આ કંપનીમાં 40,000 વેકેન્સી
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ એટલે કે TCS એ 40,000 વેકેન્સીની જાહેરાત કરી છે. TCSના CEO એન ગણપતિ સુબ્રમણ્યમે જણાવ્યું છે કે કંપની ચાલુ નાણાકીય વર્ષમાં 40,000 કેમ્પસ રિક્રુટર્સ હાયર કરવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે અમે સામાન્ય રીતે 35,000 થી 40,000 લોકોને નોકરીએ રાખીએ છીએ અને આ વર્ષે પણ આ યોજના અકબંધ રહેશે. મોટાપાયે કોઈ છટણી થશે નહીં.
બાસમતી ચોખાની MEP નહીં ઘટે
14 ઓક્ટોબરે જાહેર કરાયેલા સત્તાવાર આદેશ અનુસાર, બાસમતી ચોખાની નિકાસ પર લાદવામાં આવેલી ફ્લોર પ્રાઈસ અથવા મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ એટલે કે MEP ચાલુ રહેશે. બાસમતી ચોખાની નિકાસ માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ પ્રતિ ટન 1,200 ડોલર પ્રતિ ટન રહેશે. અહેવાલો અનુસાર, નિકાસકારોને આશા હતી કે સરકાર MEPને 850 ડોલર પ્રતિ ટન સુધી ઘટાડી શકે છે જેથી મિલ માલિકો અને ટ્રેડર્સને ચોખાના ગ્રેડ મોકલવામાં મદદ મળી શકે.
ટોલટેક્સમાં કોઇ રાહત નહીં
કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લેતા નેશનલ હાઈવે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ પણ 100 ટકા ટોલ ટેક્સ વસૂલવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત, આ ટોલ કંપનીઓને દર વર્ષે ટેક્સમાં જથ્થાબંધ ભાવ સૂચકાંક એટલે કે WPIના પ્રમાણમાં દર વધારવાનો અધિકાર હશે. હાલની સિસ્ટમમાં હાઈવે પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ પૂરો થયા બાદ ટોલ ટેક્સના દરમાં 40 ટકાનો ઘટાડો કરવામાં આવે છે. પરંતુ, હવે રોડ ટ્રાવેલર્સને આ છૂટ નહીં મળે.
મુંબઇમાં ઘર સૌથી મોંઘા
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઘરની કિંમતમાં થયેલા વધારાના સંદર્ભમાં, મુંબઈ વૈશ્વિક સ્તરે 19માં સ્થાને અને બેંગાલુરુ 22માં સ્થાને પહોંચી ગયું છે. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ શુક્રવારે એક અહેવાલમાં આ માહિતી આપી હતી. ગયા વર્ષે સમાન સમયગાળામાં મુંબઈ 95માં સ્થાને હતું જ્યારે બેંગલુરુ 77માં સ્થાને હતું. નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાએ એપ્રિલ-જૂન 2023 ક્વાર્ટર માટે ગ્લોબલ રેસિડેન્શિયલ સિટીઝ ઈન્ડેક્સ બહાર પાડતી વખતે આ માહિતી આપી હતી. આ અહેવાલ મુજબ, વિશ્વના 107 શહેરોમાં સામૂહિક સ્તરે સરેરાશ ભાવ વધારો 1.7 ટકા હતો, જ્યારે એક વર્ષ અગાઉના સમાન ત્રિમાસિક ગાળામાં સરેરાશ કિંમતોમાં 11.7 ટકાનો વધારો થયો હતો.
સરકારનો યુટ્યુબને આદેશ
કેન્દ્રએ યુટ્યુબને એવી ચેનલો પર ડિસ્ક્લેમર મૂકવાનો નિર્દેશ આપ્યો છે જે ‘ફેક’ સમાચાર ફેલાવી રહી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના સૂત્રોએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ પહેલ એવા સમયે કરવામાં આવી છે જ્યારે થોડાક મહિનાઓ પહેલા સરકાર દ્વારા ફેક્ટ-ચેકિંગ માટે એક યુનિટની સ્થાપના કરવાની યોજના સેન્સરશિપની આશંકાને કારણે વિવાદમાં આવી હતી.
RBI ગર્વનરને મળ્યું સન્માન
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસને મોરોક્કોના મારકેશ શહેરમાં ગ્લોબલ ફાઈનાન્સ સેન્ટ્રલ બેંકર કાર્ડ્સ 2023માં ‘A+’ રેન્ક આપવામાં આવ્યો છે. આ સન્માન કેન્દ્રીય બેંકોના ગવર્નરોને તેમના સારા પ્રદર્શન માટે આપવામાં આવે છે. RBI ટ્વિટર પર RBI ગવર્નરની એવોર્ડ સાથેની તસવીરની સાથે માહિતી શેર કરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો