Money9 Gujarati:
મોંઘવારીના મોરચે રાહતનાં સમાચાર છે. મે મહિનામાં છૂટક મોંઘવારીનો દર ફરી ઘટ્યો છે. તાજા સરકારી આંકડા અનુસાર, મે મહિનામાં કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ફ્લેશન (CPI) આધારિત ફુગાવાનો દર 4.25 ટકા રહ્યો છે, જે છેલ્લાં 25 મહિનાનું સૌથી નીચલું સ્તર છે. એપ્રિલમાં રિટેલ ફુગાવો 4.70 ટકા રહ્યો હતો જ્યારે 2022ના મે મહિનામાં 7.04 ટકા હતો. ખાદ્ય મોંઘવારીનો દર પણ ઘટીને 2.91 ટકા થયો છે જ્યારે ગ્રામ્ય ફુગાવો 4.17 ટકા અને શહેરી ફુગાવો 4.27 ટકા નોંધવામાં આવ્યો છે.
ફુગાવામાં ઘટાડાનું મુખ્ય કારણ ફુગાવાને નીચે લઈ જવામાં ફરીવાર સાનુકૂળ બેઝ ઈફેક્ટે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. માસિક ધોરણે ફુગાવાજન્ય મોમેન્ટમમાં ઘટાડો થવાની જગ્યાએ સાનુકૂળ બેઝ ઈફેક્ટને કારણે છેલ્લાં કેટલાક મહિનાથી ફુગાવામાં તીવ્ર ઘટાડો થઈ રહ્યો છે. રિઝર્વ બેન્કે ફુગાવા માટે 2 ટકાથી 6 ટકાની એક રેન્જ નક્કી કરી છે અને સતત ત્રીજા મહિને ફુગાવો આ રેન્જની અંદર રહ્યો છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં CPI ફુગાવો 2.27 ટકા ઘટ્યો છે, છતાં RBIએ નક્કી કરેલાં 4 ટકાના મીડિયમ-ટર્મ ટાર્ગેટની ઉપર રહ્યો છે. રિટેલ ફુગાવો સતત 44 મહિનાથી 4 ટકાની ઉપર ચાલી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે LPG અને કેરોસીનની કિંમત ઘટવાથી મે મહિનામાં ફ્યુઅલ ઈન્ફ્લેશનમાં ઘટાડો થયો હતો.
માસિક ધોરણે ભાવમાં વધારો થયો છે, કારણ કે, એપ્રિલની તુલનાએ મેમાં CPIનો જનરલ ઈન્ડેક્સ 0.5 ટકા વધારે રહ્યો છે જ્યારે કન્ઝ્યુમર ફૂડ પ્રાઈસ ઈન્ડેક્સ 0.7 ટકા વધ્યો છે.
ખાદ્ય મોંઘવારી CPIમાં સામેલ ફૂડ બાસ્કેટની વાત કરીએ તો, ખાદ્ય તેલનો ઈન્ડેક્સ 2.8 ટકા, ફળફળાદિ 2.3 ટકા જ્યારે અનાજ 0.1 ટકા ઘટ્યા છે. જોકે, શાકભાજીની કિંમત 3.3 ટકા વધી છે જ્યારે માંસ અને માછલાની કિંમત 2.3 ટકા અને ઈંડાની કિંમત 2.2 ટકા વધી છે. CPIમાં ફૂડ બાસ્કેટનું વેઈટેજ સૌથી વધુ 42 ટકા છે. તેલનો ફુગાવો 16.01 ટકા ઘટ્યો છે જ્યારે શાકભાજીનો ફુગાવાનો દર 8.18 ટકા ઘટ્યો છે. જોકે, મસાલાની મોંઘવારીનો દર 17.90 ટકા જેટલા ઊંચા સ્તરે છે જ્યારે કઠોળનો ફુગાવો 6.56 ટકાના સ્તરે અને દૂધ તથા દૂધનાં ઉત્પાદનોનો ફુગાવો 8.91 ટકાના ઊંચા સ્તરે છે.
અર્થશાસ્ત્રીઓ જણાવે છે કે, હજુ જુલાઈ સુધી ફુગાવાને સાનુકૂળ બેઝ ઈફેક્ટનો સહારો મળતો રહેશે, પરંતુ ત્યારબાદ ફુગાવો ફરી 5 ટકાની ઉપર જવાની શક્યતા છે. આ વખતે અલ નીનોનો ખતરો તોળાઈ રહ્યો છે અને જો સામાન્યથી ઓછો વરસાદ થશે તો, ખાદ્ય મોંઘવારી વધવાનું શરૂ થઈ શકે છે. રિઝર્વ બેન્કે પણ ત્રીજા ક્વાર્ટરથી ફુગાવો વધવાની શક્યતા વ્યક્ત કરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો