MONEY9: કરિયાણાનું બિલ સતત વધી રહ્યું છે. લોટ, દાળ અને તેલના ભાવમાં થયેલો વધારો તો આંખે ઉડીને વળગે તેવો છે, પરંતુ મરી-મસાલાનો બહુ આકરો ન લાગતો ભાવવધારો પણ બજેટ બગાડી રહ્યો છે. છેલ્લાં 1 વર્ષમાં મસાલાના ભાવમાં જે વધારો થયો છે, તે જોઈએ તો કરિયાણાનો ખર્ચ વધવાનું કારણ સમજાઈ જશે.
મસાલાની મોંઘવારી એક વર્ષમાં લગભગ તમામ મસાલા મોંઘા થયા છે. 100 ગ્રામ જીરું ખરીદવા માટે વર્ષ પહેલાં જેટલા પૈસા ચૂકવવા પડતા હતા, તેના કરતાં હવે 75થી 80 ટકા વધુ પૈસા ચૂકવવા પડે છે. વરિયાળીના ભાવ 55 ટકા વધી ગયા છે અને ધાણા ખરીદવા માટે પણ 45 ટકા વધુ કિંમત ચૂકવવી પડે છે. મરચાં અને મરીના ભાવમાં પણ આવી જ સ્થિતિ છે.
સરકાર પણ પરેશાન મસાલાની મોંઘવારીએ રસોડાનું બજેટ તો ખોરવી જ નાખ્યું છે, પરંતુ સરકારનો પરસેવો પણ છોડાવી દીધો છે. મસાલાની મોંઘવારીએ ખાદ્ય મોંઘવારી ભડકાવી છે અને તેની અસર રિટેલ મોંઘવારીમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. સરકારની ચિંતાનું કારણ પણ રિટેલ મોંઘવારી જ છે. ઓગસ્ટમાં ફુગાવો 7 ટકાએ પહોંચ્યો, તેમાં મુખ્ય ભૂમિકા મસાલાએ જ ભજવી.
ફુગાવો વધ્યો મસાલા છેલ્લાં 3 મહિનાથી મોંઘવારીની મુસાફરી કરી રહ્યાં છે. જૂન મહિનાથી મસાલાની મોંઘવારીનો દર બે આંકડાથી નીચે ઉતરવાનું નામ નથી લેતો.
ઉત્પાદન ઘટશે ઓછામાં પૂરું, આ વર્ષે મોટા ભાગનાં મસાલાનું ઉત્પાદન ઘટવાની શક્યતા છે. ઉત્પાદન ગયા વર્ષ કરતાં ઓછું થશે, એટલે સપ્લાય પર અસર પડશે અને આ બીકને કારણે જ મસાલાના ભાવ વધી રહ્યાં છે. ચાલુ વર્ષે મરચાંનાં ઉત્પાદનમાં લગભગ 2 લાખ ટન અને ધાણાના ઉત્પાદનમાં લગભગ 90 હજાર ટન ઘટાડો થવાનો અંદાજ છે. જીરું અને કાળા મરીનું ઉત્પાદન પણ ચાલુ વર્ષે ઘટ્યું હોવાના આંકડા પ્રાપ્ત થયા છે.
સરકારની ભૂમિકા પાછું, મસાલાનું નામ આવશ્યક ચીજવસ્તુઓની યાદીમાં સામેલ નથી, એટલે સરકાર આ મોંઘવારીને ડામવા તાત્કાલિક પગલાં ભરતી નથી. જેમકે, ઘઉં અને તેલ જેવી આવશ્યક ચીજોના ભાવમાં થોડોક વધારો થાય તોપણ, સરકાર તાત્કાલિક એક્શન મોડમાં આવી જાય છે. ઘઉંનો લોટ મોંઘો ન થઈ જાય તે માટે સરકારે ઘઉંની નિકાસ પર બ્રેક મારી દીધી છે અને ખાદ્ય તેલની આયાત વધારવા માટે વિવિધ પ્રકારનાં વેરા નાબૂદ કરી દીધા છે. પરંતુ મસાલા આ લિસ્ટમાં સામેલ નથી, એટલે તેના ભાવ ઘટાડવા માટે સરકાર તાત્કાલિક કોઈ પગલાં ભરશે, તેવી આશા રાખવી નકામી છે.
આશા-અપેક્ષા એટલે આપણે એક જ આશા રાખી શકીએ કે, મસાલાનો સપ્લાય વધે અથવા તો મસાલાની માંગ ઘટે, તો જ મસાલાની મોંઘવારી ઘટશે. પરંતુ નજીકના સમયગાળામાં તો સપ્લાય કે માંગ ઘટે તેવી કોઈ શક્યતા દેખાતી નથી, એટલે આપણે તો મસાલા માટે વધુ ભાવ ચૂકવવા જ પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો