દરેક યૂઝરે આપવા પડશે પૈસા
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Xના તમામ યૂઝર્સે ભવિષ્યમાં ટ્વિટરના ઉપયોગ માટે દર મહિને પૈસા ચૂકવવા પડશે, પછી ભલે યૂઝરનું એકાઉન્ટ વેરિફાઇ હોય કે ન હોય. અત્યાર સુધી X દર મહિને ફક્ત તે જ વપરાશકર્તાઓ પાસેથી પૈસા વસૂલે છે જેમનું એકાઉન્ટ વેરિફાઈડ છે. એક્સના માલિક એલોન મસ્કએ કહ્યું છે કે તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નકલી એકાઉન્ટ્સને દૂર કરવા માટે દર મહિને યૂઝર્સ પાસેથી ચાર્જ વસૂલશે, જો કે નોન-વેરિફાઈડ યુઝર્સ પાસેથી એટલા પૈસા નહીં લેવામાં આવે જેટલા અત્યાર સુધી વેરિફાઈડ યુઝર્સ પાસેથી વસૂલવામાં આવે છે.
બચતો 50 વર્ષના તળિયે
ભારતીય પરિવારોની નાણાકીય બચત જીડીપીની તુલનામાં 2022-23માં ઘટીને 50 વર્ષની નીચલી સપાટી 5.1 ટકા પર આવી ગઈ છે. રૂપિયામાં આ બચત 13.77 લાખ કરોડ રૂપિયા છે. આરબીઆઈના ડેટા અનુસાર, 2021-22માં પરિવારોની નાણાકીય બચત 7.2 ટકા અથવા 16.96 લાખ કરોડ રૂપિયા હતી. કોરોના દરમિયાન 2020-21માં તે 11.5 ટકા એટલે કે 22.8 લાખ કરોડ અને 2019-20માં 8.1 ટકા હતી. તો આ સમયગાળા દરમિયાન ભારતીય પરિવારો પર નાણાકીય જવાબદારીઓનો બોજ પણ વધ્યો છે. 2022-23માં પરિવારોની નાણાકીય જવાબદારીઓ જીડીપીની તુલનામાં વધીને 5.8 ટકા પર પહોંચી ગઇ, જ્યારે 2021-22માં આ આંકડો 3.8 ટકા હતો. આનો અર્થ એ થયો કે વપરાશનો કેટલોક હિસ્સો દેવું કરીને પૂરો કરવામાં આવતો હતો.
કોર્ટ કેસોનો ઝડપી નિકાલ થશે
હવે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIનો ઉપયોગ કોર્ટ કેસના ઉકેલમાં પણ થશે. કેન્દ્ર સરકાર દેશની વિવિધ ગ્રાહક અદાલતોમાં પડતર કેસોને ઘટાડવા માટે તેના ઉપયોગ પર કામ કરી રહી છે. ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યું છે કે જેમ જેમ AI નો વ્યાપ ઝડપથી વિસ્તરી રહ્યો છે, મંત્રાલય નેશનલ, સ્ટેટ અને ડિસ્ટ્રીક્ટ કન્ઝ્યુમર કમિશનમાં પેંડિંગ બાબતોને ઘટાડવા માટે તેની સુવિધાઓનો ઉપયોગ કરવા પર કામ કરી રહ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે કન્ઝ્યુમર કમિશનમાં દાખલ થયેલા કેસોનું AI દ્વારા વિશ્લેષણ કરવામાં આવશે અને તેની સમરી તૈયાર કરવામાં આવશે. કેસના સમાધાન માટે AI દ્વારા કેટલાક અન્ય પગલાં પણ લેવામાં આવશે.
ભારતીય જીડીપીની ઝડપી ગતિ
એક તરફ વિશ્વ અર્થવ્યવસ્થામાં સતત ઘટાડાના સંકેતો દેખાઇ રહ્યા છે, તો બીજી તરફ ભારતીય જીડીપી વિકાસના માર્ગ પર સૌથી ઝડપી ગતિએ વધી રહી છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન એટલે કે OECD દ્વારા બહાર પાડવામાં આવેલા રિપોર્ટ અનુસાર, ભારતનો વિકાસ દર 2023માં 6.3 ટકા અને 2024માં 6 ટકા રહેવાનો અંદાજ છે. વિશ્વના અન્ય દેશોની સરખામણીમાં આ સૌથી વધુ છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક અર્થતંત્રનો વિકાસ દર અનુક્રમે 3 ટકા અને 2.7 ટકા રહેવાનો અંદાજ છે. G-20માં સામેલ વિકસિત દેશોની અર્થવ્યવસ્થાનો વિકાસદર 2023માં 1.5 ટકા અને 2024માં 1.2 ટકા રહી શકે છે.
HDFC બેંકના MDનો કાર્યકાળ લંબાવાયો
દેશની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક HDFC બેંકના CEO અને MD શશિધર જગદીશન આગામી ત્રણ વર્ષ સુધી આ પદ પર રહેશે. RBIએ તેમનો કાર્યકાળ આગામી 3 વર્ષ માટે લંબાવ્યો છે. બેન્કિંગ રેગ્યુલેટર આરબીઆઈએ તેમનો કાર્યકાળ ત્રણ વર્ષ લંબાવતા તેમને ફરીથી સીઈઓ અને એમડીના પદ પર રી-એપોઇન્ટમેન્ટને મંજૂરી આપી છે. મહત્વનું છે કે 26 ઓક્ટોબર 2023ના રોજ તેમનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો હતો, પરંતુ હવે આરબીઆઈએ તેમની પુનઃનિયુક્તિને મંજૂરી આપી દીધી છે.
સોનાનું આકર્ષણ ફરી વધ્યું
સોનામાં રોકાણકારોનું આકર્ષણ ફરી વધવા લાગ્યું છે… ઓગસ્ટ મહિનામાં ગોલ્ડ ETFમાં રૂ. 1028 કરોડનું રોકાણ આવ્યું છે… છેલ્લા 16 મહિનામાં આ સર્વોચ્ચ સ્તર છે… આ પહેલા સળંગ ત્રણ ક્વાર્ટરથી ગોલ્ડ ETFમાં વેચવાલી થઇ રહી હતી. માર્ચ ક્વાર્ટરમાં તેમાં રૂ. 1243 કરોડ… ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 320 અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 165 કરોડનો ઉપાડ થયો હતો… અમેરિકામાં વ્યાજદરમાં વધારાને કારણે આર્થિક વિકાસની ગતિ ધીમી પડી રહી છે. જેના કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ માટે સોનામાં રોકાણ વધારી રહ્યા છે.
આ કંપની લાવશે સીએનજી બાઇક
બજાજ ઓટો સીએનજી ઇંધણ પર ચાલતી એન્ટ્રી-લેવલ મોટરસાઇકલ લોન્ચ કરી શકે છે. કંપનીના એમડી બજાજે આ પ્રકારનો સંકેત આપ્યો છે. તેમનું કહેવું છે કે સીએનજી મોટરબાઈક ખરીદી અને ઈંધણ એમ બંને રીતે સસ્તી હશે. તે એવા બાયર્સને આકર્ષી શકે છે જેઓને હાઇ પેટ્રોલ પ્રાઇસ એફોર્ડ નથી કરી શકતા. રાજીવ બજાજે જણાવ્યું હતું કે CNG બાઇકમાં સલામતી, રેન્જ, ચાર્જિંગ અને બેટરી લાઇફ અંગે કોઇ ચિંતા રહેશે નહીં. આવી બાઇક ગ્રાહકો માટે પણ ઘણી સારી રહેશે. આનાથી ફ્યૂઅલ કોસ્ટ ખર્ચમાં 50% સુધીનો ઘટાડો થઈ શકે છે. જો બજાજ આ યોજના અમલમાં મૂકે છે, તો તે સંપૂર્ણ રીતે CNG મોટરસાઇકલ બનાવનારી ભારતની પ્રથમ કંપની હશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો