MONEY9: ચાંદીના ભાવમાં સારો એવો ઉછાળો જોવા મળી રહ્યો છે. સતત બીજા વર્ષે ચાંદીની ડિમાન્ડ કરતાં સપ્લાય વધારે રહેવાનો અંદાજ છે અને ડૉલરમાં એકાદ મહિનાથી થયેલા ઘટાડાએ ચાંદીની કિંમતને ટેકો આપ્યો છે. છેલ્લાં 1 મહિનામાં ભારતમાં ચાંદીનાં ભાવ 8 ટકાથી પણ વધુ ઉછળ્યા છે. 1 કિલો ચાંદીનો ભાવ 61 હજાર રૂપિયાને પાર થઈ ગયો છે. વિદેશનાં બજારમાં ચાંદીનો ભાવ 13 ટકા જેટલો વધી ગયો છે અને 1 ઔંશ ચાંદીની કિંમત 21 ડૉલરને પાર થઈ ચૂકી છે.
ડિમાન્ડ અને સપ્લાય વૈશ્વિક સ્તરે છેલ્લાં 2 વર્ષથી ચાંદીના સપ્લાયની સામે ડિમાન્ડમાં જોરદાર વધારો થયો છે. સિલ્વર ઈન્સ્ટિટ્યૂટના રિપોર્ટ અનુસાર, ચાલુ વર્ષે એટલે કે, 2022માં પણ દુનિયાભરમાં ચાંદીના સપ્લાયની સામે ડિમાન્ડ લગભગ 19 ટકા વધારે રહેવાનો અંદાજ છે. 2021માં પણ સપ્લાયની તુલનાએ ડિમાન્ડ 5 ટકા વધારે હતી. 2022માં ચાંદીની વૈશ્વિક માંગ 16 ટકા વધવાનો અંદાજ છે અને માંગ વધીને 34,303 ટનના વિક્રમ સ્તરે પહોંચવાની શક્યતા છે. માંગ વધી રહી છે અને સપ્લાય ઘટી રહ્યો છે… પરિણામે સતત બીજા વર્ષે ગ્લોબલ માર્કેટમાં ચાંદીની અછત જોવા મળશે અને ચાલુ વર્ષે તો આ અછત 5,455 ટનના વિક્રમ સ્તરે પહોંચવાનો અંદાજ છે. 2021માં ચાંદીની જેટલી અછત હતી, તેની સામે 2022માં ચાર ગણી અછતનો સામનો કરવો પડશે.
ચાંદીનો ઉપયોગ ચાંદી એક મૂલ્યવાન ધાતુ છે અને તેનો વપરાશ માત્ર ઘરેણાં પૂરતો સીમિત નથી, પરંતુ ઔદ્યોગિક સ્તરે પણ ચાંદીનો ઉપયોગ થાય છે. વૈશ્વિક સ્તરે ચાંદીની જે માંગ છે, તેમાં 44થી 45 ટકા માંગ તો ઉદ્યોગોની હોય છે. 2022માં વૈશ્વિક સ્તરે ચાંદીની ઈન્ડસ્ટ્રીયલ ડિમાન્ડ પાંચ ટકા વધવાનો અંદાજ છે. એટલું જ નહીં, રોકાણ માટે ચાંદીની ફિઝિકલ ડિમાન્ડ પણ 29 ટકા વધવાની જ્યારે ઘરેણાં માટે ચાંદીની માંગ 18 ટકા વધવાની શક્યતા છે. નવેમ્બર 2022માં અમેરિકન ડૉલરમાં નરમાઈ આવવાથી ચાંદીની કિંમતને ટેકો મળ્યો છે. અમેરિકામાં રિટેલ મોંઘવારી ઘટવાથી એવી શક્યતાએ જોર પકડ્યું છે કે, અમેરિકન સેન્ટ્રલ બેન્ક હવે વ્યાજ દર વધારવાની ગતિ ધીમી પાડશે. આ શક્યતાને ગણતરીમાં લઈને ડૉલરમાં તેજીની આગેકૂચ અટકી ગઈ છે. અમેરિકામાં રિટેલ મોંઘવારીના આંકડા 10 નવેમ્બરે જાહેર થયા હતા અને ત્યારથી ડૉલર ઈન્ડેક્સમાં 3થી 4 ટકાનો ઘટાડો નોંધાયો છે.
નિષ્ણાતનો મત હવે, મુખ્ય સવાલ એ કે, દુનિયાભરમાં ચાંદીની માંગ વધી રહી છે અને સામે સપ્લાય ઓછો છે, તો શું ચાંદીની કિંમત વધશે? શું રોકાણ માટે ચાંદીમાં વર્તમાન ભાવે પૈસા નાખવા જોઈએ? તો આ અંગે ઈન્ડિયા ઈન્ફોલાઈનના અનુજ ગુપ્તાનું કહેવું છે કે, આગામી દિવસોમાં ચાંદીની ઈન્ડસ્ટ્રીયલ માંગ અને ઈન્વેસ્ટમેન્ટ માંગ વધવાની સંભાવના છે. વળી, અમેરિકામાં વ્યાજ દરમાં તીવ્ર વધારો થવાની શક્યતા નથી, એટલે અમેરિકન ડૉલર નબળો પડે તેવું લાગી રહ્યું છે. આ બંને પરિસ્થિતિ ચાંદીની કિંમતને ટેકો આપી શકે છે. ભારતીય બજારમાં ડિસેમ્બરના અંત સુધીમાં ચાંદીનો ભાવ 65,000 રૂપિયાએ પહોંચે તેવી શક્યતા છે. જોકે, મની નાઈનની સલાહ છે કે, ચાંદીમાં રોકાણ કરવાનો નિર્ણય લેતાં પહેલાં, પોતાના આર્થિક સલાહકાર સાથે ચર્ચા-વિચારણા કરી લેજો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો