MONEY9: અહીં રજૂ કરેલાં કમાણી, બચત અને ખર્ચ અંગેના સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે.
ઘઉંના ભાવ છેક એપ્રિલ સુધી ઉંચા જ રહેશેઃ વેપારીઓ મોંઘવારીનો સતત વધતો બોજ મધ્યમવર્ગની કેડ ભાંગી રહ્યો છે. સૌથી વધુ ટેન્શન વધારી રહ્યાં છે ઘઉંના ભાવ. જુઓ ને, છેલ્લાં ચાર મહિનામાં ઘઉં 18 ટકા મોંઘા થઇ ગયા. એપ્રિલ મહિનામાં એક કિલો ઘઉં સરેરાશ 22 રૂપિયે કિલો મળતા હતા, જેના માટે ઓગસ્ટમાં 26 રૂપિયા ચૂકવવા પડે છે. લોકો રાહ જોઈ રહ્યાં છે કે, ઘઉંના ભાવમાં થઈ રહેલો આ વધારો ક્યારે અટકશે..? ત્યાં વળી વેપારીઓએ ધારણા વ્યક્ત કરી છે કે, આવતા એપ્રિલ સુધી ઘઉંની કિંમત ઉંચી રહેશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સરકાર પાસે ઘઉંનો જથ્થો સામાન્ય કરતાં ઓછો છે. ઓછામાં પૂરું વિવિધ કારણોસર ઘઉંના સપ્લાય પર અસર પડી છે. સરકારે તાજેતરમાં જે પગલાં ભર્યાં તે પણ વામણાં પુરવાર થઇ રહ્યા છે. આ તમામ પરિબળોને ધ્યાનમાં લઈને વેપારીઓએ જણાવ્યું છે કે, એપ્રિલ મહિના સુધી તો તમારે મોંઘા ભાવના ઘઉં ખાધે જ છૂટકો છે.
સેન્સેક્સ 60,000ને પારઃ નિફ્ટી 18,000ની નજીક શેરબજાર તેજીમાં તરબોળ છે. સતત સાતમા ટ્રેડિંગ સેશનમાં બજાર ગ્રીન સિગ્નલ સાથે બંધ રહ્યું છે. છેલ્લાં 22 ટ્રેડિંગ સેશનમાંથી 18 સેશનમાં તેજી જોવા મળી. એક મહિનામાં સેન્સેક્સ 5 હજાર 500 પોઈન્ટ વધ્યો છે, એટલે કે રોકાણકારોને 12 ટકા વળતર મળ્યું છે. સેન્સેક્સે બુધવારે પાંચમી એપ્રિલ પછી પહેલીવાર 60 હજારનું લેવલ પાર કર્યું છે. જ્યારે નિફ્ટી 18 હજારના લેવલે પહોંચવાની તૈયારીમાં છે. બુધવારે સરકારી બેન્કોના શેરોમાં જબરજસ્ત ખરીદી નીકળી અને પીએસયુ બેન્ક ઈન્ડેક્સ 2 ટકા વધ્યો. આ સિવાય બેન્ક નિફ્ટી અને મિડકેપ ઈન્ડેક્સ પણ અડધો ટકો વધ્યા. એડવાન્સ-ડિક્લાઈન રેશિયો 2:1 રહ્યો, એટલે કે બે શેર વધ્યા જ્યારે 1 શેર ઘટ્યો. આજે માત્ર ઓટો ઈન્ડેક્સને બાદ કરતાં અન્ય તમામ ઈન્ડેક્સ વધ્યા. બજારની તેજી માટે FIIનો આભાર માનવો રહ્યો, કારણ કે, તેમણે 1,400 કરોડ રૂપિયાનો માલ ખરીદ્યો છે. માત્ર ઓગસ્ટમાં જ FIIએ 16 હજાર કરોડ રૂપિયાની ખરીદી કરીને બજારને મજબૂત સપોર્ટ આપ્યો છે.
બુધવારે બજારમાં શું થયું? સ્ટોક્સની વાત કરીએ તો, બોનસ ઈશ્યૂ પહેલાં બજાજ ફિનસર્વમાં 6 ટકા રેલી નીકળી અને બજાજ ફાયનાન્સ પણ ઊછળ્યો. આ સિવાય, હીરો મોટોકોર્પ, એચડીએફસી લાઈફમાં તેજી નોંધાઈ. ઘણા સમય બાદ એરટેલ 3 ટકા વધ્યો. જોકે, મારુતિ, ટાટા મોટર્સ અને મહિન્દ્રામાં પ્રોફિટ બૂકિંગ જોવા મળ્યું. ફિફ્ટી-ટુ હાઈની વાત કરીએ તો, ટાટા ગ્રૂપની ટ્રેન્ટ અને ટાટા એલેક્સીએ આજે પણ નવી હાઈ બનાવી. આ સિવાય આઈશર મોટર્સ, દેવયાની, અપોલો ટાયર્સ, સીજી પાવર અને બેન્ક ઓફ બરોડા જેવા શેર 52-સપ્તાહની હાઈ પર પહોંચ્યા. અદાણી ટ્રાન્સમિશન અને અદાણી એન્ટરપ્રાઈઝના શેરમાં જોરદાર તેજી જોવા મળી.
ફેસ્ટિવ સીઝન અગાઉ બેન્કોએ વધાર્યાં FDના વ્યાજ દર તહેવારોની સીઝન પહેલાં બેન્કોએ ડિપોઝિટ વધારવા માટે ફિક્સ્ડ ડિપોઝિટના ઈન્ટરેસ્ટ રેટ વધારવાનું શરૂ કરી દીધું છે. તહેવારોમાં લોનની માંગને પહોંચી વળવા તેમજ રિઝર્વ બેન્કની ચાલ સાથે તાલ મિલાવવા બેન્કો એફડીના રેટ વધારી રહી છે. કારણ ગમે તે હોય, એફડી કરાવનારને તો ફાયદો જ થવાનો છે. તો ચાલો જાણીએ કે, કઈ બેન્ક કેટલા વ્યાજ દર ઑફર કરી રહી છે. કેનરા બેન્કમાં 666 દિવસની એફડી પર 6 ટકા જ્યારે PNBમાં 1,111 દિવસની એફડી પર 5.75 ટકા વ્યાજ મળી રહ્યું છે. કોટક મહિન્દ્રા બેન્કે 390 દિવસથી 10 વર્ષ માટે એફડી પર 5.90 ટકા ઈન્ટરેસ્ટ રેટ જાહેર કર્યો છે. ICICI બેન્ક પાંચ વર્ષથી 10 વર્ષની એફડી પર 5.75 ટકા જ્યારે એક્સિસ બેન્ક 17 મહિનાથી 18 મહિનાની એફડી પર 6.05 ટકા વ્યાજ દર આપી રહી છે. પંજાબ નેશનલ બેન્કે પણ તેની ડિપોઝિટના રેટ 0.20 ટકા વધાર્યા છે. PNBમાં 1,111 દિવસ સુધીની એફડી કરાવો તો હવેથી બેન્ક તમને 5.75 ટકા ઈન્ટરેસ્ટ રેટ આપશે.
જૂન ક્વાર્ટરમાં અમદાવાદમાં મકાનો થયા 9% મોંઘા મોંઘવારીનો બોજ સતત વધી રહ્યો છે ત્યાં હવે પ્રોપર્ટીની મોંઘવારીના સમાચાર આવ્યા છે. છેલ્લાં એક વર્ષમાં પ્રોપર્ટીના ભાવમાં જબરજસ્ત વધારો થયો છે. ખાસ તો, રો-મટીરિયલના ભાવ વધવાને કારણે બિલ્ડર્સનો પ્રોપર્ટી કન્સ્ટ્રક્શન ખર્ચ વધ્યો છે, એટલે તેમણે ભાવ વધાર્યા છે. પ્રોપર્ટી માર્કેટના વિવિધ કન્સલ્ટન્ટ્સના તાજા રિપોર્ટ અનુસાર, એપ્રિલથી જૂનમાં સમગ્ર દેશમાં મકાનોના ભાવમાં સરેરાશ પાંચ ટકા વૃદ્ધિ થઈ છે. જો અમદાવાદના માર્કેટની વાત કરીએ તો, મકાનોના ભાવ 9 ટકાના દરે વધ્યા છે, જે નેશનલ એવરેજની તુલનાએ ઘણા વધારે છે. સૌથી વધુ ભાવવધારો દિલ્હી-એનસીઆરમાં થયો છે અને ત્યાં મકાનોના ભાવ 10 ટકાના દરે વધ્યા છે. જ્યારે અમદાવાદમાં એક સ્ક્વેર ફીટનો ભાવ 5 હજાર 927 રૂપિયા થયો છે. એક ચોરસ ફૂટ જગ્યાનો સૌથી વધુ ભાવ બેંગાલુરુમાં છે. ભારતનાં સિલિકોન વેલી ગણાતા આ શહેરમાં એક સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયાનો સરેરાશ ભાવ 7 હજાર 848 રૂપિયા બોલાઇ રહ્યો છે.
વીમા કંપની Go Digit લાવશે IPO નોન-લાઈફ ઈન્સ્યૉરન્સ કંપની ગો ડિજિટ ઇન્સ્યોરન્સે IPO લાવવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબીમાં દસ્તાવેજ જમા કરાવી દીધા છે. તેના IPOમાં 1 હજાર 250 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર ઈશ્યૂ કરવામાં આવશે જ્યારે બાકીનો હિસ્સો ઓફર ફોર સેલ એટલે કે OFSનો હશે. ગો ડિજિટ ઈન્સ્યૉરન્સ વિવિધ પ્રકારના વીમાનું વેચાણ કરે છે, જેમાં મોટર ઈન્સ્યૉરન્સ, હેલ્થ ઈન્સ્યૉરન્સ, ટ્રાવેલ ઈન્સ્યૉરન્સ, પ્રોપર્ટી ઈન્સ્યૉરન્સ, મરીન ઈન્સ્યૉરન્સ, લાયેબિલિટી ઈન્સ્યૉરન્સ વગેરેનો સમાવેશ થાય છે. ક્રિકેટર વિરાટ કોહલી અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ આ કંપનીમાં રોકાણ કરેલું છે.
બાલાજી સોલ્યુશન્સ અને બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સ IPO લાવશે આઈટી હાર્ડવેર અને મોબાઈલ એક્સેસરીઝ બનાવતી કંપની બાલાજી સોલ્યુશન્સે IPO લાવવા માટે સેબીમાં ડૉક્યુમેન્ટ્સ જમા કરાવ્યા છે. કંપની આ ભરણામાં 120 કરોડ રૂપિયાના ફ્રેશ ઈક્વિટી શેર્સ ઈશ્યૂ કરશે. આ કંપની ફોક્સિન બ્રાન્ડ હેઠળ આઈટી હાર્ડવેર પ્રોડક્ટ્સ અને મોબાઈલ એક્સેસરીઝનું ઉત્પાદન અને વેચાણ કરે છે. છેલ્લાં નાણાકીય વર્ષમાં બાલાજી સોલ્યુશન્સની આવક અને નફો બંને વાર્ષિક ધોરણે ઘટ્યા હતા. જો આ કંપનીના IPOમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો, એક્સપર્ટ પાસેથી એડવાઈઝ લેવી હિતાવહ છે. અન્ય એક કંપની બાલાજી સ્પેશિયાલિટી કેમિકલ્સ પણ IPO લાવવાની તૈયારી કરી રહી છે. કંપનીએ સેબીમાં ડ્રાફ્ટ પેપર્સ જમા કરાવી દીધા છે. કંપની IPOમાં ફ્રેશ ઈશ્યુ દ્વારા અઢીસો કરોડ રૂપિયા મેળવવા માંગે છે. IPOમાં કંપનીના વર્તમાન શેરધારકો પોતાના હિસ્સાના 2.6 કરોડ શેર પણ વેચશે.
WhiteOak Capital MFએ લૉન્ચ કર્યાં બે NFO વ્હાઈટઓક કેપિટલ મ્યુચ્યુઅલ ફંડે બે ન્યૂ ફંડ ઓફર્સ એટલે કે NFO લૉન્ચ કર્યાં છે. વ્હાઈટઓક કેપિટલ મિડકેપ ફંડનો NFO 30 ઓગસ્ટ સુધી ખુલ્લો છે જ્યારે વ્હાઈટઓક કેપિટલ ટેક્સ સેવર ફંડનો NFO 23મી સપ્ટેમ્બર સુધી ઓપન છે. બંને ઓપન-એન્ડેડ ઈક્વિટી સ્કીમ્સ છે. ઈન્વેસ્ટર્સને રેગ્યુલર અને ડાયરેક્ટ પ્લાન બંને ઓપ્શન આપવામાં આવ્યા છે. જો મિડકેપ સ્ટોક્સમાં રોકાણ કરવાની ઈચ્છા હોય તો, મિડકેપ ફંડ પસંદ કરી શકો છો અને સમગ્ર માર્કેટનો લાભ લેવાની સાથે સાથે ટેક્સ બચાવવાની પણ યોજના હોય તો, ટેક્સ-સેવર સ્કીમ પસંદ કરી શકો છો. બંને સ્કીમ્સના રિસ્કોમીટર વેરી હાઈ છે. બંને સ્કીમમાં મહિને મિનિમમ 500 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. મિડકેપ ફંડમાં કોઈ એક્ઝિટ લોડ નથી જ્યારે ટેક્સ-સેવર સ્કીમમાં 3 વર્ષનો લોક-ઈન છે, કારણ કે તે ELSS છે અને સેક્શન-80સી હેઠળ કરલાભ આપે છે.
મારુતિ લૉન્ચ કરશે નવી Alto K10 મારુતિ સુઝુકી 18 ઓગસ્ટે નવી અલ્ટો કે-ટેન લૉન્ચ કરવાની છે. કંપનીએ ઓગસ્ટ મહિનાથી આ કારનું બૂકિંગ પણ શરૂ કરી દીધું છે. તમે માત્ર 11 હજાર રૂપિયા ભરીને નવી અલ્ટો બૂક કરાવી શકો છો. એન્ટ્રી-લેવલની આ કારની કિંમત અંદાજે સાડા ત્રણ લાખથી સાડા પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. મારુતિએ નવી અલ્ટોના સાત વેરિયન્ટ બજારમાં મૂકવાની યોજના બનાવી છે.
મહાનગર ગેસે ઘટાડ્યા PNG અને CNGના ભાવ મુંબઈવાસીઓને આખરે સીએનજી અને પીએનજીના વધતા ભાવમાંથી રાહત મળી છે. મુંબઈવાસીએ હવે પીએનજીના પ્રત્યેક યુનિટે ચાર રૂપિયા ઓછા ચૂકવવા પડશે જ્યારે એક કિલો સીએનજી માટે છ રૂપિયા ઓછા ચૂકવવા પડશે. મુંબઈમાં ગેસનો સપ્લાય કરતી કંપની મહાનગર ગેસે પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર ગેસનો ભાવ ઘટાડીને 48.50 રૂપિયા કર્યો છે જ્યારે એક કિલો સીએનજીના ભાવમાં 80 રૂપિયાનો ઘટાડો કર્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો