Money9 Gujarati:
વીમા ઉદ્યોગના નિયમનકાર IRDAIએ આરોગ્ય વીમા હેઠળ હવે નવી સારવારને સામેલ કરી છે. IRDAIએ તમામ વીમા કંપનીને સૂચના આપી છે કે, સરોગેસી (surrogacy)ને પણ હેલ્થ ઈન્સ્યોરન્સ કવરમાં સામેલ કરવામાં આવે. નિયમનકારના આ નિર્ણયથી હવે આરોગ્ય વીમો લેનાર વીમાધારકને સરોગેસી સંબંધિત ખર્ચ સામે કવર મળશે. જે કપલ બાળક માટે સરોગેસીનો વિકલ્પ પસંદ કરવાનું વિચારી રહ્યાં હશે તેમને આ નિર્ણયથી મોટી રાહત મળશે.
કેવા પ્રકારનાં ખર્ચ આવરી લેવાશે? ઈરડાએ આપેલી સૂચના અનુસાર, તમામ હેલ્થ ઈન્સ્યૉરન્સ પૉલિસી હેઠળ સરોગેસી અને વાંજિયાપણા સંબંધિત સારવાર માટે થતા ખર્ચનું કવર મળવું જોઈએ. તેમાં સરોગેટ માતાની મેડિકલ ટ્રીટમેન્ટ, ડિલિવરી અને ડિલિવરી બાદ રાખવી પડતી સારવારનો ખર્ચ સામેલ છે. એટલે હવેથી, સરોગેસી પાછળ થતા ખર્ચના બોજને હળવો કરવામાં મદદ મળશે. અગાઉ સરકારે સરોગેટ માતા માટે ત્રણ વર્ષનો આરોગ્ય વીમો ફરજિયાત કર્યો હતો.
સરોગેસી એટલે શું? છેલ્લાં કેટલાક વર્ષોથી સરોગેસીની લોકપ્રિયતા વધી છે. તેની લોકપ્રિયતા વધવાનું કારણ છે, વર્તમાન જીવનશૈલી. ઘણા લોકો બાળક પેદા કરવા સંબંધિત સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. ઘણા કપલની ફળદ્રુપતા ઘટી ગઈ છે, એટલે કુદરતી રીતે બાળક પેદા કરવાનું કઠિન બન્યું છે. આવા સંજોગોમાં તેમની વહારે આવે છે સરોગેસી. સરોગેસી એક સારો વિકલ્પ છે, પરંતુ તે ખર્ચાળ પણ છે. આથી, ઘણા લોકો આ વિકલ્પ અપનાવી શકતા નથી. સરોગેસી એક એવી તબીબી પ્રક્રિયા છે, જેમાં એક મહિલા અન્ય મહિલાને પોતાની કૂખ ભાડે આપે છે. એટલે કે, અન્ય મહિલા વતી, તે પોતાની કુખમાં 9 મહિના સુધી બાળકનું જતન કરે છે અને બાળકને જન્મ આપે છે. સરોગેસી માટે ઘણા નિયમોનું પાલન કરવું પડે છે.
કેટલો ખર્ચ થાય છે? સરોગેટ મધરની સારી રીતે સારસંભાળ રાખવા માટે તેમજ તેના નિયમિતપણે તબીબી ચેકઅપ અને પૌષ્ટિક ખાવાપીવાનો ખર્ચ કરવો પડે છે. આ ઉપરાંત, પોતાની કૂખ ભાડે આપનાર સરોગેટ મધરને પણ પૈસા ચૂકવવા પડે છે. એક અંદાજ અનુસાર, ઓછામાં ઓછા રૂ.10 લાખથી રૂ.15 લાખનો ખર્ચ થાય છે. સરોગેટ મધર બનવા માટે તૈયાર થનાર મહિલા સાથે કોન્ટ્રાક્ટ કરવામાં આવે છે, જેમાં ખર્ચ સંબંધિત તમામ વિગતો સામેલ હોય છે. હવે, વીમા પૉલિસીમાં કેવા પ્રકારની શરતો અને નિયમો સામેલ કરવામાં આવશે અને કેટલો ખર્ચ આવરી લેવામાં આવશે, તેની વિગતો જાણવા મળી નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો