Money9: અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પહેલા, સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ સોમવારે જવાબ એટલે કો રિજોઇન્ડર દાખલ કર્યો છે. જેમાં સેબીએ અદાણી ગ્રૂપની પ્રવૃત્તિઓ અંગે તમામ પ્રકારની સ્પષ્ટતા કરી છે. રેગ્યુલેટર દ્વારા સુપ્રીમ કોર્ટને કહેવામાં આવ્યું છે કે 2016થી અદાણી જૂથની તપાસના દાવા સંપૂર્ણપણે પાયાવિહોણા છે. સેબી દ્વારા કોર્ટમાં કરવામાં આવેલી એફિડેવિટ મુજબ, 2016ના સમયગાળા દરમિયાન સેબીએ જે 51 કંપનીઓની તપાસ કરી હતી તેમાં અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓમાંથી કોઇપણ કંપનીનો સમાવેશ થતો નથી.
51 ફર્મની તપાસમાં અદાણીની કંપનીઓ સામેલ નથી
સેબી તરફથી સ્પષ્ટતા કરીને કહેવામાં આવ્યું કે 2016થી જે 51 કંપનીઓની તપાસ કરવામાં આવી હતી, આ તપાસ આ લિસ્ટેડ કંપનીઓ દ્વારા ગ્લોબલ ડિપોઝિટરી રિસિપ્ટ્સ (GDR) બહાર પાડવા સાથે સંબંધિત છે, તેમાંથી એકપણ કંપની અદાણી ગ્રુપની લિસ્ટેડ કંપની નથી. આનાથી સ્પષ્ટ થાય છે કે અદાણી ગ્રૂપની કોઈપણ કંપની સામે તપાસ પેન્ડિંગ કે પૂરી થવાની વાત પાયાવિહોણી છે. આ ઉપરાંત, હિંડનબર્ગ રિપોર્ટમાં જે 12 શંકાસ્પદ વ્યવહારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સીધાસાદા નથી પરંતુ ખૂબ જટિલ કક્ષાના છે અને આ ટ્રાન્ઝેક્શન્સ વિશ્વના ઘણા દેશોમાં કામ કરતી કંપનીઓ સાથે સંબંધિત છે.
12 ટ્રાન્ઝેક્શન સાથે સંકળાયેલા કેસની તપાસ
માર્કેટ રેગ્યુલેટરે કહ્યું કે આ તમામ 12 ટ્રાન્ઝેક્શન સંબંધિત ડેટાની તપાસ કરવામાં અને પરિણામો સુધી પહોંચવામાં લાંબો સમય લાગશે. મહત્વનું છે કે આ કેસની તપાસ માટે સેબીએ સુપ્રીમ કોર્ટ પાસે વધારાનો સમય માંગ્યો છે. જેની પાછળનો હેતુ સમજાવતા નિયમનકારે કહ્યું કે રોકાણકારોની સુરક્ષા અને માર્કેટની સાથે ન્યાય કરવા માટે આ જરૂરી છે.
11 વિદેશી નિયમનકારોના સંપર્કમાં છે સેબી
રોઇટર્સ અનુસાર, એફિડેવિટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે અબજોપતિ ગૌતમ અદાણીની આગેવાની હેઠળના ગ્રુપ દ્વારા રેગ્યુલેટરી ડિસ્ક્લોઝરની સંભવિત ખામીઓની તપાસના કોઇપણ ખોટા અથવા સમયથી પહેલા કાઢવામાં આવેલા તારણો ન્યાયના હિતમાં નહીં હોય અને કાયદાકીય રીતે અસ્થિર હશે. કોર્ટ ફાઈલિંગમાં, સેબીએ જણાવ્યું હતું કે તેણે અગાઉથી જ 11 વિદેશી રેગ્યુલેટર્સનો આ અંગે જાણકારી પૂરી પાડવા સંપર્ક કર્યો છે. શું અદાણી જૂથે પોતાના સાર્વજનિક રીતે ઉપલબ્ધ શેર અંગે કોઇ ધારા-ધોરણોનું ઉલ્લંઘન કર્યું છે કે કેમ તે અંગે પણ માહિતી માંગવામાં આવી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો