MONEY9: એક અમેરિકન ડૉલર બરાબર 80 રૂપિયા થઈ ગયા છે. ડૉલર સામે ભારતીય રૂપિયો ચાલુ વર્ષમાં લગભગ 7 ટકા તૂટ્યો છે. રૂપિયાના આ ધરખમ ઘટાડાને કારણે સામાન્ય જનતાથી લઈને મોટી-મોટી કંપનીઓ પરેશાન છે. રૂપિયાનો ઘટાડો અટકાવવા માટે રિઝર્વ બેન્કના પ્રયાસો વામણા પુરવાર થઈ રહ્યાં છે. રૂપિયો શા માટે તૂટી રહ્યો છે અને તેનાથી સામાન્ય જનતા પર કેટલી ગંભીર અસર પડી રહી છે તે સમજીએ.
પરિવહન ખર્ચ પર અસર અમરેલીમાં માલસામાનની હેરફેર કરતાં હરિભાઈએ ટેમ્પોના ભાડાં વધારી દીધા છે. શા માટે વધાર્યાં ભાડાં? કારણ કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધી ગયા. તો, પેટ્રોલ-ડીઝલ કેમ મોંઘા થયા? કારણ કે, ક્રૂડ ઓઈલ મોંઘું થયું અને ઓછામાં પૂરું નબળા રૂપિયાએ દાઝ્યા પર ડામ દેવાની ભૂમિકા ભજવી, કારણ કે, 1 બેરલ કાચું તેલ આયાત કરવા માટે હવે આપણે અગાઉ કરતાં વધારે પૈસા ખર્ચવા પડે છે. એટલે કે ક્રૂડ ઓઈલની આયાતી મોંઘવારી ખેલ બગાડી રહી છે.
મોંઘવારીની આગમાં હોમાયું ઘી રૂપિયો ઘસાયો તેની સાથે સાથે ભારતનાં તમામ નાગરિકો મોંઘવારીમાં પિસાયા છે. પછી તે, ટેમ્પોનો માલિક હોય કે પબ્લિક બસનો મુસાફર, કાર લઈને ઑફિસે જતો શહેરીજન હોય કે બાઈક લઈને આંટો મારવા નીકળતો કોલેજિયન.
આયાતી મોંઘવારી વધી બીજો એક દાખલો લઈએ. અમદાવાદમાં વીમા પૉલિસી વેચવાનું કામ કરતો મહેશ બે મહિના પહેલાં બાઈક ખરીદવાનો હતો, પરંતુ 80થી 90 હજાર રૂપિયામાં મળતી બાઈક સવા લાખ રૂપિયાની થઈ જતાં, તેનો ઉત્સાહ જ ઓસરી ગયો. મહેશનું આ સપનું હકીકતમાં ના ફેરવાયું તેની પાછળ પણ નબળો રૂપિયો જ જવાબદાર છે, કારણ કે સ્ટીલ, કોલસો, આયાતી સ્પેરપાર્ટ્સ મોંઘા થયા એટલે જ તો કાર અને બાઈક બનાવતી કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી.
ભારત કરે છે 60 ટકા આયાત આમ, સ્પષ્ટ વાત એટલી જ છે કે, ભારતમાં મોંઘવારી વધી તેની પાછળ 60 ટકા યોગદાન દરિયાઈ માર્ગે ભારતનાં કાંઠે પહોંચતી આયાતી મોંઘવારીનું છે. આપણે કાચા તેલથી લઈને ઈલેક્ટ્રોનિક્સ, સોનું, ચાંદી, કેમિકલ વગેરે માલસામાનની મોટા પાયે આયાત કરીએ છીએ અને આ બધું જ મોંઘું થઈ રહ્યું છે.
સરકારનો બોજ પણ વધ્યો મોંઘવારી અમીર-ગરીબનો ભેદ નથી કરતી, તે બધા પર સરખો જ પ્રહાર કરે છે. પછી તે ફર્ટિલાઈઝરના ઊંચા ભાવ સ્વરૂપે સરકારને પણ નથી છોડતી કારણ કે, સરકારે સબસિડીનો બોજ વેઠવો પડે છે અને આપણા જેવા લોકોને પણ નથી છોડતી, કારણ કે આપણે મોંઘા પેટ્રોલ-ડીઝલનો માર વેઠવો પડે છે.
વિદેશમાં ફરવું, ભણવું પણ થયું મોંઘું નબળો રૂપિયો માત્ર ભારતમાં વસતા લોકોને જ કનડે છે એવું નથી, પરંતુ વિદેશમાં ફરવા કે ભણવા જતાં કે પછી સારવાર માટે જતાં લોકોએ પણ નબળા રૂપિયાને કારણે ખિસ્સા ખાલી કરવા પડે છે. કેમ? કારણ કે, ડોલરમાં પેમેન્ટ કરવું પડે છે અને ડોલર તો મોંઘો થઈ રહ્યો છે. આવા લોકોની સંખ્યા ભલે ઓછી હોય, પરંતુ નબળો રૂપિયો તેમનું પણ તેલ કાઢી રહ્યો છે. આમ, ભારતીય રૂપિયો જેટલો ઘસાતો જશે, જનતા એટલી જ પીસાતી જશે, તે વાત નક્કી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો