MONEY9 GUJARATI: અહીં રજૂ કરેલાં સમાચાર તમને તમારી નાણાકીય સદ્ધરતા વધારવામાં મદદરૂપ થશે તેમજ તમારા જીવન પર કેવી અસર પડશે, તે સમજાવશે.
સેન્સેક્સે 63,000ની સપાટી 5 મહિના બાદ પાર કરી શેરબજારો સતત આગેકૂચ કરી રહ્યાં છે. અર્થતંત્રનાં મૂળિયાં મજબૂત હોવાથી વિદેશી રોકાણકારોએ મે મહિનામાં ધૂમ પૈસા ઠાલવ્યા છે. 29 મે-સોમવારના રોજ બેન્ક નિફ્ટી ઈન્ડેક્સે રેકોર્ડ હાઈ બનાવી છે અને લાગે છે કે, સેન્સેક્સ અને નિફ્ટી પણ ટૂંક સમયમાં નવી રેકોર્ડ ઊંચાઈ હાંસલ કરી લેશે. મે મહિનામાં સેન્સેક્સ સત્તરસો પૉઈન્ટ્સથી વધુ જ્યારે નિફ્ટી સાડા પાંચસો પોઈન્ટ્સ વધ્યો છે. 28 માર્ચથી 29 મે સુધીના બે મહિનામાં બેન્ક નિફ્ટી 12 ટકા જ્યારે બીએસઈ બેન્કેક્સ 13 ટકા વધ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટી 10 ટકા વધ્યા છે જ્યારે બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 15 ટકા વધ્યા છે. 29 મેના રોજ, સપ્તાહના પ્રથમ દિવસે, સેન્સેક્સ ઇન્ટ્રા-ડે દરમિયાન, 524 પોઇન્ટ વધીને 63 હજાર પોઇન્ટની મહત્વની સાયકોલોજિકલ સપાટીને ક્રોસ કરી ગયો હતો અને 63,026ની ઊંચાઈએ પહોંચ્યો હતો. જોકે, બપોર પછી પ્રોફીટ બુકિંગને પગલે સેન્સેક્સ 345 પોઇન્ટ પ્લસમાં રહીને 62,846.38ના લેવલે બંધ રહ્યો હતો. નિફ્ટી-50 પણ 18,619.15 પોઇન્ટની સપાટીએ પહોંચ્યા બાદ 99.30 પોઇન્ટના સુધારા સાથે 18,599ના લેવલે બંધ રહ્યો હતો.
જૂનમાં કેટલાક મહત્ત્વના કામ પતાવી દેજો પાન કાર્ડને આધાર સાથે લિન્ક કરાવવાની છેલ્લી તારીખ આવી રહી છે. આ કામ પૂરું કરવાની છેલ્લી તારીખ 30 જૂન છે.. આ ઉપરાંત, મફતમાં આધાર ડિટેલ્સ અપડેટ કરાવવાની છેલ્લી તારીખ 14 જૂન છે અને ત્યારબાદ ચાર્જ ચૂકવવો પડશે. જો બેન્કમાં લોકર ખોલાવ્યું હોય તો, બેન્ક સાથે કરેલા એગ્રીમેન્ટને રિન્યુ કરાવવાની છેલ્લી તારીખ જૂનમાં જ આવે છે. RBIએ બેન્કોને સૂચના આપી છે કે, 30 જૂન સુધીમાં 50 ટકા ગ્રાહકોના બેન્ક લોકર એગ્રીમેન્ટ રિન્યુ કરાવી લેવા. બાકીના 50 ટકા ગ્રાહકોના લોકર એગ્રીમેન્ટ રિન્યુ કરાવવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે.
ITCનો શેર ફરી પહોંચ્યો નવી રેકોર્ડ ઊંચાઈએ સિગારેટથી લઈને હોટેલ કારોબારમાં ફેલાયેલી કંપની ITCના શેરમાં તેજીવાળાએ તરખાટ મચાવ્યો છે. સતત 6 સેશનથી વધી રહેલો ITCનો શેર ફરી નવી ઓલ-ટાઈમ હાઈ સપાટીએ પહોંચી ગયો છે. કંપનીએ માર્ચમાં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે શેર દીઠ રૂ.6.75નું ફાઈનલ ડિવિડન્ડ અને રૂ.2.75નું સ્પેશિયલ ડિવિડન્ડ જાહેર કર્યું છે. આ ડિવિડન્ડ માટે 30-મે રેકોર્ડ ડેટ છે. કંપનીએ માર્ચમાં 6 રૂપિયાનું વચગાળાનું ડિવિડન્ડ પણ ચૂકવ્યું હતું. આમ સમગ્ર વર્ષ માટે કંપનીએ સાડા પંદર રૂપિયા ડિવિડન્ડ જાહેર કર્યું છે. ફાઈનલ અને સ્પેશિયલ ડિવિડન્ડ ઓગસ્ટમાં ચૂકવવામાં આવશે. બ્રોકર્સ તરફથી ITCના શેર માટે રૂ.475 સુધીના ટાર્ગેટ ભાવ આપવામાં આવ્યા છે. 29-મે સોમવારના રોજ ITCનો શેર 449 રૂપિયાના ભાવે બંધ રહ્યો હતો.
HDFC બેન્કે શરૂ કરી સ્પેશિયલ FD સ્કીમ HDFC બેન્કે સ્પેશિયલ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ લૉન્ચ કરી છે. વધારે ઈન્ટરેસ્ટ રેટ ધરાવતી આ FD સ્કીમ મર્યાદિત સમય માટે ઉપલબ્ધ છે. HDFC બેન્કે 35 મહિનાની મુદત ધરાવતી સ્પેશિયલ FD સ્કીમમાં 7.20 ટકા અને 55 મહિના માટે 7.25 ટકા વ્યાજ દરની જાહેરાત કરી છે. જો તમે સીનિયર સીટિઝન હશો તો સ્પેશિયલ FD સ્કીમ હેઠળ 35 મહિનાની મુદતની FD પર 7.70 ટકા જ્યારે 55 મહિનાની FD પર 7.75 ટકા વ્યાજ મળશે. આ સિવાય, 7 દિવસથી 29 દિવસની મુદત ધરાવતી FD પર 3 ટકા, 30 દિવસથી 45 દિવસની FD પર સાડા ત્રણ ટકા, 46 દિવસથી છ મહિનાની FD પર સાડા ચાર ટકા ઈન્ટરેસ્ટ રેટની ઓફર કરી છે. બેન્કે છ મહિનાથી 9 મહિનાની FD પર 5.75 ટકા, 9 મહિનાથી 1 વર્ષની FD પર 6 ટકા, 1 વર્ષથી 15 મહિનાની અંદર પાકતી FD પર 6.60 ટકા જ્યારે 15 મહિનાથી 18 મહિનાની FD પર 7.10 ટકા અને 18 મહિનાથી 2 વર્ષ 11 મહિનામાં પાકતી FD પર 7 ટકા વ્યાજ દરની જાહેરાત કરી છે.
WhatsApp સમગ્ર દુનિયામાં લાગુ કરશે નવું ફીચર વ્હોટ્સએપ સતત ફેરફાર કરતું રહે છે અને નવા ફીચર ઉમેરતું રહે છે. હવે વ્હોટ્સએપના યુઝર્સ વીડિયો કૉલ વખતે પોતપોતાની સ્ક્રીન પણ શેર કરી શકશે. કંપની ટૂંક સમયમાં તમામ દેશોમાં આ ફીચર શરૂ કરવાની છે. વીડિયો કોલ દરમિયાન, સ્ક્રીન શેર થઈ શકશે તો લોકોને ઘણો ફાયદો થશે અને તેમનો વીડિયો કોલ એક્સપીરિયન્સ વધુ સારો રહેશે. વ્હોટ્સએપે તાજેતરમાં પર્સનલ ચેટ લોક કરવાનું તેમજ સેન્ટ મેસેજને 15 મિનિટની અંદર એડિટ કરવાનું ફીચર પણ ઉમેર્યું હતું. આ બંને ફીચર વિવિધ દેશોમાં તબક્કાવાર ધોરણે લાગુ થશે પરંતુ વીડિયો કોલ વખતે સ્ક્રીન શેરિંગનું ફીચર તમામ દેશોમાં એકસાથે લાગુ થશે. યુઝરફ્રેન્ડલી એક્સપીરિયન્સ માટે સતત નવા ફીચર સામેલ કરવાની યોજનાને લીધે વ્હોટ્સએપના અબજો ગ્રાહકો છે અને તેની અપાર લોકપ્રિયતા છે.
Q4 CY23માં કન્ઝ્યુમર લોન સસ્તી થવાની શક્યતા 2023 પતવા આવશે ત્યારથી કદાચ, હોમ લોન, ઓટો લોન અને વિવિધ કન્ઝ્યુમર લોન સસ્તી થવાનું શરૂ થઈ શકે છે. આગાહી કરતી વૈશ્વિક કંપની ઓક્સફોર્ડ ઈકોનોમિક્સે જણાવ્યું છે કે, ચાલુ કેલેન્ડર વર્ષના ચોથા ત્રિમાસિક ગાળામાં વ્યાજ દર ઘટવાની શરૂઆત થઈ શકે છે. તેણે જણાવ્યું છે કે, RBI ડિસેમ્બર ક્વાર્ટરમાં ચાવીરૂપ વ્યાજ દરમાં ઘટાડો કરી શકે છે. ત્યારબાદ બેન્કો પણ લોનના દરમાં ઘટાડો કરશે. એટલે કે, ગ્રાહકો વિવિધ કન્ઝ્યુમર લોન પર જે માસિક હપ્તા ચૂકવે છે, તેમાં ઘટાડો થશે. અત્યારે ભારતમાં રેપો રેટ સાડા છ ટકા છે અને જો રેપો રેટમાં ઘટાડો થશે તો, બેન્કોના લોનના દર પણ ઘટશે અને તમારા EMIમાં ઘટાડો થશે. અત્યારે બેન્કો હોમ લોન માટે 9 ટકાની આસપાસ ઈન્ટરેસ્ટ રેટ વસૂલે છે, જે ગયા વર્ષે 7 ટકાની આસપાસ હતો. રિઝર્વ બેન્કે મે-2022થી વ્યાજ દરમાં વધારો કર્યો છે અને એક વર્ષમાં રેટ અઢી ટકા વધારી દીધા છે.
SBI, Indian Bankની સ્પેશિયલ FD સ્કીમ સરકારી બેન્કોની સ્પેશિયલ FD સ્કીમની ઓફર ટૂંક સમયમાં સમાપ્ત થઈ રહી છે. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની 400 દિવસની અમૃત કળશ ફિક્સ્ડ ડિપોઝિટ સ્કીમ હેઠળ પૈસા મૂકવાની છેલ્લી તારીખ 30 જૂન છે. SBIની આ સ્કીમમાં FD કરાવો તો તમને 7.10 ટકા જ્યારે સીનિયર સીટિઝનને 7.60 ટકા વ્યાજ દર અનુસાર વ્યાજની કમાણી થશે. અન્ય ધિરાણકર્તા, ઈન્ડિયન બેન્કની “IND SUPER 400 DAYS special FD scheme”ની છેલ્લી તારીખ પણ 30 જૂન છે. તેમાં 7.25 ટકા જ્યારે સીનિયર સીટિઝનને 7.75 ટકા ઈન્ટરેસ્ટ રેટ મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો