Money9: ભારતમાં સૌથી ઝડપથી વિકસતી સ્ટોક બ્રોકિંગ કંપની Zerodha ના સહ-સ્થાપક નિખિલ કામથે એક મોટી જાહેરાત કરી છે. હાલમાં જ દેશના સૌથી યુવા અબજોપતિ બન્યા બાદ હવે તે પોતાની મોટાભાગની સંપત્તિ ચેરિટીમાં દાન કરશે. તેઓ લોકોપયોગી કાર્યો માટે પોતાની સંપત્તિ દાન કરવા માટે સુપ્રસિદ્ધ રોકાણકાર વોરેન બફેટ અને અબજોપતિ બિલ ગેટ્સની ‘ધ ગિવિંગ પ્લેજ’ (The Giving Pledge) સાથે જોડાયા છે. તેમાં જોડાનાર તેઓ ચોથા ભારતીય બન્યા છે.
નિખિલ કામથે કહી આ મોટી વાત
અબજોપતિ નિખિલ કામથે આ અંગે જણાવ્યું હતું કે, ‘મારી નાની ઉંમર હોવા છતાં, હું વિશ્વ પર સકારાત્મક અસર કરવા માટે કટિબદ્ધ છું અને વધુ સારો સમાજ બનાવવા માટે ધ ગીવિંગ પ્લેજના મિશનમાં વિશ્વાસ કરું છું. જે તેમના મૂલ્યો અને આકાંક્ષાઓ સાથે સુસંગત છે.’ મહત્વનું છે કે નિખિલ કામથ આ ચેરિટેબલ સંસ્થામાં જોડાનાર સૌથી યુવા ભારતીય પણ છે. 36 વર્ષીય નિખિલ કામથ છેલ્લા બે દાયકાથી શેરબજારમાં સક્રિય છે, તેમણે નાની ઉંમરે આ ક્ષેત્રમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને ખૂબ જ ઝડપથી અમીરોની યાદીમાં સામેલ થઈ ગયા હતા.
આ ભારતીયો પણ અભિયાનમાં સામેલ
અમે અગાઉ જણાવ્યું તેમ નિખિલ કામથ ધ ગિવિંગ પ્લેજમાં જોડાનાર ચોથા ભારતીય બન્યા છે, જેની સ્થાપના વોરેન બફેટ અને બિલ ગેટ્સ દ્વારા 2010માં કરવામાં આવી હતી. અગાઉ અઝીમ પ્રેમજી, કિરણ મઝુમદાર-શો અને રોહિણી અને નંદન નિલેકણી તેમાં જોડાઈ ચૂક્યા છે. નોંધપાત્ર રીતે, ‘ગીવિંગ પ્લેજ’ એ એક અભિયાન છે, જે વિશ્વના ધનિકોને તેમના જીવનકાળ દરમિયાન અથવા તેમની ઇચ્છામાં ઓછામાં ઓછી અડધી સંપત્તિ પરોપકાર માટે દાન કરવા માટે પ્રોત્સાહિત કરે છે.
સ્કૂલ ડ્રોપઆઉટથી અબજોપતિ બનવા સુધીની સફર
નિખિલ કામથની સ્કૂલ ડ્રોપઆઉટથી લઈને દેશના સૌથી યુવા અબજોપતિ બનવા સુધીની સફર પણ ઘણી રસપ્રદ છે. ઝેરોધાના સહ-સ્થાપક પોતાની મહેનતના જોરે સફળતાના શિખરે પહોંચવા માટે જાણીતા છે. તેમની કંપની હાલમાં દેશની સૌથી ઝડપથી વિકસતી સ્ટોક બ્રોકિંગ કંપની છે. હ્યુમન્સ ઓફ બોમ્બેને આપેલા એક ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની સફરનું વર્ણન કરતાં તેમણે કહ્યું કે માત્ર 17 વર્ષની ઉંમરે તેમણે કામ કરવાનું શરૂ કર્યું અને તેમની પહેલી જોબ કોલ સેન્ટરમાં હતી, જ્યાં તેમને માત્ર 8,000 રૂપિયાનો પગાર મળતો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો