Money9 Gujarati:
ભારતની બેન્કોને અબજો રૂપિયાનો ચુનો ચોપડીને વિદેશ ભાગી ગયેલા ગુજરાતનાં બિઝનેસમેને ફરી ચર્ચા જગાવી છે. વડોદરામાં સ્ટર્લિંગ બાયોટેક કંપની સ્થાપીને બેન્કો પાસેથી કરોડની લોન મેળવીને રફૂચક્કર થઈ ગયેલા ચાર ગુજરાતી – નીતિન જયંતીલાલ સાંડેસરા, ચેતનકુમાર જયંતીલાલ સાંડેસરા, દીપ્તિ ચેતન સાંડેસરા અને હિતેશકુમાર નરેન્દ્ર પટેલ) પૈકી સાંડેસરા બંધુ નાઈજિરીયામાં બિઝનેસ ટાયકૂન બનીને જલસા કરી રહ્યાં છે. ભારતમાં ક્રિમિનલનું લેબલ ધરાવતા સાંડેસરા બંધુ આફ્રિકામાં ઓઈલ-ગેસ ક્ષેત્રે કાઠું કાઢી રહ્યાં છે. આફ્રિકામાં ક્રૂડનું સૌથી વધુ ઉત્પાદન કરતાં નાઈજિરીયામાં સાંડેસરા બંધુએ સૌથી મોટી સ્વતંત્ર ઓઈલ કંપની ઊભી કરી દીધી છે, એવા અહેવાલ મીડિયામાં વહેતા થયા છે.
ક્રૂડનો કરોડોનો કારોબારઃ
નાઈજિરાયાની સરકારે ક્રૂડનો અપાર ભંડાર ધરાવતા Niger Delta (નાઈજર ડેલ્ટા) ક્ષેત્રમાં 1 અબજ બેરલ ઓઈલની શોધ કરીને ઉજવણી કરી હતી. અબજો ડૉલરનું મૂલ્ય ધરાવતા આ પ્રોજેક્ટને ડેવલપ કરવા માટે નાઈજિરીયાની સરકારે સાંડેસરા બંધુની સ્ટર્લિંગ ઓઈલ કંપની સાથે હાથ મિલાવ્યા હતા. સાંડેસરા બંધુએ આંતરરાષ્ટ્રીય ઓઈલ કંપનીઓ સાથે પણ ભાગીદારી કરી છે. નાઈજિરીયાના નવા ચૂંટાયેલા પ્રમુખ બોલો ટીનુબુ (Bola Tinubu) સાથે તેમના સારા સંબંધ હોવાથી ત્યાંની સરકારે ભારતની વિનંતી ફગાવી દીધી હતી.
ભારતમાં ક્રિમિનલઃ
ભારતે આ બંને ભાઈને ક્રિમિનલ ઠેરવ્યા છે અને તેમની સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. ભારતે નાઈજિરીયાની સરકારને સાંડેસરા બંધુ ભારતને સોંપી દેવાની પ્રત્યાર્પણની અરજી કરી હતી, જેને નાઈજિરાયીની સરકારે નકારીને તેમને ભારતને સુપરત કરવાનો પણ ઈન્કાર કર્યો હતો. સાંડેસરા બંધુએ બેન્કો સાથે છેતરપિંડીના આરોપો ફગાવી દીધા છે. બંને ભાઈ સામે છેતરપિંડીના આરોપો છે અને બિનજામીનપાત્ર વોરંટ નીકળેલો છે. એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટરેટ (ED)એ સાંડેસરસની માલિકીની Rs 9,700 કરોડથી વધુની મિલકતો જપ્ત કરી છે.
દૈનિક 50,000 બેરલનું ઉત્પાદનઃ
વર્ષ 2017માં રૂ. 14,000 કરોડથી વધુના બેંક લેણા બાકી રાખી નાસી છુટેલા સાંડેસરા પરિવારે નાઈજિરીયામાં વિશાળ સામ્રાજય ઊભું કર્યું છે. તેઓ નાઈજિરીયાના રાજકીય નેતાઓ સાથે ઘરોબો કેળવીને ક્રૂડનો કરોડોનો કારોબાર કરી રહ્યાં છે. સાંડેસરા બંધુ (નીતિન અને ચેતનકુમાર) નાઈજિરીયામાં ઓઈલ ટાયકૂન બની ગયા છે. આ દેશમાં તેમની કંપની સ્ટર્લિંગ ઓઈલ એક્સપ્લોરેઝન એન્ડ પ્રોડક્શન કો. અને સ્ટર્લિંગ ગ્લોબલ ઓઈલ રિસોર્સિસ લિમિટેડ દરરોજ 50,000 બેરલ ક્રૂડ કાઢે છે. સાંડેસરા પરિવારના નાઈજિરીયાના ઓઈલ અને ગેસ બિઝનેસનું સ્લોગન છે “Success is Natural”. સાંડેસરા પરિવાર નાઈજિરીયાની સરકારી કંપની નાઈજિરીયન નેશનલ પેટ્રોલિયમ કો. સાથે ભાગીદારી કરી છે. તેઓ વધુ એક બ્લોકમાં ઓઈલ-ગેસનો કોન્ટ્રાક્ટ મેળવવાની તૈયારીમાં છે અને દૈનિક ઉત્પાદન 1,00,000 બેરલે પહોંચાડવાની કવાયત કરી રહ્યાં છે.
વડોદરા અને અમદાવાદમાં બિઝનેસઃ સાંડેસરા બંધુએ વડોદરા અને અમદાવાદમાં ફાર્માસ્યુટિકલ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રમાં મોટું સામ્રાજય બનાવ્યું હતું અને બેંકો પાસેથી અંદાજે ધીમે ધીમે કરીને રૂ. 14,000 કરોડથી પણ વધારે રકમની લોન લીધી હતી. સાંડેસરા બંધુને લોન આપનારી બેન્કોમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, બેંક ઓફ બરોડા અને યુનિયન બેંક વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં સાંડેસરા બંધુએ વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું હતું અને અગ્રણી બિઝનેસ ટાયકુન તરીકે નામના મેળવી હતી. તેમણે સંપત્તિ સહિતની જાહોજહાલી ઊભી કરી હતી. તેમની પાસે પોતાનું જેટ વિમાન, લક્ઝ્યુરિયસ ગાડીઓનો કાફલો તથા 60,000 ચોરસ ફૂટનું ફાર્મહાઉસ હતું.
સ્ટર્લિંગ ગ્રૂપમાં ગોટાળોઃ સ્ટર્લિંગ ગ્રુપના નામથી તેઓ જાણીતા હતા પરંતુ અચાનક જ તેમના બિઝનેસમાં જંગી ગોટાળો કરીને બાદમાં તેઓ બેંકોના નાણા બાકી રાખી ભારત છોડી નાસી ગયા હતા અને નાઈજિરીયા પહોંચી ગયા હતા. નાઈજિરીયામાં સાંડેસરા બંધુએ સરકારી અધિકારીઓ અને રાજકારણીઓ સાથે હાથ મિલાવ્યા હતા. નાઈજિરીયન સરકારે હાઈડ્રોકાર્બન ક્ષેત્રે પોતાના દેશને આગળ લઈ જવાની જે નીતિ બનાવી હતી તેમાં નીતીન અને ચેતન સાંડેસરા બંધુની ભૂમિકા મહત્ત્વની રહી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો