MONEY9: મોંઘવારીના આ જમાનામાં નિયમિત કમાણીના એકથી વધુ વિકલ્પો શોધવા સામાન્ય વાત થઈ ગઈ છે… એક્સ્ટ્રા કમાણી માટે ઘણા લોકો તેમનું મકાન, દુકાન અથવા તો મકાન કે દુકાનનો એક રૂમ ભાડે આપે છે. પરંતુ, પૈસા કમાવવા માટે આંખો મીંચીને કોઈને પણ ઘરની કે દુકાનની ચાવી પકડાવી દેવામાં ઘણું જોખમ છે. જો ભાડુઆત એક ભૂલ કરશે, તો તેનો ભોગ તમારે બનવું પડશે. આવું ના થાય તે માટે, ઘર ભાડે આપતાં પહેલાં તમારે અમુક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ.
પ્રોપર્ટી ચકાચક રાખો જેમ કે, મોટા ભાગનાં લોકો તેમનું ઘર અથવા ઘરનો જે રૂમ ભાડે આપવાનો હોય, તેના મેઈન્ટેનન્સ પાછળ ખાસ ખર્ચો નથી કરતા. લોકો એવું માને છે કે, ઘર ભાડે જ આપવાનું છે, તો ખર્ચો કરવાનો શું મતલબ? ખર્ચો આપણે કરીએ, અને મજા ભાડુઆત કરે. આવી માનસિકતા રાખીને મકાનમાલિક ખર્ચો કરતા નથી. પણ યાદ રાખો, ઘર તમારું છે, તમે ઘરના માલિક છો, એટલે નિયમિતપણે તેને મરામત કરાવવી જોઈએ. પાણી ટપકતું હોય, ભેજ આવતો હોય, ફ્લોરિંગ ખરાબ હોય, લાઈટ કે પ્લમ્બિંગના પ્રોબ્લેમ હોય, તો તેને સોલ્વ કરવાની જવાબદારી તમારી છે. જો ઘર અપ-ટુ-ડેટ હશે, તો તમારો ભાડુઆત રોજેરોજ ફરિયાદ પણ નહીં કરે અને તમે વધુ ભાડું પણ માંગી શકશો.
કોને ભાડુઆત બનાવશો? હવે સવાલ એ થાય કે, ઘર તો ચકાચક કરી દીધું, પરંતુ કેવી વ્યક્તિને ભાડુઆત બનાવવો? કેવો ભાડુઆત પસંદ કરવો, તેને લઈને કોઈ મૂંઝવણ ના હોવી જોઈએ. આના માટે, તમારે એક વાત નક્કી કરવી પડે કે, તમે ઈન્વેસ્ટમેન્ટ માટે પ્રોપર્ટી ખરીદી છે કે પછી પોતાના ઉપયોગ માટે ખરીદી છે? જો ઈન્વેસ્ટમેન્ટ માટે પ્રોપર્ટી ખરીદી હોય, તો મકાનમાલિક કોઈ સ્ટુડન્ટ અથવા વર્કિંગ પ્રોફેશનલને ભાડુઆત તરીકે પસંદ કરી શકે છે. જો તમે પોતે મકાનમાં રહેતા હોવ અને ઉપરનો માળ કે કોઈ એક રૂમ ભાડે આપવાનો હોય, તો ફેમિલીવાળા ભાડુઆત પસંદ કરવા જોઈએ.
ભાડું નક્કી કરો પ્રોપર્ટી ભાડે આપતાં પહેલાં તેનું ભાડું કેટલું રાખવું તે પણ નક્કી કરી લેવું જોઈએ. માલિકો ઘણી વખત ભાડું વધારે પડતું માંગતા હોય છે. તમારે લોકેશન અને માર્કેટના ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને ભાડું નક્કી કરવું જોઈએ. તમારું લોકેશન, અન્ય સુવિધાઓ, આડોશ-પાડોશનો માહોલ વગેરે બાબતો ધ્યાનમાં લઈને ભાડું નક્કી કરવું જોઈએ. જોકે, તેનાથી પણ વધુ મહત્ત્વની બાબત છે તમારા ઘરની હાલત. જો ઘર નવું હશે, તો વધુ ભાડું મળશે. ઘર જૂનું હશે પણ તમે રિનોવેશન કરાવીને ચકાચક કરી દીધું હશે, તો નવા ઘર જેટલું જ ભાડું મળી શકે છે. રિનોવેશન કરાવ્યા પછી કેટલું ભાડું મળશે, તેનો અંદાજ કાઢી લેજો અને પછી રિનોવેશન પાછળ ખર્ચો કરજો.
એક્સપર્ટનો મત ફિનકાર્ટના સ્થાપક અને CEO તનવીર આલમ કહે છે કે, ઘર ભાડે ચઢાવવામાં મુખ્યરૂપે ત્રણ જોખમ છે. પહેલું જોખમ ઘર પર ગેરકાનૂની કબજો થવાનું છે. બીજું જોખમ છે યોગ્ય જાળવણીના અભાવે ઘરને પહોંચતું નુકસાન અને ત્રીજું જોખમ છે, ભાડું તેમજ અન્ય બિલની સમયસર ચૂકવણી ના કરે તેવા ભાડુઆત. આવા જોખમોથી દૂર રહેવું હોય, તો લીઝ એગ્રીમેન્ટ કરાવીને તેનું રજિસ્ટ્રેશન કરાવવું જોઈએ. લીઝ એગ્રીમેન્ટમાં એટલે કે, ભાડાંકરારમાં તમામ શરતો અને નિયમો સ્પષ્ટપણે લખાવવા જોઈએ. જેમકે, પ્રોપર્ટીને કેવી સ્થિતિમાં ભાડે આપી રહ્યાં છો, જો કોઈ નુકસાન પહોંચશે તો ભાડુઆતે તેની ભરપાઈ કરવી પડશે વગેરે. પ્રૂફ તરીકે તમે ઘરના ફોટા પણ જોડી શકો છો. એટલું જ નહીં, પેમેન્ટ સંબંધિત શરતો પણ એગ્રીમેન્ટમાં ક્લીયરકટ લખેલી હોવી જોઈએ.
ભાડુઆતના પ્રૂફ પ્રોપર્ટી ભાડે ચઢાવતાં પહેલાં માત્ર ભાડુઆત શોધવાની મહેનત કરીને બેસી ના રહેતા. ભાડુઆતની અન્ય વિગતો પણ હાંસલ કરવી પડશે. તેનું આઈડી પ્રૂફ અને એડ્રેસ પ્રૂફ લીધા વગર ભરોસો ના કરશો. બે પૈસા ખર્ચીને પોલિસ વેરિફિકેશન પણ કરાવી લેજો. ભાડાંકરારમાં લીઝની ડેટ, સિક્યોરિટી ડિપોઝિટ, પેમેન્ટની તારીખ, ભાડું ચૂકવવામાં વિલંબ થાય તો કેટલો દંડ લાગશે, ઘર ખાલી કરાવવા માટેના નિયમો તેમજ શરતો બરાબર લખીને પછી જ ડીલ ફાઈનલ કરજો. રેન્ટ એગ્રીમેન્ટનું રજિસ્ટ્રેશન પણ કરાવી લેજો. ધારો કે, ભાડુઆત ઘર ખાલી ના કરે અથવા તો ભાડું ના ચૂકવે, તો તમારી પાસે એકમાત્ર હથિયાર આ રજિસ્ટર્ડ રેન્ટ એગ્રીમેન્ટ છે, જે તમને કાનૂની ટેકો આપશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો