MONEY9 GUJARATI: ડૉનને તો અગિયાર દેશોની પોલીસ શોધતી હતી પરંતુ તમને તો ના જાણે કેટલા દેશોના ઠગ ટાર્ગેટ બનાવીને બેઠા છે. અને જાગતે રહોમાં અમે તમને બતાવી રહ્યા છીએ કે આજકાલ ઠગાઈનો એવો કયો નવો પેંતરો છે જે તમારી આસપાસ ગોઠવાઈ રહ્યો છે.
તો ગઠીયાઓએ હવે પોતાની ચાલ બદલી દીધી છે. પહેલાના સમયમાં નોર્મલ ફોન કૉલ કરવામાં આવતો હતો. પરંતુ હવે તો સીધા તમને વિડીયો અને ઑડિયો કૉલ કરવામાં આવી રહ્યા છે. અને તે પણ વૉટ્સએપ-ટેલીગ્રામ જેવા ઓટીટી કોમ્યુનિકેશન પ્લેટફોર્મ પરથી.. આ નંબરોની શરૂઆત ઈન્ટરનેશનલ કોડથી થાય છે જેમ કે 251, 60 કે પછી 80. પરંતુ એવું ના વિચારો કે આ પ્રકારના કૉલ માત્ર ઈન્ટરનેશનલ કોડવાળા નંબરોથી કરાઈ રહ્યા છે. કેટલાક નેશનલ કોડવાળા નંબરથી પણ તમને કૉલ આવી શકે છે. અને આ નેશનલ કોડની શરુઆત થતી હોય છે +91 થી, જે ભારતનો કોડ છે. અને તમને લાગશે કે આ ઈન્ટરનેશનલ કોલ નથી તો તે સુરક્ષિત છે પરંતુ આવું નથી. ભલે એ ભારતના કોડથી કોલ આવે કે ઈન્ટરનેશનલ કોડથી કૉલ આવે. અજાણ્યા નંબરથી આવેલા વિડીયો કૉલ કે ઓડિયો કૉલથી દૂર જ રહો.
કમ્યુનિટી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Local Circlesના એક સેમ્પલ સર્વે પ્રમાણે ભારતમાં વ્હોટ્સઅપ યૂઝ કરનાર 83 ટકા લોકોએ કહ્યું છે કે છેલ્લા 30 દિવસમાં તેમને અજાણ્યા નંબરથી મોટા પ્રમાણમાં ઑડિયો અને વીડિયો કૉલ આવી રહ્યા છે. અને જે લોકોને આવા કૉલ આવી રહ્યા છે તેમાંથી 59 ટકા લોકોએ કહ્યું કે આ કૉલ્સ ઈન્ટરનેશનલ નંબરથી આવી રહ્યા છે.
આ પ્રકારના કૉલ મલેશિયા, ઈન્ડોનેશિયા, વિયતનામ, શ્રીલંકા, ઈથોપિયા અને કેન્યા જેવા દેશોના નંબરથી આવી રહ્યા છે. આ કૉલ VOIP નેટવર્ક દ્વારા કરવામાં આવે છે. આ નંબર દેખાય તો છે ઈન્ટરનેશનલ પરંતુ કૉલ તમને ભારતના જ કોઈ ભાગમાંથી ઈન્ટરનેટ દ્વારા કરવામાં આવતો હોય છે. આ ઈન્ટરનેશનલ કૉલર માલવેર જેવા ખતરનાક વાયરસ તમારા ફોનમાં ટ્રાન્સફર કરે છે. ઘણી વાર કૉલ બ્લેન્ક હોય છે તો ઘણીવાર તેના દ્વારા લિંક મોકલવામાં આવે છે.
આ પ્રકારના કૉલ સાથે ઘરે બેઠા કમાણીની જૉબ ઓફર કે પછી ડેટા એન્ટ્રીની લિંક મોકલીને તેને ક્લિક કરવાનું અને કેટલાક સ્ટેપ્સ ફૉલો કરવાનું કહેવામાં આવે છે. પરંતુ તમારે આવું ભૂલથી પણ નથી કરવાનું. તમે જો આવું કર્યું તો સમજી લો કે તમારે પૈસાથી હાથ ધોવા પડશે. સાયબર એક્સપર્ટની સલાહ છે કે આવા કૉલ બિલકુલ ના ઉપાડો અને ના તો તેની સાથે આવનાર મેસેજનો જવાબ આપો. જો આ કૉલ આવે તો તમે તે નંબર તરત બ્લોક કરી દો. અને જો ભૂલથી તમે કૉલ ઉઠાવી લો છો અને ફ્રોડનો શિકાર થઈ જાવ છો તો તરત જ સાઈબર સેલમાં ફરિયાદ દાખલ કરાવી લો.
વ્હોટ્સઅપ અને ટેલીગ્રામ પર સ્કેમ કૉલ્સની ભરમાર પાછળ લાખો ડૉલરની એક ઈન્ડસ્ટ્રી છે જ્યાં ફ્રૉડસ્ટર અનેક રીતે ઈન્ટરનેશનલ નંબર મેળવી લે છે. કેટલીક ફ્રી એક્સેસ વેબસાઈટ છે જેની મદદથી કોઈ પણ દેશના વર્ચુઅલ ફોન નંબર જનરેટ કરી શકાય છે. ઘણા પ્લેટફોર્મ્સ છે જે ફી લઈને આ પ્રકારના નંબર જનરેટ કરી આપે છે અને આ ફી ક્રીપ્ટોકરન્સી દ્વારા પે કરાય છે. Telegram અને eBay જેવા પ્લેટફૉર્મ્સ પર લોકોની એક ઈકોસિસ્ટમ છે જે આ પ્રકારના નંબર જનરેટ કરે છે.
આ પ્રકારના ફ્રોડ કૉલને હાલ તો ટ્રેસ કરવા ઘણા મુશ્કેલ લાગી રહ્યા છે. ટેલિકોમ કંપનીઓ અને TRAI રેગુલર નેટવર્ક પર સ્પેમ કૉલ અને મેસેજ પર લગામ લગાવવા માટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ આધારીત ઉપાય કરવામાં લાગ્યા છે. ટેલિકોમ કંપનીઓનું કહેવું છે કે વ્હૉટ્સઅપ અને ટેલિગ્રામ રેગ્યુલેટેડ નથી માટે તેમને આ પ્રકારના કૉલ પર લગામ લગાવવા માટે પોતાને એક મિકેનિઝમ તૈયાર કરવું પડશે. કેન્દ્રીય દૂરસંચાર અને આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે તાજેતરમાં જ કહ્યું હતું કે સરકાર દ્વારા આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સનો ઉપયોગ કરી વ્હોટ્સઅપને ચિટીંગ માટે ઉપયોગમાં લેવાઈ રહેલા કેટલાક નંબરની જાણકારી આપવામાં આવી હતી અને વ્હૉટ્સઅપે તેને બ્લૉક કરવામાં સરકારને સહયોગ આપ્યો છે.
માટે જ વ્હોટ્સઅપ હોય કે ટેલીગ્રામ, આ કૉમ્યુનિકેશન એપ્સનો ઉપયોગ કરતી વખતે સતર્ક રહો. સરકાર આ પ્રકારના કૉલ્સ અને મેસેજીસ પર રોક લગાવવાના પૂરેપૂરા પ્રયત્ન કરી રહી છે. પરંતુ તમે પોતે પણ સાવધાની રાખો તે જરૂરી છે. બસ અને ટ્રેનમાં કહે છે ને કે યાત્રી તમારા સામાનની દેખભાળ જાતે જ રાખો, તેવી જ રીતે ફ્રૉડ કૉલ્સ અને મેસેજીસને લઈને જાતે જ સજાગ થવાની જરુર છે. તો સાવચેત રહો, જાગતા રહો…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો