MONEY9 GUJARATI: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
લાખો ઘર ખરીદદારોને રાહત મળી શકે દેશભરમાં અનેક હાઉસિંગ પ્રોજેક્ટ્સ અધવચ્ચે અટકી ગયા છે. પરંતુ હવે આવા પ્રોજેક્ટ્સમાં પ્રાણ ફૂંકવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. બેન્કો આવા પ્રોજેક્ટમાં પોતાનો અધિકાર જતો કરવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં જ આવા પ્રોજેક્ટ્સ માટે બેન્કોના વરિષ્ઠ અધિકારીઓ અને રિયલ એસ્ટેટ માર્કેટના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જો બેન્કો થોડી બાંધછોડ કરશે તો લાખો લોકોનું ઘરનું સપનું પૂરું થશે અને બિલ્ડર્સ પાસેથી લોનની વસૂલી કરવામાં પણ મદદ મળશે. ઘરનું પઝેશન મળવાની રાહ જોઈ રહેલાં લોકોને રાહત આપવાના ઈરાદા સાથે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્યોની સરકારને વર્ષ 2019માં વૈકલ્પિક રસ્તો કાઢવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદ SBI-કેપ વેન્ચર્સની આગેવાની હેઠળ, સ્વામી ફંડની રચના કરવામાં આવી હતી. આ ફંડ ઘણા લટકી ગયેલા પ્રોજેક્ટ્સને બેઠા કરે છે. આ ફંડને કારણે છેલ્લાં 4 વર્ષમાં લગભગ 20 હજાર ઘરની ચાવી ખરીદદારોને મળી છે અને વધુ 81 હજાર ઘરનું પઝેશન આપવાની તૈયારી ચાલી રહી છે.
ટામેટાંમાં લાલચોળ તેજીઃ ભાવ ડબલ થઈ ગયા ટામેટાંના ભાવમાં લાલચોળ તેજી છે. ઘણા શહેરોમાં એક કિલો ટામેટાંની છૂટક કિંમત 120થી 130 રૂપિયા થઈ ગઈ છે. છેલ્લાં એકાદ સપ્તાહમાં ભાવ બમણા થયા છે. ભાવ વધવાનું કારણ છે ઊંચું તાપમાન, ઓછું ઉત્પાદન અને વરસાદમાં વિલંબ. આ વખતે દેશનાં ઘણા રાજ્યોમાં છેક જૂનના છેલ્લાં સપ્તાહ સુધી હીટવેવનો માહોલ રહ્યો છે. ઓછામાં પૂરું બિપરજોય અને અલ નીનોના પ્રભાવ હેઠળ ચોમાસું વિલંબમાં ચાલી રહ્યું છે. હોળી બાદ ઘણા રાજ્યોમાં કમોસમી વરસાદ થવાથી ટામેટાંના પાકને નુકસાન પણ પહોંચ્યું હતું, એટલે ઉત્પાદન પર અસર પડી છે. માર્કેટમાં ઓછો માલ ઠલવાઈ રહ્યો છે. વળી, ખોટ ગઈ હોવાથી ખેડૂતોએ ટામેટાંનું ઓછું વાવેતર કર્યું છે. આ તમામ પરિબળોને લીધે ટામેટાંના ભાવને તેજીની હવા પૂરી પાડી છે. હિમાચલ પ્રદેશ જેવા ટામેટાનું ઉત્પાદન કરતાં રાજ્યમાં અતિ ભારે વરસાદ થશે તો ટામેટાંના ભાવ હજુ વધવાની શક્યતા છે.
ગુજરાતમાં 2022-23માં FDI 83% વધ્યું સીધું વિદેશી રોકાણ એટલે કે, ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટના મોરચે ગુજરાત પાછળ રહી ગયું છે. 2022-23માં ગુજરાતમાં 37,059 કરોડ રૂપિયાનું FDI નોંધાયું છે. સૌથી વધુ FDI મહારાષ્ટ્રમાં આવ્યું છે. આ રાજ્યમાં 1.14 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ થયું છે. ત્યારબાદ 83,628 કરોડના FDI સાથે કર્ણાટક બીજા ક્રમે અને 60,119 કરોડ સાથે દિલ્હી ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં 2021-22માં 20,169 કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું હતું અને તે વર્ષે ગુજરાતનો ક્રમ છઠ્ઠો હતો. જોકે, ગયા વર્ષે વિદેશી રોકાણ 83 ટકા વધવાથી ગુજરાત ચોથા ક્રમે પહોંચ્યું છે. જોકે, 2020-21માં ગુજરાતે 1.62 લાખ કરોડ રૂપિયાનું FDI મેળવીને રેકોર્ડ બનાવ્યો હતો. પરંતુ ત્યારથી વિદેશી રોકાણ ઘટી રહ્યું છે.
આઈડિયાફોર્જના IPOને મજબૂત પ્રતિસાદ ડ્રોન બનાવતી કંપની આઈડિયા ફોર્જ ટેકનોલોજીનો આઈપીઓ ખુલી ગયો છે. તેમાં રોકાણ કરવા માટે રોકાણકારોએ પડાપડી કરી છે અને પહેલાં દિવસે જ IPO લગભગ 3 ગણો ભરાઈ ગયો છે. કંપનીએ રોકાણકારોને 638થી 672 રૂપિયાના ભાવે શેર ઓફર કર્યાં છે. એટલે કે, એક લોટમાં 22 શેર લાગશે. ગ્રે માર્કેટમાં શેર દીઠ 80 ટકા પ્રીમિયમ બોલાઈ રહ્યું છે. ભારતનાં ડ્રોન માર્કેટના 50 ટકા હિસ્સા પર આ કંપનીનો કબજો છે. કંપની IPO દ્વારા કુલ 567 કરોડ રૂપિયા ભેગા કરવા માંગે છે, જેમાંથી 240 કરોડ રૂપિયા માટે ફ્રેશ શેર્સ ઈશ્યૂ કરવામાં આવશે જ્યારે બાકીની રકમ માટે પ્રમોટર્સ દ્વારા શેર વેચવામાં આવશે. IPO દ્વારા જે રકમ મળશે તેમાંથી 50 ટકા રકમનો ઉપયોગ દેવું ચૂકવવા માટે થશે.
Kia રિકૉલ કરશે Carensના 30,297 યુનિટ સેલ્ટોસ અને સોનેટ જેવી ગાડીઓ દ્વારા લોકપ્રિય થયેલી કંપની કિઆ ઈન્ડિયાએ મહત્ત્વની જાહેરાત કરી છે. જો તમારી પાસે કિઆની મલ્ટિ પર્પઝ કાર કેરેન્સ હોય તો, તેમાં સોફ્ટવેર બદલાવી લેજો. કંપનીએ સ્વૈચ્છિક રીતે આ સોફ્ટવેર અપડેટ કરવાની જાહેરાત કરી છે. કિઆ ઈન્ડિયાએ જણાવ્યું છે કે, સપ્ટેમ્બર 2022થી ફેબ્રુઆરી 2023ની વચ્ચે બનાવવામાં આવેલી કેરેન્સમાં સોફ્ટવેર અપડેટ કરવામાં આવશે. આ સમયગાળામાં કેરેન્સના 30,297 યુનિટ વેચાયા હતા. કંપનીએ જણાવ્યું છે કે, જો કેરેન્સની સોફ્ટવેરમાં ખામી જણાશે તો કંપની મફતમાં સોફ્ટવેર અપડેટ કરી આવશે. કંપની કારના માલિકનો સંપર્ક કરશે અને ત્યારબાદ ગ્રાહકે કિઆના ઓથોરાઈઝ્ડ ડીલર પાસે જઈને કેરેન્સમાં સોફ્ટવેર અપડેટ કરાવવાનું રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો