23 દિવસમાં Rs 4.25 લાખ કરોડનો કારોબાર
દિવાળી બાદ શરૂ થતી લગ્ન સીઝનમાં સવા ચાર લાખ કરોડ રૂપિયાનો રેકોર્ડ બ્રેક બિઝનેસ થવાનો અંદાજ છે. 23 નવેમ્બરથી 15 ડિસેમ્બર સુધીમાં લગભગ 35 લાખ લગ્નો થવાના છે. ગયા વર્ષે આ સીઝનમાં લગભગ 32 લાખ લગ્ન થયા હતા અને 3.75 લાખ કરોડ રૂપિયાનો બિઝનેસ થયો હતો. રિસર્ચ કંપની ઓલ ઈન્ડિયા ટ્રેડર્સના સંગઠન CAITના સર્વેમાં જણાવ્યા પ્રમાણે, આ વખતે 23 દિવસની વેડિંગ સીઝનમાં લગભગ 6 લાખ લગ્ન એવા છે, જેમાં એક લગ્નમાં 3 લાખ કરતાં વધારે ખર્ચ થશે જ્યારે 10 લાખ લગ્નો એવા છે, જેમાં 6 લાખ રૂપિયા કરતાં વધારે ખર્ચ થશે. 12 લાખ લગ્નમાં 10 લાખ રૂપિયા જ્યારે 6 લાખ લગ્ન એવા થશે જેમાં પ્રત્યેક લગ્નમાં 25 લાખથી પણ વધારે ખર્ચ થશે. 50 હજાર લગ્નો એવા છે, જેમાં 50 લાખ રૂપિયાથી પણ અને 50 હજાર લગ્નમાં તો 1 કરોડથી પણ વધારે પૈસા ખર્ચાશે.
Credit Cardથી શોપિંગ પર નહીં મળે ડિસ્કાઉન્ટ…!
ક્રેડિટ કાર્ડ કંપનીઓએ ગ્રાહકોને મળતાં લાભ અને ડિસ્કાઉન્ટ પર કાતર ફેરવી છે. SBI, HDFC અને એક્સિસ જેવી કંપનીના કાર્ડ પર મળતાં ડિસ્કાઉન્ટ અને ઓફર્સ ઘટાડવામાં આવ્યા છે. HDFC ડિનર્સ ક્લબ પ્રિવિલેજ કાર્ડમાં વીકેન્ડ ડાઈનિંગ માટે મહિને 40 હજાર રૂપિયાના ખર્ચ પર 1,000 રૂપિયાનું વાઉચર મળતું હતું, પરંતુ કંપનીએ તેને બંધ કરી દીધું છે. એટલું જ નહીં, HDFCએ દુનિયાભરમાં ચાલતી લાઉન્જની સુવિધા પણ ઓછી કરી દીધી છે. પહેલાં 12 વખત તેનો લાભ લઈ શકાતો હતો હવે માત્ર 2 બૂકિંગ થઈ શકે છે. SBI કાર્ડે પણ દર મહિને મળતા કેશબેકની રકમ અડધોઅડધ ઘટાડીને 5 હજાર રૂપિયા કરી દીધી છે અને લાઉન્જ સર્વિસ પણ બંધ કરી છે. એક્સિસ બેન્કે તેના મેગ્નસ કાર્ડની વાર્ષિક ફી વધારી દીધી છે અને 1 લાખ રૂપિયાના ખર્ચ પર મળતા 25 હજાર રિવોર્ડ પોઈન્ટ પણ બંધ કરી દીધા છે. આ રિવોર્ડ પોઈન્ટને એર મીલમાં બદલવાનું પણ ઘટાડી દીધું છે. અગાઉ 5 રિવોર્ડ પોઈન્ટ પર 4 એર મીલ્સ મળતા હતા, હવે માત્ર 2 એર મીલ્સ મળશે.
HDFC Bankનો શેર કેટલો વધશે?
HDFC Bankનો શેર ચર્ચામાં છે. HDFC સાથે મર્જર બાદ HDFC Bankએ પહેલીવાર રિઝલ્ટ જાહેર કર્યાં છે. HDFC Bankનો ચોખ્ખો નફો જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં 51 ટકા વધીને 15,976 કરોડ રૂપિયા થયો છે. HDFC Bankના રિઝલ્ટ બાદ વિવિધ બ્રોકર્સે પોતપોતાના અભિપ્રાય વ્યક્ત કર્યાં છે. કેટલાકે ટાર્ગેટ પ્રાઈસ વધાર્યો છે જ્યારે અમુક બ્રોકર્સે ટાર્ગેટ પ્રાઈસ ઘટાડ્યો છે. HDFC Bankનો શેર અત્યારે 1,542 રૂપિયાની આસપાસ છે અને મહત્તમ ટાર્ગેટ 2,100 રૂપિયા સુધીના છે. એટલે કે, તેના શેરમાં 32થી 38 ટકા સુધી વધારો થઈ શકે છે. સિટી અને મોર્ગન સ્ટેન્લીને લાગે છે કે, HDFC બેન્કનો શેર 2,110 રૂપિયા સુધી વધી શકે છે. નુવામાએ 1,770નો જ્યારે કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝે 1,800 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઈસ નક્કી કર્યો છે.
ભણેલા-ગણેલા ભારતીયોમાં બેકારી વધી
શિક્ષિત લોકોમાં બેરોજગારીનો દર વધ્યો છે. છેલ્લાં 5 વર્ષમાં ભારતે પ્રગતિ કરી હોવા છતાં એજ્યુકેટેડ લોકોમાં બેકારીનું પ્રમાણ ઊંચું છે, એમ કોટક ઈન્સ્ટિટ્યૂશનલ ઈક્વિટીઝના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. જૂન-2023 સુધીના આંકડા અનુસાર, ડિપ્લોમા હોલ્ડર્સમાં બેકારીનો દર 12.1 ટકા છે, જ્યારે ગ્રેજ્યુએટ્સમાં 13.4 ટકા અને પોસ્ટ-ગ્રેજ્યુએટ્સમાં બેકારીનો દર 12.1 ટકા છે. ભારતમાં જુવાનિયાઓની સંખ્યા સમગ્ર દુનિયામાં વધારે છે. જો આ જવાન જનરેશનને કામધંધો મળે તો, અર્થતંત્ર ફુલ સ્પીડમાં ધમધમી શકે છે. પરંતુ કોટકના રિપોર્ટમાં નોંધવામાં આવ્યું છે કે, માર્કેટમાં નોકરીની જેટલી તક છે, તેની સામે નોકરી માંગનારાની સંખ્યા ઘણી વધારે છે. આ ગેપ ખૂબ મોટો છે. આથી, રોજગારીની તક વધારવાની જરૂર છે. સરકાર પાસેથી મળેલી વિગત દર્શાવે છે કે, વર્ષ 2014થી 2023ના માર્ચ મહિના સુધીમાં સરકારી નોકરી માટે 22 કરોડ લોકોએ અરજી કરી હતી.., જેમાંથી માત્ર 7.22 લાખને સેન્ટ્રલ ગવર્વમેન્ટમાં કાયમી નોકરી મળી હતી.
Zomato બાદ Swiggyએ પણ વધાર્યાં ભાવ
ઝોમેટો બાદ સ્વિગીએ પણ ફૂડ ઓર્ડરના ચાર્જમાં વધારો કર્યો છે. સ્વિગી પ્રત્યેક ઓર્ડર પર ડિલિવરી ચાર્જની સાથે પ્લેટફોર્મ ફી વસૂલે છે. અત્યારે સ્વિગી ફૂડ ડિલિવરીના ઓર્ડર પર 2 રૂપિયા પ્લેટફોર્મ ફી વસૂલે છે, પણ હવે તેને વધારીને 3 રૂપિયા કરી છે. નવી ફી હૈદરાબાદ અને બેંગાલુરુમાં 4 ઓક્ટોબરથી લાગુ થઈ છે અને ધીમે-ધીમે સમગ્ર દેશમાં આ ફી અમલી બનશે. સ્વિગી અત્યારે 5 રૂપિયા પ્લેટફોર્મ ફી લગાડે છે અને તેમાં 2થી 3 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપે છે. સ્વિગીએ એપ્રિલ 2023થી પ્લેટફોર્મ ફી વસૂલવાનું શરૂ કર્યું છે. ઝોમેટોએ પણ તેની પ્લેટફોર્મ ફી 2 રૂપિયાથી વધારીને 3 રૂપિયા કરી છે. જો તમે સ્વિગીના ક્વિક કૉમર્સ પ્લેટફોર્મ ઈન્સ્ટામાર્ટ પર ઓર્ડર કરો તો, કંપની તમારી પાસેથી 4 રૂપિયા હેન્ડલિંગ ચાર્જ વસૂલે છે.
Jio Fin પણ આપશે હોમ લોન, ઓટો લોન
જિયો ફાયનાન્સિયલ સર્વિસિસ ટૂંક સમયમાં હોમ લોન અને ઓટો લોન આપવાનું શરૂ કરશે. ભારતનું લોન માર્કેટ ઝડપભેર વૃદ્ધિ કરી રહ્યું છે અને જિયો ફાયનાન્સિયલ તેનો ફાયદો ઉઠાવવા માંગે છે. મુકેશ અંબાણીએ ટેલિકોમ અને રિટેલ સેક્ટરમાં પોતાનું વર્ચસ્વ સ્થાપ્યા બાદ હવે ફાયનાન્સિયલ માર્કેટ પર નજર જમાવી છે. અંબાણીનો ઈરાદો જિયો ફાયનાન્સિયલને વન-સ્ટોપ ફાયનાન્સિયલ સર્વિસિસ કંપની બનાવવાનો છે. અત્યારે કંપની મુંબઈમાં પગારદારને અને ધંધો કરવાવાળાને પર્સનલ લોન આપે છે. કંપની ભારતનાં 300 સ્ટોર્સ દ્વારા ઈલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ માટે પણ લોન આપે છે. જિયો હવે મ્યુચ્યુઅલ ફંડ સર્વિસ લોન્ચ કરવાની છે અને વીમો વેચવા માટે 24 ઈન્સ્યૉરન્સ કંપની સાથે હાથ પણ મિલાવ્યા છે. કંપની ડેબિટ કાર્ડ પણ લૉન્ચ કરવા માંગે છે. જિયો ફાયનાન્સના પેમેન્ટ્સ બેન્ક ડિવિઝને સેવિંગ્સ એકાઉન્ટ તથા બિલ પેમેન્ટ સર્વિસ પણ લોન્ચ કરી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો