Money9: દેશની સૌથી મોટી IT કંપની Tata Consultancy Services (TCS)માં નોકરીને લઈને મોટું કૌભાંડ સામે આવ્યા બાદ હવે કંપની એક્શનમાં આવી છે. કંપનીએ મોટી કાર્યવાહી કરતા નોકરીઓ વિશે માહિતી આપતા 6 વેબ પોર્ટલ પર પ્રતિબંધ મૂક્યો છે. કંપનીએ આ જોબ પોર્ટલને મહત્વની માહિતી આપનારા કર્મચારીઓ સામે પણ કાર્યવાહી કરી છે. પ્રાથમિક તપાસમાં 6 કર્મચારીઓ આ પોર્ટલને માહિતી આપવા અને તેમાંથી નાણાકીય લાભ મેળવવા માટે દોષિત ઠર્યા છે. કંપનીના અન્ય 3 કર્મચારીઓ હાલ કંપનીના રડાર પર છે.
6 કર્મચારીઓ પર કાર્યવાહી
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને ગુરુવારે જણાવ્યું હતું કે કોન્ટ્રાક્ટ કર્મચારીઓની નિમણૂક માટે નોકરી અંગે માહિતી આપનારી કંપનીઓને મદદ કરવા અને તેમાંથી લાભ લેવા બદલ TCSએ છ કર્મચારીઓ સામે કાર્યવાહી કરી છે. દેશની સૌથી મોટી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સર્વિસિસ નિકાસકાર ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)ની વાર્ષિક સામાન્ય સભામાં બોલતા ચંદ્રશેખરને જણાવ્યું હતું કે કંપની વધુ ત્રણ કર્મચારીઓની ભૂમિકાની તપાસ કરી રહી છે.
કંપનીએ કર્યો આ ખુલાસો
શેરધારકોના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે અમે છ કર્મચારીઓ અને છ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમણે કહ્યું કે કંપનીને બે ફરિયાદો મળી હતી, જેના પગલે તેણે આરોપોની તપાસ કરી હતી. એક યુએસમાં બિઝનેસ એસોસિએટ્સ અથવા કોન્ટ્રાક્ટ કામદારોની ભરતી સંબંધિત છે અને બીજી ફરિયાદ ફેબ્રુઆરી અને માર્ચના અંતમાં ભારતમાં ભરતીને લગતી છે. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે તેઓ આ કર્મચારીઓને મળેલા લાભોનું મુલ્યાંકન તો નથી કરી શકતા, પરંતુ પ્રતિબંધિત કર્મચારીઓએ એવી રીતે વર્તન કર્યું હતું કે તેઓ અમુક કંપનીઓની તરફેણ કરી રહ્યા હતા.
લગભગ 100 કરોડનું કૌભાંડ છે!
આ મહિનાની શરૂઆતમાં, કેટલાક મીડિયા અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે TCS એ કંપનીના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કેટલાક કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે. કેટલાક અહેવાલોમાં કર્મચારીઓને થયેલા ફાયદાનો કુલ આંકડો 100 કરોડ રૂપિયા સુધીનો હોવાનું જણાવવામાં આવ્યું છે. ચંદ્રશેખરને જણાવ્યું હતું કે “કંપની ‘બિઝનેસ એસોસિયેટ’ સપ્લાયર મેનેજમેન્ટ પ્રક્રિયાની સમીક્ષા કરશે અને જોશે કે તેમાં કોઈ ક્ષતિઓ છે કે કેમ. આવી ઘટનાઓ ફરી ન બને તે માટે કંપની પ્રક્રિયાને સંપૂર્ણ રીતે કડક બનાવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો