ઓનલાઇન ગેમિંગ સામે સરકાર સખત
સટ્ટાખોરી કરતી ઓનલાઇન ગેમની સામે સરકાર સખત વલણ અપનાવી રહી છે. સરકાર 3 પ્રકારની ઓનલાઇન ગેમ પર પ્રતિબંધ લગાવશે. જેના માટે સરકારે એક માળખુ તૈયાર કર્યું છે. કેન્દ્રીય આઇટી રાજ્યમંત્રી રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે ઓનલાઇન ગેમિંગને લઇને પહેલીવાર કોઇ રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. જે અનુસાર પહેલું જે લોકો સટ્ટેબાજીમાં સામેલ છે, બીજું યૂઝરને નુકસાન પહોંચાડનારા અને ત્રીજું જે લોકોને આની લત લાગવાની આશંકા છે. જો કોઇ ગેમમાં આ ત્રણમાંથી કોઇ કારણ દેખાશે તો તે ગેમ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે. મંત્રીએ કહ્યું કે નિયમોને નોટિફાઇડ કર્યા બાદ 3 મહિનાની અંદર એક સ્વ-નિયમનકારી સંસ્થાની રચના કરવામાં આવશે.
બજાજ ફાઇનાન્સની FD પર આકર્ષક વ્યાજ
બેંકોમાં ફિકસ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર ઘટવાના સમાચારો વચ્ચે બજાજ ફાઇનાન્સ તમને એફડી પર આકર્ષક વ્યાજ આપી રહી છે. બજાજ ફાઇનાન્સ બેંકોની તુલનામાં અંદાજે 2 ટકા સુધીનું વધારે વ્યાજ ઓફર કરી રહી છે. ટોચની સરકારી બેંક 3 થી 5 વર્ષની એફડી પર સાડા છથી લઇને પોણા સાત ટકાનું વ્યાજ આપી રહી છે. તો બીજી તરફ બજાજ ફાઇનાન્સ વાર્ષિક 7.11 ટકાથી લઇને 8.60 ટકા સુધીનું વ્યાજ આપી રહી છે. ગ્રાહકોની કેટેગરી અને રોકાણની મુદ્દતના આધારે વ્યાજનો દર નક્કી થાય છે.
ઇન્ટરનેટ વગર UPIથી ચુકવણીની સુવિધા
પંજાબ નેશનલ બેંકે IVR-બેઝ્ડ UPI 123 પે સર્વિસ શરૂ કરી…હવે ઇન્ટરનેટ વગર પણ UPIથી ચુકવણી કરી શકાશે..ફીચર ફોન ગ્રાહકો પણ UPI 123 પેથી ઓનલાઇન ચુકવણી કરી શકશે. પંજાબ નેશનલ બેંક UPI 123પે સેવા શરૂ કરનારી પહેલી સરકારી બેંક બની ગઇ છે. આ અગાઉ IDFC ફર્સ્ટ બેંક, સિટી યૂનિયન બેંક અને NSDL પેમેન્ટ્સ બેંક IVR બેઝ્ડ UPI 123પે સેવા શરૂ કરી ચુકી છે. આ સેવા શરૂ થવાથી સરકારનું કેશલેસ અને કાર્ડલેસ ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય પૂર્ણ થશે..
કોવિડ વેક્સિન લગાવનારાનો ડેટા લીક
કોવિડ વેક્સીન લગાવનારા લાખો લોકોની ખાનગી માહિતી ટેલીગ્રામ પર લીક થઇ ગઇ છે. લોકોના ફોન નંબર, જેન્ડર, આઇડી કાર્ડ અને ડેટ ઓફ બર્થ જેવી મહત્વપૂર્ણ માહિતી સાર્વજનિક થઇ ગઇ છે. ટેલીગ્રામ બોટ પર કોઇ વ્યક્તિનું નામ નાંખીને તેની સાથે જોડાયેલી મહત્વપૂર્ણ માહિતી મેળવી શકાય છે. કો-વિન પોર્ટલમાં રજિસ્ટર્ડ મોબાઇલ નંબર સાથે જોડાયેલી માહિતી ટેલીગ્રામ પર લીક થઇ ગઇ છે. કોઇ વ્યક્તિએ કઇ વેક્સિન ક્યાંથી લગાવી છે તેની માહિતી પણ ઓનલાઇન ઉપલબ્ધ છે.
કંપનીઓનો એન્ડ ઓફ સીઝન સેલ શરૂ
સમય પહેલાં ઓનલાઇન કંપનીઓએ એન્ડ ઓફ સીઝન સેલ શરૂ કરી દીધું છે. જુલાઇમાં નવો સ્ટોક આવવાનો છે. ત્યારે વિક્રેતા પહેલેથી ગોડાઉનમાં રહેલી ઇન્વેન્ટ્રીને ક્લિયર કરવા માંગે છે. વેચાણ વધારવા માટે બ્રાન્ડ્સ સીઝનની વચ્ચે જ ફ્લેશ સેલ લાવી રહી છે. સામાન્ય રીતે જૂનના અંતે આ પ્રકારના સેલ શરૂ થઇ જાય છે. મોંઘવારીના કારણે લોકો ઓછી ખરીદી કરી રહ્યા છે. મહત્વનું છે કે શોપિંગ માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે ભારે ડિસ્કાઉન્ટનો સહારો લેવામાં આવી રહ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો