MONEY9: શું પરિવારમાં જે વ્યક્તિ કમાતી હોય, માત્ર તેનો જ વીમો ઉતરાવવો જોઈએ? મોટા ભાગનાં લોકો આવું કરે છે, પરંતુ શું તમને ખબર છે? કે પોતાના ઈન્ડિવિજ્યુઅલ પ્લાનમાં જ તમે, પત્નીને પણ સામેલ કરી શકો છો. તમે જીવન વીમામાં જોઈન્ટ લાઈફ કવર હેઠળ પોતાની પત્નીનો પણ વીમો ઉતરાવી શકો છો.
જોઈન્ટ કવર જોઈન્ટ કવરમાં પતિ પોતાના લાઈફ કવરનું 50 ટકા સુધીનું કવર પત્ની માટે લઈ શકે છે. પરંતુ ધ્યાન રાખજો કે, પત્ની માટે મહત્તમ 50 લાખ રૂપિયાનું જ કવર મળશે. ધારો કે, પતિ પાસે 1 કરોડના સમ એશ્યોર્ડ વાળો વીમો હોય, તો તેની પત્નીને 50 લાખનું કવર મળશે. પરંતુ જો પતિના વીમાનો સમ એશ્યોર્ડ 2 કરોડ હશે, તોપણ તેની પત્નીને મહત્તમ 50 લાખ રૂપિયાનું જ કવર મળશે. મોટા ભાગની વીમા કંપનીઓ ગૃહિણીઓનાં વીમાને પતિના વીમા સાથે જોડીને પ્લાન ઈશ્યૂ કરે છે.
હાઉસવાઈફ ઈન્સ્યૉરન્સ અમુક વીમા કંપનીઓએ સ્ટેન્ડઅલોન હાઉસવાઈફ ઈન્સ્યૉરન્સ સ્કીમ પણ લૉન્ચ કરી છે. મેક્સ લાઈફ ઈન્સ્યૉરન્સ અને પૉલિસીબાઝારના આવા પ્લાનમાં પત્નીને 50 લાખ રૂપિયાનું કવર મળી શકે છે. તેના માટે પતિએ પૉલિસી ખરીદી હોય તે જરૂરી નથી. આવા વીમાનું પ્રીમિયમ 15થી 20 હજાર રૂપિયાથી શરૂ થાય છે, જેનો આધાર પૉલિસીધારકની ઉંમર અને વીમાના સમયગાળા પર રહેલો છે.
ડૉક્યુમેન્ટ્સ હાઉસવાઈફ ઈન્સ્યૉરન્સ પ્લાનમાં પતિના આવકના પુરાવા અને પત્નીના શિક્ષણના પુરાવા આપવા પડે છે. જેમકે, મેક્સ લાઈફ ઈન્સ્યૉરન્સ અને ટાટા AIAના ગૃહિણી વીમામાં પતિની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધારે હોવી જરૂરી છે જ્યારે પત્ની ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોય તે જરૂરી છે. ઈન્ડિયા ફર્સ્ટ વીમા કંપનીના પ્લાન માટે પતિની વાર્ષિક આવક 3 લાખ રૂપયાથી વધારે હોવી જરૂરી છે જ્યારે ગૃહિણી ઓછામાં ઓછી 10મું પાસ હોવી જોઈએ. HDFC લાઈફ ઈન્સ્યૉરન્સ જો પતિની આવક બે લાખ રૂપિયાથી વધુ હોય અને ગૃહિણી દસમું ધોરણ પાસ હોય તો જ, પ્લાન ઈશ્યૂ કરે છે.
એક્સપર્ટનો મત ઈન્સ્યોરિંગ ઈન્ડિયા ડોટ કોમના સ્થાપક સ્વામી શરણ શર્માનું કહેવું છે કે, જો પત્ની કમાઉ હોય તો, તેણે પોતાના માટે અલગથી જીવન વીમો ઉતરાવવો જોઈએ. પરંતુ મહિલા કમાતી ના હોય અને હાઉસવાઈફ હોય, તો ઈન્ડિવિજ્યુઅલ પ્લાન લેવાની જગ્યાએ પતિ-પત્નીએ જોઈન્ટ કવર લેવું જોઈએ. કારણ કે, એક જ કંપનીનો પ્લાન હોવાથી સિંગલ પૉલિસીને ઓપરેટ કરવામાં અને પ્રીમિયમની ચૂકવણી કરવામાં સરળતા રહેશે. એટલું જ નહીં, ઈન્ડિવિજ્યુઅલ પ્લાનની સરખામણીએ જોઈન્ટ કવર સસ્તું પણ પડશે, કારણ કે, વીમા સાથે જોડાયેલા તમામ એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ એક જ વખત ચૂકવવા પડશે, નહીંતર અલગ-અલગ પ્લાન ખરીદો તો બે વખત ચાર્જ ચૂકવવા પડે છે.
પ્રીમિયમની ગણતરી ધારો કે, 45 વર્ષની વ્યક્તિને 1 કરોડ સમ એશ્યોર્ડવાળો પ્લાન ખરીદવો હોય અને તે પૉલિસી ટર્મ 40 વર્ષ રાખે, તો નિવૃતિ સુધીના 12 વર્ષ તેણે વાર્ષિક 1 લાખ રૂપિયાનું પ્રીમિયમ ભરવું પડશે. આમાં, પત્ની માટે 50 લાખ રૂપિયાનું જોઈન્ટ કવર સામેલ કરીએ તો, પ્રીમિયમમાં 52,000 રૂપિયા ઉમેરવા પડશે. હવે, જો આ વ્યક્તિ પોતાની પત્ની માટે અલગથી 50 લાખનું કવર ખરીદવા જાય તો, તેના માટે 56 હજારથી 58 હજાર રૂપિયા પ્રીમિયમ ભરવું પડશે. એટલું જ નહીં, અલગથી પૉલિસી લીધી હશે તો, તેને ઓપરેટ કરવાની માથાકૂટ પણ વધી જશે.
પત્નીનો વીમો છે જરૂરી ઘર-પરિવારમાં મહિલા ભલે કમાવા માટે ના જતી હોય, પરંતુ અકાળે તેનું અવસાન થઈ જાય તો, પરિવારને બહુ મોટી ખોટ જાય છે અને ખર્ચ વધી જાય છે. જેમકે, બાળકોની સારસંભાળ રાખવા માટે પતિએ પોતાની કરિયર બદલવાનો વારો આવી શકે છે. ઘરની જે જવાબદારીઓનો બોજ પત્નીના માથે હતો, તે પતિના માથે આવી પડે છે, આવી સ્થિતિમાં જો હાઉસવાઈફ ઈન્સ્યૉરન્સ પ્લાન લીધો હશે, તો ઘણી મદદ અને રાહત મળી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો