ થઈ ગયું હતું. જોકે, તેના સંકેત 19 મે, શુક્રવારના રોજ સુપ્રીમ કોર્ટની કમિટીના રિપોર્ટ બાદ મળી ગયા હતા. તો શું અદાણી ગ્રૂપના માથે જે સંકટના વાદળો ઘેરાયા હતા, તે હટી ગયા છે? શેરબજારમાં જે માહોલ છે, તેને જોતાં તો આવું જ લાગે છે. સોમવારે અદાણી ગ્રૂપના શેરમાં આવેલી તેજીને પગલે ગ્રૂપનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.10 લાખ કરોડને પાર થઈ ગયું છે. તેના માર્કેટ કેપમાં રૂ.84,000 કરોડનો ઉમેરો થયો છે.
રિયલ એસ્ટેટ વેચવાની યોજનાઃ
અદાણી ગ્રૂપની કંપનીઓના શેર્સે તેજીનું મોમેન્ટમ પકડ્યું છે. પોઝિટિવ પરિબળોને કારણે અદાણી ગ્રૂપના કાઉન્ટર્સમાં રોકાણકારોનો રસ વધ્યો છે. અદાણી ગ્રૂપ રિયલ એસ્ટેટ વેચીને પૈસા ભેગા કરવા માંગતું હોવાની ખબરને કારણે, સોમવારે ખુલતા સપ્તાહે તેના શેરમાં તેજીવાળા સક્રિય થયા હતા. ગયા સપ્તાહે, સુપ્રીમ કોર્ટની પેનલે કરેલી ટિપ્પણીએ પણ ઈન્વેસ્ટર્સનું સેન્ટિમેન્ટ સુધારવામાં મદદ કરી છે. આમ, પોઝિટિવ ફેક્ટર્સના જોરે, ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર સોમવારે 19 ટકા વધીને રૂ.2,340એ બંધ રહ્યો હતો જ્યારે અદાણી વિલમરમાં 10 ટકા ઉછાળો નોંધાયો હતો. અદાણી પોર્ટ્સ 6 ટકા વધ્યો હતો જ્યારે અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, NDTV અને અદાણી ગ્રીનમાં 5 ટકા અપર સર્કિટ વાગી હતી. અદાણી ટોટલ ગેસનો શેર 5 ટકા વધીને રૂ.722એ બંધ રહ્યો. ACCનો શેર 5 ટકા જ્યારે અંબુજા સિમેન્ટનો શેર પોણા છ ટકા વધ્યો હતો. સુપ્રીમ કોર્ટે સેબીને 14 ઓગસ્ટ સુધીમાં ફાઈનલ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
LICને થયો રૂ.3,500 કરોડનો ફાયદોઃ
LICનો શેર સોમવારે 2.48 ટકા વધીને રૂ.579એ બંધ રહ્યો હતો. ડેટા દર્શાવે છે કે, LIC પાસે અદાણી એન્ટરપ્રાઈઝિસનો 4.26 ટકા જ્યારે અદાણી પોર્ટ્સનો 9.12 ટકા હિસ્સો છે. અદાણી ગ્રૂપની કંપનીઓના શેર વધવાથી 22 મે-2023ના રોજ LICના હોલ્ડિંગની માર્કેટ વેલ્યુ વધીને રૂ.43,325.39 કરોડે પહોંચી ગઈ હતી. 19 મે-2023ના રોજ LICના અદાણી ગ્રૂપના હોલ્ડિંગનું મૂલ્ય રૂ.39,878.68 કરોડ હતું, એટલે કે, LICના અદાણી હોલ્ડિંગમાં રૂ.3,447 કરોડનો વધારો થયો છે. LIC પાસે અદાણી ગ્રૂપની કેટલીક કંપનીઓનો 1 ટકાથી વધારે હિસ્સો છે. 31 માર્ચ, 2023 સુધીના ડેટા અનુસાર, LIC પાસે અદાણી ટ્રાન્સમિશન, અદાણી ટોટલ ગેસ, અદાણી ગ્રીન એનર્જી, અંબુજા સિમેન્ટ અને ACCનો 1 ટકાથી વધારે હિસ્સો છે. આ શેર્સમાં સોમવારે થયેલા વધારાને પગલે, LICના પોર્ટફોલિયોમાં રૂ.3,447 કરોડનો ઉમેરો થયો છે.
10 શેરમાંથી 6 શેરમાં અપર સર્કિટઃ
સોમવારે અદાણી ગ્રૂપની 10 લિસ્ટેડ કંપનીમાંથી 6 કંપનીના શેરમાં અપર સર્કિટ વાગી હતી. આ કંપનીઓમાં અદાણી ગ્રીન એનર્જી, અદાણી ટ્રાન્સમિશન, અદાણી વિલમર, અદાણી પાવર, અદાણી ટોટલ ગેસ અને NDTVનો સમાવેશ થાય છે. સોમવારના સવારના કામકાજમાં અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર રૂ.2,017એ ખુલ્યો અને રૂ.1,985ના નીચલા સ્તરે ગયો હતો. દિવસ દરમિયાન, તેણે રૂ.2,344ની સર્વોચ્ચ સપાટી બનાવી હતી. અદાણી એન્ટરપ્રાઈઝિસનું માર્કેટ કેપ પણ રૂ.2.65 લાખ કરોડને પાર થઈ ગયું હતું.
જેફરિઝ તરફથી મળ્યું Buy રેટિંગઃ
અમેરિકન શોર્ટ-સેલર હિન્ડનબર્ગના આરોપો બાદ શરૂ થયેલા વિવાદમાં અને સુપ્રીમ કોર્ટ દ્વારા નીમવામાં આવેલી કમિટીના રિપોર્ટ બાદ અદાણી ગ્રૂપના શેરમાં શાનદાર તેજી જોવા મળી છે. ગ્લોબલ બ્રોકરેજ હાઉસ જેફરિઝે અદાણી ગ્રૂપના શેર્સ માટે BUY રેટિંગ આપ્યું છે. ગ્લોબલ બ્રોકરેજ હાઉસ જેફરિઝે અદાણી ગ્રૂપના બે શેર્સ ખરીદવાની ભલામણ કરી છે. તેણે અદાણી પોર્ટ્સ અને અદાણી ટ્રાન્સમિશન માટે બાય રેટિંગ આપ્યું છે. જેફરિઝના ઈક્વિટી રિસર્ચ રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, ગ્રીન હાઈડ્રોજન, ડેટા સેન્ટર અને ડિજિટલ પ્લે, એરોસ્પેસ, ડિફેન્સ અને વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા નવા ક્ષેત્રોમાં વિસ્તરણની યોજનાથી અદાણી પોર્ટ્સ અને અદાણી ટ્રાન્સમિશનને ફાયદો થઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો