Money9 Gujarati:
રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિ. (Reliance Consumer Products Limited/RCPL)એ લોટસ ચોકલેટ કંપની લિ. (Lotus Chocolate Company Limited)નો સંપૂર્ણ હિસ્સો ખરીદવાના સોદાની પ્રક્રિયા પૂરી કરી છે. RCPL એક FMCG કંપની છે, જેની સંપૂર્ણ માલિકી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) પાસે છે અને RCPLએ રૂ.74 કરોડ ચૂકવીને લોટસ ચોકલેટનો 51 ટકા હિસ્સો ખરીદ્યો છે. આ અંગે કંપનીએ અખબારી નિવેદનમાં જણાવ્યું છે કે, એકંદરે રૂ.25 કરોડમાં લોટસના નોન-ક્યુમિલેટિવ રિડીમેબલ પ્રેફરન્સ શેર સબ્સ્ક્રાઇબ કર્યા છે. RCPLએ સેબીના ટેકઓવર રેગ્યુલેશન્સ હેઠળ કરવામાં આવેલી ઓપન ઓફરને અનુસરીને ઇક્વિટી શેરનું સંપાદન પૂર્ણ કર્યું છે. કંપનીએ 24 મે 2023થી લોટસ ચોકલેટ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું છે.
લોટસના શેરમાં તેજીઃ
લોટસ ચોકલેટનો શેર 25 મે-2023ના રોજ 1.82 ટકા વધીને રૂ.148એ બંધ રહ્યો હતો. રિલાયન્સે ડિસેમ્બર 2022માં લોટસ ચોકલેટ સાથે સોદો કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત બાદ લોટસ ચોકલેટના શેરમાં જબરજસ્ત તેજી આવી હતી. સતત ઘણા દિવસ સુધી તેમાં અપર સર્કિટ વાગી હતી અને 9 ફેબ્રુઆરી-2023એ શેરની કિંમત રૂ.480.45ના સ્તરે પહોંચી ગઈ હતી. આ સ્તર તેનું 52-સપ્તાહનું સૌથી ઊંચું સ્તર હતું. જોકે, ત્યારબાદ શેરમાં આવેલો તેજીનો ઊભરો શમી ગયો હતો અને અત્યારે કિંમત 150 રૂપિયાની અંદર પહોંચી છે.
સોદાની વિગતઃ
રિલાયન્સે કરેલા રૂ.74 કરોડના સોદામાં લોટસ ચોકલેટના 65,48,935 શેર રૂ.113ના ભાવે ખરીદ્યા હતા. આ સોદાના ડૉક્યુમેન્ટ્સ પર રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ, લોટસ ચોકલેટ કંપની અને પ્રકાશ પી પાઈ, અનંત પી પાઈ તથા લોટસના પ્રમોટર ગ્રૂપના અન્ય સભ્યોના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. સોદો કરતી વખતે રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે જણાવ્યું હતું કે, લોટસ ચોકલેટનો 51 ટકા હિસ્સો રૂ.74 કરોડમાં ખરીદવામાં આવશે અને વધુ 26 ટકા હિસ્સો ખરીદવા માટે ઓપન ઓફર કરવામાં આવશે. રિલાયન્સને હિસ્સો વેચવાથી લોટસ ચોકલેટને કમ્પ્રેહેન્સિવ કન્ફેક્શનરી કોકો, ચોકલેટ ડેરિવેટિવ્સ અને સંબંધિત પ્રોડક્ટ્સનું મેન્યુફેક્ચરિંગ કરીને વૃદ્ધિ હાંસલ કરવામાં મદદ મળશે.
રિલાયન્સનો કારોબારઃ
રિલાયન્સ રિટેલ વેન્ચર્સ કુલ 18,040 સ્ટોર્સ મારફતે ગ્રોસરી, કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, ફેશન, લાઈફસ્ટાઈલ અને ફાર્મા પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. આ સિવાય તે ડિજિટલ કોમર્સ પ્લેટફોર્મની ઓમ્ની-ચેનલ નેટવર્કનું પણ સંચાલન કરે છે. માર્ચ-2023માં પૂરા થયેલા વર્ષમાં કંપનીએ રૂ.2.6 લાખ કરોડનો બિઝનેસ કર્યો હતો અને 9,181 કરોડ રૂપિયાનો નફો નોંધાવ્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો