Money9: દૂરસંચાર વિભાગ એટલે કે DoTએ અમુક નંબરો પરથી આવતા ફ્રોડ કોલ અંગે નાગરિકોને સાવધ રહેવાની એડવાઇઝરી જારી કરી છે. DoTએ વિદેશી મૂળના મોબાઈલ નંબરો પરથી આવતા વોટ્સએપ કોલ વિશે પણ સાવચેત રહેવાની લોકોને સલાહ આપી છે. આવા નંબર પરથી આવતા કોલમાં કોલર્સ DoTના નામે મોબાઈલ યુઝર્સને મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ કરવાની ધમકી આપે છે અને પછી છેતરપિંડી કરે છે. ડોટે જણાવ્યું કે વિદેશી મોબાઇલ નંબર પરથી આવતા વોટ્સએપ કોલમાં કોલર્સ પોતે સરકારી અધિકારી હોવાનો ઢોંગ કરે છે અને લોકોને છેતરે છે. આવા કોલ્સ દ્વારા સાયબર ગુનેગારો નાણાકીય છેતરપિંડી કરવા માટે વ્યક્તિગત માહિતીની હડપ કરવાનો પ્રયાસ કરે છે. DoT તેના વતી આવા કોલ્સ કરવા માટે કોઈને અધિકૃત કરતું નથી અને લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે અને આવા કોલ મળે ત્યારે મોબાઇલ યુઝર્સે કોલર્સને કોઇપણ પણ પ્રકારની માહિતી ન આપવી જોઇએ.
યુપી, રાજસ્થાન, દિલ્હી-એનસીઆર, ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે, રાજ્યોમાંથી કેદારનાથ, બદરીનાથ, ગંગોત્રી અને યમુનોત્રીની ચારધામ જાત્રા કરવા ઇચ્છુક શ્રદ્ધાળુઓ આઠમી એપ્રિલ એટલે કે આજથી ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. ઉત્તરાખંડ ચારધામ યાત્રાએ જનારા તીર્થયાત્રાળુઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ચારધામ યાત્રા માટે પર્યટન વિભાગ દ્વારા નોંધણી પ્રક્રિયા માટેની તૈયારીઓ પૂરી કરી દેવામાં આવી છે. આ વખતે નોંધણી કરાવનાર યાત્રાળુઓને નોંધણીની પહોંચ પર યાત્રામાં ઉપયોગી નીવડે તેવા મોબાઇલ નંબરો પણ મળશે. કેદારનાથ-બદરીનાથ સહિત ચારધામનાં કપાટ ખૂલવાની તારીખોની જાહેરાત થઈ ગઈ છે. કેદારનાથ ધામનાં કપાટ 10 મેએ સવારે સાત વાગ્યે શ્રદ્ધાળુઓ માટે ખોલી દેવાશે. જ્યારે બદ્રીનાથ ધામનાં કપાટ 12 મેએ બ્રાહ્મમુહૂર્તે તીર્થયાત્રાળુઓ માટે ખોલવામાં આવશે. જ્યારે ગંગોત્રી અને યમુનોત્રી ધામોનાં કપાટ અક્ષય તૃતીયાના દિવસે ખોલવામાં આવશે.
અમદાવાદના શહેરીજનો માટે ફાયદાની વાત છે. તમે પણ એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ ભરીને રૂપિયા બચાવી શકો છો. આવતીકાલથી એટલે કે 9 એપ્રિલથી એડવાન્સ પ્રોપર્ટી ટેક્સ રિબેટ યોજના શરૂ થશે. એડવાન્સ ટેક્સ ભરનારને 12થી 15 ટકાનો ફાયદો થશે. તો ઓનલાઈન પેમેન્ટ કરનારને વધુ 1 ટકાનો લાભ થશે. 31 મે સુધી જ એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાનો લાભ મળી શકશે. મહત્વપૂર્ણ છે કે મ્યુનિસિપાલિટી કે પાલિકામાં ટેક્સ ન ભરનારાઓને દંડ કરવામા આવે છે. તો કેટલાક કિસ્સાઓમાં વ્યાજ માફીની યોજના પણ સરકાર દ્વારા લાગુ કરાઈ છે. પરંતુ આ સાથે જ સરકારે એડવાન્સ ટેક્સ ભરવાની યોજના પણ અમલી બનાવી છે. જેમાં નાગરિકો નવા વર્ષનો પ્રોપર્ટી ટેક્સ એડવાન્સમાં ભરી શકે છે.
ગુજરાત સમગ્ર દેશમાં આઇસ્ક્રીમનું ઉત્પાદન અને વપરાશમાં ટોચ પર છે. એક અંદાજ મુજબ ભારતમાં એક વર્ષમાં માથાદીઠ 400 ગ્રામ જેટલો આઇસ્ક્રીમ ખવાય છે આની સામે ગુજરાતમાં જ માથાદીઠ વપરાશ 800 ગ્રામથી એક કિલો જેટલો છે. જો આપણે ગુજરાતની વસતીના આંકડાને ધ્યાનમાં લઇએ તો ગુજરાતીઓ એક વર્ષમાં 6 કરોડ કિલોથી વધુ આઇસ્ક્રીમ ઝાપટી જાય છે. એક અંદાજ મુજબ ભારતમાં આઈસક્રીમનું અંદાજે રૂ. ૨૦,૦૦૦ થી ૨૨,૦૦૦ કરોડનું માર્કેટ છે અને તેમાંથી ૩૦-૩૫% શેર એકલા ગુજરાતનો છે. હવે આઈસક્રીમને સીઝનલ પ્રોડક્ટ ગણવામાં આવતો નથી. આખું વર્ષ તેનો વપરાશ થાય છે અને તેથી પાર્લર સેગમેન્ટમાં વધારો થયો છે. રાજ્યમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં વીજળીની સતત ઉપલબ્ધતા અને ડબલ ડોર ફ્રિજના વેચાણમાં વધારો એ પણ ગુજરાતમાં આઇસક્રીમના વધુ વપરાશનું એક કારણ છે.
છેલ્લા ત્રણ મહિનામાં માત્ર ફેબ્રુઆરીમાં ગોલ્ડ અને સિલ્વરની આયાતમાં વધારો થયો છે. અમદાવાદના એરકાર્ગો કોમ્પલેક્ષ ખાતે ગોલ્ડ અને સિલ્વરની આયાતમાં વધારો થયો છે. જોકે, ગોલ્ડ અને સિલ્વરના ભાવ આસામાને પહોંચી જતાં માર્ચ મહિનામા આયાત એકાએક ઘટી છે. નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબુઆરી મહિનામાં લગ્નસરાની સિઝન હોવાથી ગોલ્ડના ભાવ કંટ્રોલમાં રહ્યા હતા અને ગોલ્ડ માર્કેટમાં ઘરાકી નીકળી હતી. ત્યાર પછી ગોલ્ડના ભાવ ૭૦ હજાર પાર કરી જતાં આયાત ઘટી હતી. જો કે, સામે ડિમાન્ડ પણ ઘટી ગઈ હતી જેની અસર ગોલ્ડ માર્કેટ પર પડી છે.
ગુજરાતમાં ઉનાળુ સિઝનના પાકનું વાવેતર અંતિમ તબક્કામાં છે ત્યારે રાજ્ય સરકારના કૃષિ વિભાગે આ વર્ષે ઉનાળુ પાકના ઉત્પાદનનો અંદાજ જાહેર કર્યો છે. ત્રીજા એડવાન્સ એસ્ટિમેટ પ્રમાણે ૨૦૨૪માં ગુજરાતમાં ૧૮.૪૨ લાખ ટન ઉનાળુ પાકનું ઉત્પાદન થવાનો અંદાજ છે જે ગત વર્ષે ૧૮.૪૧ લાખ ટન હતું. રાજ્યમાં ૧ એપ્રિલ સુધીમાં ૯.૯૮ લાખ હેક્ટરમાં સમર ક્રોપનું વાવેતર થયું છે. ગત વર્ષે આ સમયે ઉનાળુ પાકનું વાવેતર ૧૦ લાખ હેક્ટર પર પહોચ્યું હતું. કૃષિ વિભાગના વાવેતરના આંકડા જોઈએ તો ડાંગરનું વાવેતર ૭૮,૮૫૦ હેક્ટરથી વધીને ૯૩,૧૫૨ હેક્ટર થયું છે. તેવી જ રીતે ઉનાળુ મગફળીમાં વાવેતર ૪૭,૬૮૩ હેક્ટર સામે આ વર્ષે ૫૧,૮૯૧ હેક્ટર થયું છે. કઠોળમાં ગત વર્ષના ૮૦,૪૭૦ ટન સામે આ વર્ષે ૮૨,૪૮૦ ટન ઉત્પાદન થવાનું અનુમાન છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો