સરકારે સસ્તા ભાવે મગની દાળનું વેચાણ શરૂ કર્યું છે. ખાદ્ય ચીજવસ્તુઓની મોંઘવારીમાં રાહત આપવા માટે સરકારે અગાઉ ઘઉંનો લોટ, ચણા અને ડુંગળીનું સસ્તા ભાવે વેચાણ કર્યું હતું. હવે સરકારે મગની દાળ સસ્તામાં વેચવાનું શરૂ કર્યું છે. વિવિધ એજન્સીઓ મારફતે છૂટક દુકાનો પર ડિસ્કાઉન્ટ ભાવે મગની દાળનું વેચાણ થઈ રહ્યું છે. ખેડૂતોની સહકારી સંસ્થા નાફેડની છૂટક દુકાનો પર 15 રૂપિયાના ડિસ્કાઉન્ટ સાથે એક કિલો મગની દાળ વેચાણ થઈ રહ્યું છે. આ વેચાણ કેન્દ્રો પર મગની દાળ 107 રૂપિયે કિલો વેચાઈ રહી છે, જેની સામે છૂટક બજારમાં 120 રૂપિયા ભાવ ચાલે છે. મગ ખરીદવા માટે સરકારે 7,755 રૂપિયા ટેકાનો ભાવ નક્કી કર્યો છે, જે હિસાબે એક કિલોનો ભાવ 123 રૂપિયા થાય છે. ટૂંક સમયમાં 0સરકારના અન્ય વેચાણ કેન્દ્રો તેમજ મોબાઈલ વેન દ્વારા પણ સસ્તામાં મગની દાળ વેચવામાં આવશે. અન્ય સરકારી એજન્સીઓને પણ સામેલ કરીને વેચાણ કરવામાં આવશે.
ભારતમાંથી થતી માલસામાનની નિકાસ 2.83 ટકા ઘટી છે. તેની સામે આયાતમાં 4.35 ટકાનો ઘટાડો થયો છે. નવેમ્બર 2023માં આપણે 33.9 અબજ ડૉલરનો માલસામાન બહાર મોકલ્યો હતો, જેની સામે આયાત કરેલા માલસામાનનું મૂલ્ય 54.48 અબજ ડૉલર રહ્યું હતું. આમ નિકાસ કરતાં આયાતનું પલડું ભારે રહેવાથી ભારતની વેપાર ખાધ 20.58 અબજ ડૉલર થઈ છે. આ ખાધ ઓક્ટોબર મહિનાની 31.5 અબજ ડૉલરની ઓલ-ટાઈમ હાઈ કરતાં ઓછી છે. દુનિયાભરનાં દેશો ઊંચા વ્યાજ દર અને મોંઘવારી સહિતના પડકારોનો સામનો કરી રહ્યાં હોવાથી માલસામાનની માંગ ઘટી છે, જેની અસર આયાત-નિકાસના આ તાજા આંકડામાં જોઈ શકાય છે.
LICએ બે ખાસ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યાં છે. આ કાર્ડમાં તમને મફતમાં ઈન્સ્યૉરન્સની સાથે બીજા ઘણા લાભ પણ મળશે. LICએ IDFC ફર્સ્ટ બેન્ક અને માસ્ટરકાર્ડ સાથે ભાગીદારી કરીને કો-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ લૉન્ચ કર્યા છે. કાર્ડના નામ છે – LIC ક્લાસિક અને LIC સિલેક્ટ. આ કાર્ડ લેનાર વ્યક્તિને 5 લાખ રૂપિયાનો ફ્રી એક્સિડન્ટ ઈન્સ્યૉરન્સ મળશે. જેમની પાસે LICની પૉલિસી હશે તેમને આ કાર્ડ દ્વારા ઈન્સ્યૉરન્સનું પ્રીમિયમ ભરતી વખતે રિવૉર્ડ પોઈન્ટ મળશે. આ કાર્ડની કોઈ વાર્ષિક કે જોઈનિંગ ફી નથી. તે લાઈફટાઈમ ફ્રી કાર્ડ છે.
પંજાબ નેશનલ બેન્કનો શેર તેજીના ઘોડા પર સવાર થવાથી તેનું માર્કેટ કેપિટલાઈઝેશન 1 લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયું છે. આ સિદ્ધિ હાંસલ કરનારી PNB ભારતની ત્રીજી સરકારી બેન્ક છે. અગાઉ SBI અને બેન્ક ઑફ બરોડાનું માર્કેટ-કેપ 1 લાખ કરોડને પાર થયું હતું. 15 ડિસેમ્બરે PNBનો શેર BSE પર 91.81 રૂપિયાની વાર્ષિક ટોચે પહોંચતાની સાથે જ તેનું માર્કેટ કેપ 1.01 લાખ કરોડને પાર થઈ ગયું હતું. જોકે, બાદમાં શેર ઘટીને 90 રૂપિયાએ પહોંચતા, માર્કેટ કેપ ઘટીને 98,990 કરોડ રૂપિયા થઈ હતી. SBIનો શેર 15 ડિસેમ્બરે 629 રૂપિયા થયો હતો, જેની સાથે તેનું માર્કેટ કેપ 5.55 લાખ કરોડ રૂપિયા થાય છે. Bank Of Barodaનું માર્કેટ કેપ 219.55ની શેરકિંમતે 1.14 લાખ કરોડ રૂપિયા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો