જો તમારા સેવિંગ એકાઉન્ટમાં પૈસા પડ્યા હશે તો હવે તેના પર વધારે વ્યાજ મળી શકે છે. મોટા ભાગની બેન્કો બચત ખાતાની ડિપોઝિટ પર અઢીથી ત્રણ ટકા જેટલું નજીવું વ્યાજ આપે છે. આ બાબત RBIના ધ્યાને આવી હોવાથી બેન્કોને સેવિંગ ખાતા પર વ્યાજના દર વધારવાની સૂચના આપવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લે 2011માં RBIએ સેવિંગ એકાઉન્ટના વ્યાજ દર 4 ટકા ફિક્સ કર્યા હતા, પરંતુ બાદમાં આ સત્તા બેન્કોને સોંપવામાં આવી હતી. ત્યારથી બેન્કો સેવિંગ ખાતા પર સાવ નજીવું વ્યાજ આપે છે. SBIના બચત ખાતામાં 50 લાખથી ઓછી થાપણ પડી હોય તો 2.70 ટકા જ્યારે HDFC બેન્કમાં 3 ટકા વ્યાજ મળે છે. કોટક અને યસ બેન્ક જેવી અમુક બેન્કો 3થી 4 ટકાની વચ્ચે વ્યાજ આપે છે. RBIએ રેપો રેટ અઢી ટકા વધાર્યો છે અને મોંઘવારીનો દર પણ વધ્યો છે, છતાં બેન્કોના સેવિંગ એકાઉન્ટના રેટ વધ્યા નથી.
7થી 8 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળતો હોય તેવી બેન્ક FDનો હિસ્સો વધીને 50 ટકા થઈ ગયો છે. છેલ્લાં 6 મહિનામાં લોકોએ ઊંચા ઈન્ટરેસ્ટ રેટ ઑફર કરતી હોય તેવી FDમાં મહત્તમ પૈસા મૂક્યા છે. RBIના આંકડા દર્શાવે છે કે, માર્ચ 2023ના અંતે 7થી 8 ટકા વ્યાજ દરની FDનો હિસ્સો 30 ટકા હતો, જે સપ્ટેમ્બરના અંતે 50 ટકાએ પહોંચી ગયો છે. એટલે કે, લોકોએ ખોલાવેલી કુલ FDમાંથી અડધો અડધ FD 7થી 8 ટકા રેટની છે. અત્યારે મોટા ભાગની બેન્કો 1 વર્ષથી 3 વર્ષની FD પર સાડા છ ટકાથી 8 ટકા ઈન્ટરેસ્ટ રેટ ઑફર કરી રહી છે. જો તમે FD કરાવવા માંગતા હોવ તો અત્યારે ઊંચા રેટનો લાભ લઈ લેવો જોઈએ, કારણ કે, આવતા વર્ષથી RBI રેપો રેટ ઘટાડવાનું શરૂ કરે તેવી શક્યતા છે.
મારુતિ તેની પ્રથમ ઈલેક્ટ્રિક કાર લાવવાની તૈયારી કરી રહી છે. મારુતિ ભારતની નંબર વન કાર કંપની છે અને તે આવતા વર્ષે ઈલેક્ટ્રિક SUV લૉન્ચ કરવા માંગે છે. કંપની ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન ગુજરાતના હાંસલપુર પ્લાન્ટમાં કરશે. આ પ્લાન્ટ ફેબ્રુઆરી 2017માં શરૂ થયો હતો. આ પ્લાન્ટમાં બલેનો, સ્વિફ્ટ, ડિઝાયરનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પ્લાન્ટે અત્યાર સુધીમાં 30 લાખ કારનું ઉત્પાદન કરવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે. આ પ્લાન્ટમાં ઈલેક્ટ્રિક કારનું ઉત્પાદન કરવા માટે મારુતિ નવો યુનિટ વિકસાવી રહી છે. ગુજરાતના ઈલેક્ટ્રિક SUV બનાવીને વિદેશમાં નિકાસ કરવાની પણ યોજના છે. મારુતિએ દાવો કર્યો છે કે, તેની કાર એક વાર ચાર્જ કરશો એટલે સાડા પાંચસો કિલોમીટર સુધી ચાલશે.
સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યા હોવાથી સોનાનું રિસાયકલિંગ વધ્યું છે. લોકો જૂનું સોનું વેચવા લાગ્યા છે. સુરત, અમદાવાદ, કોલકાતા, મુંબઈ સહિતના સેન્ટરમાં જૂનું સોનું ખરીદનારા વેપારીઓ અને ઝવેરીઓને ત્યાં લાઈનો જોવા મળી છે. અત્યારે લગ્નોની સીઝન હોવાથી લોકો જરૂરિયાત અનુસાર સોનું ખરીદી રહ્યાં છે. સુરતના કોટ વિસ્તારમાં જૂના દાગીના લઈને આવનારાની સંખ્યા 50 ટકા વધી ગઈ છે. મુંબઈના ઝવેરી બજારમાં પણ આવી સ્થિતિ જોવા મળી છે. લગ્નોની સીઝન પૂરી થશે એટલે ઘરાકી પર માઠી અસર પડવાની સંભાવના છે અને સોનાની આયાતમાં પણ ધરખમ ઘટાડો થશે. સોનું 64,000ને ક્રોસ થયા બાદ હવે 63,000ની નીચે પહોંચી ગયું છે. આમ છતાં સોનાના ભાવ ઘણા ઊંચા છે.
હવે ગાડીઓ ખરીદવાનો ખર્ચ વધી જશે. નવા વર્ષથી લગભગ તમામ કાર કંપનીઓ ભાવ વધારવાની છે. મહિન્દ્રા અને હ્યુન્ડેઈ કંપનીએ જાન્યુઆરી 2024થી ભાવ વધારવાની જાહેરાત કરી છે. અગાઉ મારુતિ, ટાટા મોટર્સ, ઓડી, હોન્ડા જેવી કંપનીઓએ પણ નવા વર્ષથી ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. મોંઘવારી વધવાથી ઉત્પાદન ખર્ચ વધ્યો છે અને કોમોડિટી પણ મોંઘી થઈ છે. આથી, કંપનીઓ વધતા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખી રહી છે. હ્યુન્ડેઈ અને મહિન્દ્રાએ કારના ભાવમાં ચોક્કસ કેટલો વધારો થશે તે અંગે ફોડ પાડ્યો નથી. અગાઉ મારુતિ અને હોન્ડાએ પણ કારના ભાવમાં કેટલો વધારો થશે તે અંગે સ્પષ્ટતા કરી નહોતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો