MONEY9: ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા માટેના કૉર્પોરેટ રિઝલ્ટ્સ જાહેર થઈ ગયા છે. કૉર્પોરેટજગતે અંદાજ કરતાં નબળાં પરિણામ જાહેર કર્યાં છે. કંપનીઓની બેલેન્સ શીટ પર મોંઘવારીની અસર સ્પષ્ટપણે જોવા મળી છે. ખર્ચ વધ્યો હોવાથી કંપનીઓનો કાર્યકારી નફો અને નફાનો વૃદ્ધિદર ઘટ્યો છે અને સપ્ટેમ્બર 2020 પછીના સૌથી ખરાબ સ્તરે પહોંચ્યો છે. જોકે, કંપનઓએ વધેલા ખર્ચનો બોજો ગ્રાહકો પર નાખીને રેવન્યુ ગ્રોથના મોરચે સારું પ્રદર્શન કર્યું છે.
47% કંપનીના પરિણામ અંદાજથી સારાં રહ્યાં નિફ્ટીની મુખ્ય કંપનીઓ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટાટા મોટર્સ, BPCL, SBI, HDFC લિમિટેડે પ્રથમ ક્વાર્ટરમાં અંદાજ કરતાં નબળા પરિણામ જાહેર કર્યાં છે. 47 ટકા કંપનીના પરિણામ અંદાજ કરતાં સારા રહ્યાં છે જ્યારે 32 ટકા કંપનીએ અંદાજ કરતાં નબળાં પરિણામ આપ્યા છે. તો વળી, 21 ટકા કંપની અંદાજ પૂરો કરવામાં ખરી ઉતરી છે.
BFSIએ આપ્યું મહત્તમ યોગદાન ગયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરની જેમ ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં પણ BFSI સેગમેન્ટની કંપનીઓની ક્રેડિટ કોસ્ટ ઘટી છે, એટલે કૉર્પોરેટજગતનો પ્રૉફિટ ગ્રોથ ઉપર લઈ જવામાં તેમણે મહત્તમ યોગદાન આપ્યું છે. કંપનીઓના પ્રોફિટ-ગ્રોથમાં 99 ટકા યોગદાન બેન્કિંગ અને ફાયનાન્સિયલ સેક્ટરની કંપનીઓનું રહ્યું છે. જોકે, તમામ કંપનીઓના કુલ નફામાં આ બંને સેક્ટરની કંપનીઓનો હિસ્સો માત્ર 33 ટકા છે.
ઓઈલ-ગેસ સેક્ટરનું પ્રદર્શન ઓઈલ-ગેસ સેક્ટરની કંપનીઓના નફામાં ગાબડાં પડ્યા છે અને તેમનો નફો ઘટવાથી સમગ્ર કૉર્પોરેટજગતના ત્રિમાસિક પરિણામ પર સૌથી ખરાબ અસર પડી છે. પેટ્રોલ-ડીઝલ પર અંડર-રિકવરી હોવાથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ ખોટ ખાધી છે અને ઓઈલ-ગેસ કંપનીઓના નફા પર દબાણ સર્જાયું છે. પરિણામે, કૉર્પોરેટ જગતનો કાર્યકારી નફો અને નફાનો વૃદ્ધિદર સપ્ટેમ્બર 2020 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે.
ઑપરેટિંગ માર્જિન પર દબાણ કંપનીઓના ઑપરેટિંગ માર્જિન 14.4 ટકા રહેવાનો અંદાજ હતો, પરંતુ કોમોડિટી મોંઘી થવાથી અને એનર્જી કૉસ્ટ વધવાથી તમામ સેક્ટરની કંપનીઓનાં માર્જિન પર અસર પડી અને ઓપરેટિંગ માર્જિન 4.9 ટકા ઘટીને 14.2 ટકા થઈ ગયા.
કયું સેક્ટર ચમક્યું સેક્ટર પ્રમાણે જોઈએ તો, 20માંથી 14 સેક્ટરની કંપનીઓએ અંદાજ મુજબ અથવા તો અંદાજ કરતાં સારા પરિણામ જાહેર કર્યાં છે. કન્ઝ્યુમર, મેટલ, સિમેન્ટ સેક્ટરની કંપનીઓએ અંદાજ કરતાં સારા પરિણામ આપ્યા જ્યારે ઓઈલ-ગેસ સેક્ટરની કંપનીઓએ નિરાશ કર્યાં. મેટલ, હેલ્થકેર, સિમેન્ટ કંપનીઓનો નફો ઘટ્યો જ્યારે આઈટી સેક્ટરની કંપનીઓનો નફો ફ્લેટ રહ્યો.
મોંઘી કોમોડિટી, એનર્જી કૉસ્ટ નડ્યા લગભગ તમામ કંપનીઓને કોમોડિટીની મોંઘવારી અને ઊંચી એનર્જી કોસ્ટ નડી છે અને તેમના માર્જિન સંકોચાયા છે. મુખ્ય 14 સેક્ટરમાંથી 11 સેક્ટરની કંપનીઓના ઓપરેટિંગ માર્જિન ઘટ્યા છે. સૌથી વધુ અઢી ટકા ઘટાડો સિમેન્ટ, ઓઈલ-ગેસ, મેટલ, ઓટો, સ્પેશિયાલિટી કેમિકલ્સ, આઈટી કંપનીઓના ઓપરેટિંગ માર્જિનમાં નોંધાયો છે.
નફો 23% વધ્યો એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં નિફ્ટીમાં સામેલ 50 કંપનીનો નફો વાર્ષિક ધોરણે 23 ટકા વધ્યો છે. આ 50માંથી 11 કંપનીએ ખોટ નોંધાવી છે અને તેમને બાકાત રાખીને જોઈએ તો, નિફ્ટીની અન્ય કંપનીઓનો નફો 31 ટકા વધ્યો છે, જે 34 ટકાના અંદાજ કરતાં ઓછો છે. ટાટા મોટર્સ, BPCLએ ખોટ નોંધાવી છે. નિફ્ટીની 42 ટકા કંપનીએ અંદાજ કરતાં સારાં પરિણામ જાહેર કર્યાં જ્યારે 34 ટકા કંપની અંદાજ પૂરો કરવામાં કાચી પડી. 24 ટકા કંપનીએ અંદાજ અનુસાર પ્રદર્શન કર્યું છે.
અપગ્રેડ અને ડાઉનગ્રેડ પરિણામો જાહેર થયા એટલે કંપનીઓ માટે બ્રોકરેજ હાઉસિસે વ્યૂહરચનામાં ફેરફાર કર્યો છે. ફર્સ્ટ ક્વાર્ટરના રિઝલ્ટ બાદ અપગ્રેડ અને ડાઉનગ્રેડ થનારી કંપનીઓની સંખ્યા લગભગ સરખી રહી છે. રિઝલ્ટ બાદ 78 કંપનીના નફામાં 3 ટકાથી પણ વધુ વૃદ્ધિ થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે જ્યારે 79 કંપનીના નફામાં 3 ટકાથી વધુ ઘટાડો થવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. નિફ્ટીની 11 કંપનીઓ નાણાકીય વર્ષ 2022-23માં નફામાં પાંચ ટકાથી પણ વધુ વધારો કરશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે જ્યારે 9 કંપનીઓ નફામાં પાંચ ટકાથી વધુ ઘટાડો કરશે તેવી ધારણા બાંધવામાં આવી છે. બ્રોકરેજ હાઉસિસે RIL, ONGC, BPCL અને ટાટા મોટર્સમાં સૌથી મોટા ડાઉનગ્રેડ મૂક્યા છે.
બીજા ક્વાર્ટર પર નજર તહેવારોની સીઝનમાં માંગ વધવાનો અંદાજ છે. સાથે સાથે કોમોડિટી પણ સસ્તી થઈ રહી છે, એટલે એનાલિસ્ટ્સને આશા છે કે, જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં કંપનીઓ સારા પરિણામ હાંસલ કરી શકશે… એટલે કે, વધુ એક ક્વાર્ટર માટે કંપનીઓના માથે સારાં પરિણામ જાહેર કરવાનું દબાણ ઊભું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો