Money9 Gujarati:
મસાલાની મોંઘવારી પરેશાન કરી રહી છે. મોંઘાદાટ મરી-મસાલાને કારણે કિચનું બજેટ વધી ગયું છે. મોંઘવારીનો દર ઘટીને 5 ટકાની નીચે પહોંચી ગયો છે, પરંતુ મસાલાની મોંઘવારીનો દર હજુ પણ 15 ટકાની ઉપર જળવાઈ રહ્યો છે. છેલ્લાં દોઢેક વર્ષથી મસાલામાં તીખીતમતમતી મોંઘવારી છે અને તેની પાછળ ચીનનો હાથ હોવાનું ચિત્ર સામે આવ્યું છે.
ચીનમાં વધી મસાલાની ખરીદી
મસાલાની મોંઘવારી પાછળ મુખ્યત્વે ચીનનો હાથ છે, કારણ કે, છેલ્લાં કેટલાક વર્ષોમાં ભારતનાં મસાલાની મોટા પાયે ખરીદી ચીન દ્વારા થઈ છે. આપણો પાડોશી દેશ ભારતીય મસાલાનો મોટો ખરીદદાર બન્યો છે. ચીનમાં ખાસ કરીને લાલ મરચું, જીરું અને વરિયાળીની ભારે માંગ છે. નાણાકીય વર્ષ 2021-22માં ભારતમાંથી નિકાસ થયેલા લાલ મરચાં, જીરું અને વરિયાળીની સૌથી વધુ ખરીદી ચીને જ કરી હતી.
કયા મસાલાની માંગ
નાણાકીય વર્ષ 2021-22માં ભારતમાંથી 5.57 લાખ ટન લાલ મરચાંની નિકાસ થઈ હતી, જેમાં ચીનનો હિસ્સો 1.91 લાખ ટનથી પણ વધારે હતો. 2021-22માં ભારતમાંથી 2.16 લાખ ટન જીરાની નિકાસ થઈ હતી, જેમાંથી 43,382 ટન જીરું ચીનમાં ગયું હતું અને વરિયાળીની નિકાસનો 50 ટકા જથ્થો એકલા ચીનમાં ગયો હતો. નાણાકીય વર્ષ 2021-22માં ભારતમાંથી 40,135 ટન વરિયાળીની નિકાસ થઈ હતી, જેમાંથી ચીને 20,257 ટન વરિયાળી ખરીદી હતી. ભારતમાંથી નિકાસ થતું તેલ પણ ડિમાન્ડમાં છે. આપણા તેલની સૌથી વધુ ખરીદી અમેરિકા કરે છે અને ત્યારબાદ ચીન બીજો સૌથી મોટો ખરીદદાર છે.
ભારતમાં ભાવ વધ્યા
છેલ્લાં 4થી 5 વર્ષમાં ચીનમાં ભારતના મસાલાની માંગ વધી છે. પાંચેક વર્ષ અગાઉ ચીનની ખરીદી ઘણી ઓછી હતી. નાણાકીય વર્ષ 2017-18માં ચીને ભારતમાંથી માત્ર લાલ મરચાંની થોડીઘણી ખરીદી કરી હતી જ્યારે જીરું અને વરિયાળીની ખરીદી તો નામ માત્રની હતી. પરંતુ ત્યારબાદ, ચીનમાં ખરીદી વધવાથી ભારતમાં મસાલાની કિંમત વધી છે અને મસાલા મોંઘા થઈ જવાથી રિટેલ મોંઘવારી પણ વધી છે. છેલ્લે જાહેર થયેલા એપ્રિલ-2023ના તાજા આંકડામાં, છૂટક મોંઘવારીનો દર ઘટીને 4.7 ટકા પહોંચ્યો છે, પરંતુ મસાલાની મોંઘવારીનો દર 17.43 ટકા જેટલા ઊંચા સ્તરે નોંધાયો છે. દુનિયાભરમાં મસાલાનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે અને સૌથી વધુ ખપત પણ ભારત કરે છે. મસાલાની નિકાસમાં પણ ભારત આગળ છે. ભારતમાંથી સૌથી વધુ નિકાસ લાલ મરચાં, જીરું અને હળદરની થાય છે. નાણાકીય વર્ષ 2022-23ના ફેબ્રુઆરી સુધીના આંકડા પ્રમાણે, ભારતે કુલ 3.55 અબજ ડૉલરના મસાલાની નિકાસ કરી છે, જેમાંથી 1.5 અબજ ડૉલર માત્ર લાલ મરચાંની નિકાસથી મળ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો