Money9: મોબાઇલ રિચાર્જમાં સસ્તાનો જમાનો હવે વીતી ચૂક્યો છે. નજીકના ભવિષ્યમાં મોબાઇલ ટેરિફ એટલે કે મોબાઇલ પર કૉલ કરવાનો અને ડેટાનો ઉપયોગ કરવાનો ખર્ચ વધવાનો છે.
રામચરણે છેલ્લા 6 મહિનામાં ફક્ત એકવાર જ મોબાઇલ રિચાર્જ કરાવ્યો છે. કારણ એ છે કે 28 દિવસનું તેનું રિચાર્જ 50 રૂપિયા મોંઘું થઇ ચૂક્યું છે. રામચરણ જેવાની સંખ્યા લાખોમાં છે. તો આ કહાની છે, મોબાઇલ રિચાર્જની મોંઘવારીની.
સસ્તાનો જમાનો ગયો
રામચરણ જેવા ગરીબોના મનમાં એવી ઇચ્છા જરૂર થાય…કે આવનારા સમયમાં મોબાઇલ રિચાર્જની કિંમત કંઇક નીચે આવે, તો પછી દર મહિને રિચાર્જ કરાવી શકાય. પરંતુ હકીકત આનાથી બિલકુલ ઉલટી છે. હકીકત એ છે કે, નજીકના ભવિષ્યમાં મોબાઇલ ટેરિફ એટલે કે મોબાઇલ પર કૉલ કરવાનો અને ડેટાનો ઉપયોગ કરવાનો ખર્ચ વધવાનો છે. એટલે કે મોબાઇલ રિચાર્જમાં સસ્તાનો જમાનો હવે વીતી ચૂક્યો છે.
આ દર્દ ફક્ત ગરીબોને જ પરેશાન નથી કરી રહ્યું સ્ટુડન્ટ્સથી લઇને મિડલ ક્લાસ પણ આ મોબાઇલની મોંઘવારીનો તોડ નથી શોધી શકતા. દરેક કામમાં ડેટા એટલે કે ઇન્ટરનેટનો ઉપયોગ થવાનો છે. 4Gના ભાડા પહેલેથી જ આસમાને છે. તમે ભલે એમ વિચારીને 5G મોબાઇલ ખરીદી લીધો હોય કે નેટની સારી સ્પીડ મળશે. પરંતુ ટેલીકૉમ કંપનીઓ ઇચ્છે છે કે, તમે મોંઘા 5G માટે પણ કમર કસી લો.
વોડાફોન આઇડિયાના CEO રવિન્દર ઠક્કરે કહી દીધું છે કે 5Gની કિંમતો 4G કરતાં વધારે હશે. એટલે આને કંઇક આ રીતે સમજી લો કે, તમારા મોબાઇલમાં ઇન્ટરનેટની સ્પીડ વધે કે ન વધે..રિચાર્જ અને પોસ્ટપેઇડનો ખર્ચ જરૂર વધી જશે. અને એવું નથી કે આ વધારો એક જ વાર થશે અને પછી નહીં થાય. દર એક-બે મહિનામાં આ વધારો તમારા ખિસ્સાને કાતરતો રહેશે.
વાત મે મહિનાની છે. ત્યારે ભારતી એરટેલના સીઇઓ ગોપાલ વિઠ્ઠલે કંઇક આ જ વાતનો ઇશારો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે કંપની આવતા 5 વર્ષમાં 300 રૂપિયા એવરેજ રેવન્યૂ પર યુઝર એટલે કે ARPU પર પહોંચવાનો ટાર્ગેટ રાખે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આવનારા ટેરિફ હાઇકની સાથે કંપની 200 APRUની પાર નીકળી જશે..
ARPU એટલે શું?
ARPU એટલે કે પ્રત્યેક યૂઝર પાસેથી થતી એવરેજ કમાણી..ટેલીકૉમ ઑપરેટર્સ ARPU વધારીને પોતાનો બિઝનેસ સાચવવામાં લાગ્યા છે. વધુ ARPU એટલે વધારે નફો. દેશની ત્રણેય મોટી ટેલીકૉમ કંપનીઓ એરટેલ, જિયો અને વોડાફોન આઇડિયા (VI) વચ્ચે ટેરિફ વધારવાનો જંગ ચાલી રહ્યો છે. આ સ્પર્ધા છેલ્લા 2 વર્ષથી ચાલી રહી છે. ગત વર્ષે નવેમ્બરમા આ ત્રણેય કંપનીઓએ પ્રીપેઇડ ટેરિફને 20 થી 25 ટકા વધારી દીધો હતો. માનવામાં આવી રહ્યું છે કે દિવાળીની આસપાસ ટેલીકોમ ઓપરેટર ફરી એકવાર ટેરિફ હાઇકનું ચક્કર ચલાવી શકે છે. તમારો મોબાઇલ ખર્ચ વધવાનું એક કારણ 5G સ્પેક્ટ્રમનો થયેલો ખર્ચ પણ છે.
તાજેતરમાં થયેલી 5G હરાજીમાં એરટેલ, VI અને જિયોએ કુલ મળીને 1,50,173 કરોડ રૂપિયાનું સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. હવે આ રકમ તમારા ખિસ્સામાંથી જ વસૂલ થવાની છે. એટલે જ તો વોડાફોન આઇડિયાએ કહ્યું છે કે સમયાંતરે ટેરિફ હાઇક થતા રહેશે. હવે ટેલીકોમ ઓપરેટરોનો તર્ક ગમે તે હોય, એક રિક્ષાવાળા, મજૂર કે એક મિડલ ક્લાસ ફેમિલી માટે મોબાઇલનો ઉપયોગ કરવો સતત મોંઘો પડવાનો છે. એટલે તમારા ફોનમાં 5Gની ઘંટડી વાગે કે ન વાગે..પરંતુ ભાવવધારાની ઘંટડી વારંવાર વાગતી રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો