MONEY9 GUJARATI: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
અદાણી એન્ટરપ્રાઈઝિસના શેર 19% વધ્યા અદાણી ગ્રૂપની કંપનીઓના શેર્સે તેજીનું મોમેન્ટમ પકડ્યું છે. પોઝિટિવ પરિબળોને કારણે અદાણી ગ્રૂપના કાઉન્ટર્સમાં રોકાણકારોનો રસ વધ્યો છે. અદાણી ગ્રૂપ રિયલ એસ્ટેટ વેચીને પૈસા ભેગા કરવા માંગતું હોવાની ખબરને કારણે, સોમવારે ખુલતા સપ્તાહે તેના શેરમાં તેજીવાળા સક્રિય થયા હતા. ગયા સપ્તાહે, સુપ્રીમ કોર્ટની પેનલે કરેલી ટિપ્પણીએ પણ ઈન્વેસ્ટર્સનું સેન્ટિમેન્ટ સુધારવામાં મદદ કરી છે. આમ, પોઝિટિવ ફેક્ટર્સના જોરે, ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર સોમવારે 19 ટકા વધી ગયો હતો જ્યારે અદાણી વિલમરમાં 10 ટકા ઉછાળો નોંધાયો હતો. અદાણી પોર્ટ્સ 6 ટકા વધ્યો હતો જ્યારે અદાણી પાવર, અદાણી ટ્રાન્સમિશન, NDTV અને અદાણી ગ્રીનમાં 5 ટકા અપર સર્કિટ વાગી હતી. ACCનો શેર 5 ટકા જ્યારે અંબુજા સિમેન્ટનો શેર પોણા છ ટકા વધ્યો હતો. સુપ્રીમ કોર્ટે સેબીને 14 ઓગસ્ટ સુધીમાં ફાઈનલ ઈન્વેસ્ટિગેશન રિપોર્ટ જમા કરાવવાનો આદેશ આપ્યો છે.
ઉનાળુ વાવેતરમાં 2.71 ટકાનો ઘટાડો થયો ગયા વર્ષે 71.92 લાખ હેક્ટર વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર થયું હતું, જેની સામે ચાલુ વર્ષે ઉનાળુ પાકનું વાવેતર 3 ટકા જેટલું ઘટ્યું છે. 2023માં ઉનાળુ પાકનો વાવેતર વિસ્તાર 69.67 લાખ હેક્ટર થયો છે. દેશમાં માર્ચ મહિનાથી જૂન મહિનાની વચ્ચે ઉનાળુ પાકનું વાવેતર થાય છે. જ્યાં સિંચાઈની સુવિધા હોય, ત્યાંનાં ખેડૂતો ઉનાળુ પાકનું વાવેતર કરે છે અને જૂનમાં લણણી કરીને ત્યારબાદ ખરીફ પાકનું વાવેતર શરૂ કરે છે. કૃષિ મંત્રાલયે જાહેર કરેલા 19 મે સુધીના આંકડા અનુસાર ચોખા, મગફળી અને તેલીબિયાંનું ઉનાળુ વાવેતર વાર્ષિક ધોરણે 7 ટકા ઘટ્યું છે. ડાંગરનાં વાવેતરમાં 7.3 ટકાનો ઘટાડો થયો છે. મગફળીનું વાવેતર 10 ટકા ઘટ્યું છે, જ્યારે તલનાં વાવેતરમાં 2.22 ટકાનો વધારો થયો છે. કઠોળ પાકોનું વાવેતર 3.77 ટકા વધ્યું છે. મગનું વાવેતર 4.95 ટકા વધીને 16.33 લાખ હેક્ટરમાં થયું છે, જ્યારે અડદનું વાવેતર 0.31 ટકા વધીને 3.25 લાખ હેકટરમાં થયું છે. ધાન્ય પાકોમાં બાજરીનું વાવેતર 19 ટકા વધીને 4.74 લાખ હેકટર અને જુવારનું વાવેતર 24 ટકા વધીને 26,000 હેકટરમાં થયું છે. રાગીનું વાવેતર 30 ટકા ઘટ્યું છે.
ભારતમાં મસાલાની ઊંચી કિંમત પાછળ ચીનનો હાથ મસાલાની મોંઘવારીએ બરાબરની તીખાશ પકડી છે. મોંઘવારીનો દર ઘટીને 5 ટકાની નીચે પહોંચી ગયો, પણ મસાલાની મોંઘવારીનો દર હજુ પણ 15 ટકાની ઉપર જળવાઈ રહ્યો છે. ચીનમાં ભારતનાં મસાલાની માંગ વધવાથી ભારતમાં કિંમત વધી ગઈ છે. છેલ્લાં ચારેક વર્ષથી ચીનમાં લાલ મરચું, હળદર, જીરું અને વરિયાળીની જબરજસ્ત ડિમાન્ડ છે. કોરોના પછી, ચીન આપણા મસાલાનો મોટો ખરીદદાર બની ગયો છે. ભારતના તેની માંગ પણ ચીનમાં વધી છે અને અમેરિકા બાદ ચીન બીજા ક્રમનો ખરીદદાર બની ગયો છે. એપ્રિલમાં ભારતમાંથી કન્ટેનર ભરી-ભરીને જીરું અને હળદરનો માલ ચીનમાં ગયો છે. પરિણામે, ભારતના વાયદા બજારમાં જીરું ભાવ પ્રતિ ક્વિન્ટલે 50 હજારની નજીક પહોંચી ગયો છે.
સેબીએ IPOનું લિસ્ટિંગ માત્ર 3 દિવસમાં કરવાની ભલામણ કરી સેબીએ IPOના લિસ્ટંગના નિયમોમાં ફેરફાર કરવાની ભલામણ કરી છે. અત્યારના નિયમ પ્રમાણે, કંપનીઓને શેરના લિસ્ટિંગ માટે છ દિવસનો સમય આપવામાં આવે છે. પરંતુ, સેબીએ સૂચવેલો નિયમ લાગુ થશે તો, માત્ર 3 દિવસમાં લિસ્ટિંગ થઈ જશે. એટલે, કંપનીના હાથમાં બહુ ઝડપથી પૈસા આવી જશે. ધારો કે, તમે IPO ભર્યો હોય અને તમને શેર ના લાગ્યા હોય તો, હવે તમારે છ દિવસ સુધી રાહ નહીં જોવી પડે અને માત્ર 3 દિવસમાં તમારા પૈસા પાછા મળી જશે, એટલે રોકાણકારો આ પૈસા અન્ય કોઈ જગ્યાએ ઉપયોગમાં લઈ શકશે.
F&O સેગમેન્ટમાં મોટા સુધારા કરવાની સેબીની વિચારણા શેરમાર્કેટમાં ફ્યુચર્સ અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ્સમાં રોકાણ કરો છો..?, તો આ ખબર તમારા કામની છે. સેબીએ શેર્સનો લોક-ઈન પીરિયડ અથવા તો કૂલિંગ-ઑફ પીરિયડ 15 મિનિટથી વધારીને 1 કલાક સુધી કરવાની ભલામણ કરી છે. એટલે કે, જો કોઈ શેરમાં 20 ટકા લોઅર કે અપર સર્કિટ વાગે અને શેર લોક-ઈન થઈ જાય તો ત્યારપછી જે પીરિયડ આપવામાં આવે છે તે વધી જશે. સેબી આ સમય વધારીને માર્કેટની તીવ્ર વોલેટાલિટીને અંકુશમાં રાખવા માંગે છે અને શેરમાં એક જ દિવસમાં થતા ભારે ઊતારચઢાવની અસરને ઓછી કરવા માંગે છે.
ટાટા મોટર્સે Altroz iCNG વર્ઝન લૉન્ચ કર્યું ટાટા મોટર્સે તેની પ્રીમિયમ હેચબેક અલ્ટ્રોઝનું CNG વર્ઝન લૉન્ચ કર્યું છે. તેની એક્સ-શોરૂમ કિંમત 7.55 લાખ રૂપિયા છે. અલ્ટ્રોઝ CNG છ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ થશે. તેમાં વોઈસ-કમાન્ડથી કામ કરતી ઈલેક્ટ્રિક સનરૂફ, વાયરલેસ ચાર્જર અને એર પ્યોરિફાયર જેવા આધુનિક ફીચર્સ સમાવવામાં આવ્યા છે. પેસેન્જરને CNG અલ્ટ્રોઝમાં વધારે બૂટ સ્પેસ પણ મળશે. ટાટાની ટિયાગો અને ટિગોરના પણ CNG વર્ઝન મળે છે અને હવે અલ્ટ્રોઝનું પણ CNG વર્ઝન મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો