SBIએ FDના ઈન્ટરેસ્ટ રેટમાં અડધો ટકાનો વધારો કર્યો છે. SBIની વેબસાઈટ પર જણાવ્યા પ્રમાણે, 2 કરોડ રૂપિયાથી ઓછી કિંમતની FDના નવા રેટ 27 ડિસેમ્બરથી અમલી કરવામાં આવ્યા છે. 7 દિવસથી 45 દિવસની FDના રેટમાં 0.50 ટકાનો જ્યારે 46 દિવસથી 179 દિવસની FDના રેટમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. બેન્કે 180 દિવસથી 210 દિવસની FDના રેટ 5.25 ટકાથી વધારીને 5.75 ટકા કર્યા છે. 211 દિવસથી 1 વર્ષ કરતાં ઓછી મુદતની FDના વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. જો તમે 3 વર્ષથી 5 વર્ષ કરતાં ઓછી મુદતની FD કરશો તો હવે તમને સાડા છ ટકાની જગ્યાએ પોણા સાત ટકા વ્યાજ મળશે. SBI સીનિયર સીટિઝનને આ રેટ કરતાં અડધો ટકો વધુ ઈન્ટરેસ્ટ રેટ ઑફર કરે છે. ડિસેમ્બરમાં પાંચ બેન્કોએ ડિપોઝિટના રેટ વધાર્યાં છે અને SBI છઠ્ઠી બેન્ક છે. અગાઉ બેન્ક ઓફ ઈન્ડિયા, ફેડરલ બેન્ક, કોટક મહિન્દ્રા બેન્ક, DCB બેન્ક અને યુનિયન બેન્ક ઑફ ઈન્ડિયાએ પણ FDના રેટ વધારવાની જાહેરાત કરી હતી.
યુનિયન બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. નવા વ્યાજ દર 27 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવ્યા છે. યુનિયન બેન્કે 1 વર્ષથી 398 દિવસની વચ્ચે પાકતી FDના ઈન્ટરેસ્ટ રેટ વધારીને પોણા સાત ટકા કર્યા છે. 399 દિવસની FDના રેટ 7 ટકાથી વધારીને સવા સાત ટકા કર્યા છે. 400 દિવસથી 3 વર્ષની વચ્ચે પાકતી FDના વ્યાજ દર 6.30 ટકાથી વધારીને સાડા છ ટકા કરવામાં આવ્યા છે. સીનિયર સીટિઝનને નોર્મલ રેટ કરતાં અડધો ટકો વધુ જ્યારે સુપર સીનિયર સીટિઝનને પોણો ટકો વધુ રેટ મળશે.
પેમેન્ટ માટે UPIનો ઉપયોગ વધવાથી જૂની-જાણીતી બે પેમેન્ટ સિસ્ટમ, NEFT અને ડેબિટ કાર્ડ પર અસર પડી છે. UPI દ્વારા થતા ટ્રાન્ઝેક્શનની સંખ્યા રોજેરોજ રેકોર્ડ બનાવી રહી છે. નવેમ્બર 2023માં UPI દ્વારા થયેલા ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 46 ટકા વધ્યું હતું જ્યારે NEFTનો વૃદ્ધિદર માત્ર સાડા સત્તર ટકા હતો. ડેબિટ કાર્ડ દ્વારા થયેલા ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 6.6 ટકા ઘટ્યું છે. એપ્રિલ 2022માં NEFT દ્વારા 25 લાખ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન થયા હતા, જે ઓક્ટોબર 2023માં વધીને માત્ર 32.62 લાખ કરોડે પહોંચ્યા હતા. તેની સામે ડેબિટ કાર્ડના ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 54 હજાર કરોડથી ઘટીને 52 હજાર 101 કરોડ રૂપિયા નોંધાયું હતું. આ સમયગાળામાં UPIથી થતા ટ્રાન્ઝેક્શનનું મૂલ્ય 9.83 લાખ કરોડથી વધીને 17 લાખ 15 હજાર 768 કરોડ રૂપિયા થઈ ગયું હતું. મેટ્રો શહેરોમાં UPIનું ચલણ વધ્યા બાદ હવે નાના શહેરોમાં અને ગામડાંમાં પણ તેનો ઉપયોગ વધી રહ્યો છે.
અમેઝોને તેનો પ્રાઈમ લાઈટ મેમ્બરશિપ પ્લાન સસ્તો કર્યો છે. એમેઝોન પ્રાઈમ લાઈટ મેમ્બરશિપ પ્લાન શરૂઆતમાં 999 રૂપિયામાં લૉન્ચ થયો હતો. હવે તેની વાર્ષિક કિંમત 799 રૂપિયા કરવામાં આવી છે. એમેઝોનની વેબસાઈટ પર પ્રાઈમ સપોર્ટ પેજ પર આપેલી વિગતો અનુસાર, પ્રાઈમ લાઈટ મેમ્બરશિપ પ્લાન 200 રૂપિયા સસ્તો થયો છે. જોકે, અન્ય પ્લાનની કિંમત યથાવત્ છે. એક મહિનાનું સબ્સક્રિપ્શન 299 રૂપિયામાં પડે છે જ્યારે 3 મહિના માટે 599 રૂપિયા અને 1 વર્ષ માટે 1,499 રૂપિયા ચૂકવવા પડે છે. એમેઝોન પ્રાઈમ વીડિયો જાન્યુઆરી 2024થી મૂવીઝ અને ટીવી શોની વચ્ચે જાહેરાત બતાવવાનું શરૂ કરશે. જો તમારે એડ-ફ્રી કન્ટેન્ટ જોવો હોય તો મહિને અઢીસો રૂપિયા વધારે ચાર્જ ચૂકવવો પડશે. અગાઉ નેટફ્લિક્સે પણ એડ-ફ્રી કન્ટેન્ટ માટે વધારે કિંમત વસૂલવાની જાહેરાત કરી હતી. અમેઝોન પ્રાઈમ વીડિયોએ અમેરિકા, બ્રિટન, કેનેડા સહિતના દેશોમાં જાન્યુઆરીથી એડવર્ટાઈઝ બતાવવાનું શરૂ કરવાની જાહેરાત કરી છે.
મુકેશ અંબાણીએ મેગા ડીલ કરી છે. ટેલિકોમ માર્કેટમાં ખળભળાટ મચાવ્યા બાદ હવે મીડિયા અને એન્ટરટેઈમેન્ટ માર્કેટનો વારો છે. અંબાણીએ અમેરિકાની વોલ્ટ ડિઝની કંપની સાથે હાથ મિલાવ્યા છે. લંડનમાં બંધબારણે યોજાયેલી બેઠકમાં બંને ભાગીદારે ડિઝની ઈન્ડિયા માટે મર્જર ડીલ કરી છે. રિલાયન્સે ડિઝની ઈન્ડિયાનો 51 ટકા હિસ્સો ખરીદ્યો છે અને આ સોદો ફેબ્રુઆરી 2024 સુધીમાં પૂરો થવાની ધારણા છે. સોદો પૂરો થશે એટલે ભારતની સૌથી મોટી એન્ટરટેઈનમેન્ટ કંપની બનશે, જેની માલિકી અંબાણી પાસે રહેશે. આ કંપની ઝી-સોની તેમજ અમેઝોન-નેટફ્લિક્સ જેવા મહાકાય હરીફોને ટક્કર આપશે. અત્યારે અંબાણી Viacom18 મારફતે એન્ટરટેઈનમેન્ટ કારોબારમાં સક્રિય છે. થોડાક દિવસો અગાઉ અદાણીએ પણ ન્યૂઝ કંપની ANIને ખરીદવાની જાહેરાત કરી હતી. અદાણી પણ NDTVના માલિક છે. આમ, દેશનાં બે ટોચનાં ઉદ્યોગપતિઓ મીડિયા માર્કેટમાં ધાક જમાવી રહ્યાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો