Money9 Gujarati:
ભારતે એપ્રિલ મહિનામાં કરેલી નિકાસ અને આયાતના આંકડા જાહેર થયા છે. વાણિજ્ય મંત્રાલયે 15 મે, સોમવારના રોજ જાહેર કરેલા આંકડા અનુસાર, આપણે એપ્રિલમાં કુલ 49.9 અબજ ડૉલરની આયાત કરી હતી જ્યારે નિકાસનો આંકડો 34.66 અબજ ડૉલરનો હતો. આમ, નિકાસ કરતાં આયાતનું પલડું ભારે રહેવાથી, વેપાર ખાધ 15.24 અબજ ડૉલર રહી હતી. જોકે, વેપાર ખાધનો આ આંકડો 21 મહિનાના લોઅર લેવલે પહોંચ્યો છે. આપણું ઈમ્પોર્ટ બિલ એપ્રિલમાં 14.1 ટકા ઘટ્યું છે, જેનું કારણ માંગમાં થયેલો ઘટાડો તેમજ કોમોડિટીની કિંમતમાં થયેલો ઘટાડો છે. ઓઈલની આયાત અઢી ટકા ઘટવાથી ભારતનું આયાત બિલ ઓછું થયું છે. ઓઈલની આયાત 2.46 ટકા ઘટીને 15.17 અબજ ડૉલર થઈ છે. માર્ચ 2023માં ભારતની વેપાર ખાધ 19.73 અબજ ડૉલર નોંધાઈ હતી. વાર્ષિક ધોરણે ભારતની આયાત 14.1 ટકા ઘટી છે જ્યારે નિકાસ 12.7 ટકા ઘટી છે.
સમગ્ર વર્ષની વાત કરીએ તો, 2022-2023માં ભારતની કુલ નિકાસ 14 ટકા વધીને 775.87 અબજ ડૉલર નોંધાઈ હતી. એટલું જ નહીં, ગયા વર્ષની કુલ નિકાસ કરતાં આ આંકડો લગભગ 100 અબજ ડૉલર વધારે છે. મર્ચેન્ડાઈઝ એક્સપોર્ટનો આંકડો 450.43 અબજ ડૉલરને પાર થઈ ગયો છે જ્યારે સર્વિસિસ એક્સપોર્ટનો આંકડો 325.44 અબજ ડૉલરને પાર થયો છે.
આપણી સર્વિસિસ એક્સપોર્ટ 30.36 અબજ ડૉલર થઈ છે, જેની સામે સર્વિસિસની ઈમ્પોર્ટ 16.50 અબજ ડોલર રહી હતી, આમ, સર્વિસિસના મોરચે નિકાસનું પલડું ભારે રહેવાથી ભારતને કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ એટલે કે, ચાલુ ખાતાની ખાધ ઘટાડવામાં મદદ મળશે. માલસામાનની નિકાસમાં જે ઘટાડો થયો છે, તેની અસર પણ ખાળવામાં મદદ મળશે.
આઈટી અને બિઝનેસ કન્સલ્ટિંગ કામકાજની માંગ તીવ્રપણે વધવાથી સર્વિસિસ એક્સપોર્ટમાં સતત બીજા મહિને વૃદ્ધિ નોંધાઈ છે. માર્ચમાં આપણી સર્વિસિસ નિકાસ 27.75 અબજ ડૉલર હતી. ડિસેમ્બર 2022માં તે 31.09 અબજ ડૉલરના રેકોર્ડ હાઈ લેવલે પહોંચી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો