મોંઘવારી અંગે RBIએ ઉચ્ચારી ચેતવણી
મોંઘવારી મચક આપે તેવું લાગતું નથી. રિઝર્વ બેન્કે પણ સ્વીકાર્યું છે કે, મોંઘવારી ઘટવાની નથી. RBIના ગવર્નર શક્તિકાંતા દાસે સ્વીકાર્યું છે કે, કેટલાક ખરીફ પાકનું વાવેતર ઘટવાથી તથા જળાશયોમાં પાણીનું સ્તર નીચું રહેવાથી મોંઘવારીનું જોખમ પડકારજનક રહેશે. RBIએ ચાલુ નાણાકીય વર્ષમાં ફુગાવાનો દર 5.4 ટકા રહેવાનો અંદાજ યથાવત્ રાખ્યો છે. RBI ફુગાવાને 4 ટકાની નીચે લઈ જવાનો ટાર્ગેટ ધરાવે છે. 6 ઓક્ટોબરની બેઠકમાં RBIની કમિટીએ બીજા ક્વાર્ટરમાં મોંઘવારીનો દર 6.4 ટકા, ત્રીજા ક્વાર્ટરમાં 5.6 ટકા અને ચોથા ક્વાર્ટરમાં 5.2 ટકા રહેવાનો અંદાજ આપ્યો છે. અગાઉ ઓગસ્ટ મહિનાની બેઠકમાં બીજા ક્વાર્ટર માટે 6.2 ટકા, ત્રીજા ક્વાર્ટર માટે 5.7 ટકા અને ચોથા ક્વાર્ટર માટે 5.2 ટકાનો અંદાજ આપ્યો હતો.
Rs 2,000ની નોટ જમા કરવાના બે વિકલ્પ
2016ના નવેમ્બર મહિનામાં શરૂ થયેલી 2 હજારની નોટ બંધ થઈ ગઈ છે. RBIએ 19મી મેના રોજ જાહેરાત કરી હતી કે, 2 હજારની નોટ 30મી સપ્ટેમ્બર સુધી બેન્કોમાં જમા કરાવી શકાશે પછી RBIએ આ ડેડલાઈન લંબાવીને 7 ઓક્ટોબર કરી હતી. હવે, RBIએ જણાવ્યું છે કે, સાતમી ઓક્ટોબર પછી પણ 2 હજારની નોટ જમા કરાવી શકાશે. તેના માટે બે વિકલ્પ મળશે. તમે RBIની 19 ઈશ્યૂ ઓફિસ પર જઈને 2,000ની નોટ જમા કરાવી શકશો અથવા એક્સચેન્જ કરાવી શકશો. તેની લિમિટ છે 20,000 રૂપિયા. આ ઉપરાંત 7 ઓક્ટોબર પછી તમે ટપાલ વિભાગ મારફતે RBIની કરન્સી વેરિફિકેશન બ્રાન્ચને પણ 2 હજારની નોટ મોકલી શકશો.
Rs 2,000ની નોટ જમા કરાવી કે નહીં…?
બજારમાં હજુ ફરી રહી છે 12,000 કરોડ રૂપિયાની બે હજારની નોટ. આ નોટ બંધ થઈ ગઈ છે. તેને બેન્કમાં જમા કરવાની અથવા એક્સચેન્જ કરવાની છેલ્લી તારીખ 7 ઓક્ટોબર છે. RBIએ 6 ઓક્ટોબરે જણાવ્યું છે કે, માર્કેટમાં ફરતી 2,000ની કુલ નોટમાંથી 87 ટકા નોટ બેન્કોમાં જમા થઈ છે જ્યારે 9 ટકા નોટ એક્સચેન્જ થઈ છે. એટલે કે, 2 હજારની 96 ટકાથી પણ વધારે નોટ બેન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે, પરંતુ 12 હજાર કરોડ રૂપિયાની નોટ હજુ બજારમાં ફરી રહી છે. તમને શું લાગે છે, આ 12 હજાર કરોડ રૂપિયા કોની પાસે હશે..? શું કોઈ ભૂલી ગયું હશે..? શું આ બ્લેક મની હશે..?
યસ બેન્કે FDના રેટ ઘટાડ્યા
યસ બેન્કે ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દર 0.25 ટકા સુધી ઘટાડ્યા છે. ખાનગી સેક્ટરની આ બેન્કે 2 કરોડ રૂપિયાથી ઓછી FDના રેટ ઘટાડ્યા છે. નવા રેટ 4 ઓક્ટોબરથી અમલી બન્યા છે. યસ બેન્ક 12 મહિનાથી 18 મહિનાની FD પર હવે 7.25 ટકા ઈન્ટરેસ્ટ રેટ ચૂકવે છે, જે અગાઉ 7.50 ટકા હતો. જો તમે 18 મહિનાથી 36 મહિનાની FD કરાવશો તો યસ બેન્ક સાડા સાત ટકા વ્યાજ દર આપશે, જે અગાઉ 7.75 ટકા હતો. યસ બેન્કની 36 મહિનાથી 60 મહિનાની FD પર 7.25 ટકા જ્યારે 60 મહિનાથી 120 મહિનાની FD પર 7 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે. જો 121 દિવસથી 180 દિવસની FD કરાવો તો 5 ટકા, 181 દિવસથી 271 દિવસ માટે 6.10 ટકા અને 272 દિવસથી 1 વર્ષની FD માટે 6.35 ટકા વ્યાજ દર મળશે.
TCS શેર બાયબેકની જાહેરાત કરશે?
ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસના શેર ખરીદ્યા છે..? તો તમારા માટે કામની છે આ ખબર… TCS દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની છે અને તેના બોર્ડની બેઠક 11 ઓક્ટોબરે મળવાની છે. આ બેઠકમાં શેર બાયબેકની જાહેરાત થઈ શકે છે. કંપની સપ્ટેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ પણ 11 ઓક્ટોબરે જાહેર કરશે. TCSએ 2022માં 4 કરોડ શેર્સ બાયબેક કર્યાં હતા. કંપનીએ 2017માં અને 2018માં 16,000 કરોડની બાયબેક ઑફર કરી હતી. અંદાજ છે કે, સપ્ટેમ્બર ક્વાર્ટમાં કંપનીનો નફો 9થી 11 ટકા વધશે. 6 ઓક્ટોબરે TCSનો શેર 3,621.25 રૂપિયાએ બંધ રહ્યો હતો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો