Money9 Gujarati:
દૂધની કિંમત સતત વધી છે. છેલ્લાં દોઢ વર્ષમાં દૂધના ભાવ લગભગ 15 ટકા વધ્યા છે. તાજેતરમાં જ ઉત્તર ભારત અને મહારાષ્ટ્રની મુખ્ય ડેરી કંપનીઓએ દૂધની ખરીદ કિંમતમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે, પરંતુ તેમણે છૂટક કિંમતમાં ઘટાડાના કોઈ સંકેત આપ્યા નથી. આમ, એક વાત સ્પષ્ટ છે કે, છૂટક ખરીદી કરતા ગ્રાહકોને કોઈ લાભ નહીં મળે. ખરીદ કિંમતમાં ઘટાડાનો જે લાભ મળશે તે સંપૂર્ણપણે કંપનીઓના ખિસ્સામાં જશે અને ગ્રાહકોએ વધારે કિંમત ચૂકવવી પડશે. ગ્રાહકોને માત્ર એક વાતની રાહત મળશે કે આગામી કેટલાક મહિના સુધી દૂધના ભાવમાં વધારો નહીં થાય, એમ મિલ્ક માર્કેટના એક્ઝિક્યુટિવ્સ જણાવે છે. એક્ઝિક્યુટિવ્સ જણાવે છે કે, મુખ્ય ડેરીઓએ પ્રોક્યરમેન્ટ કિંમત ઘટાડી છે, પરંતુ ગ્રાહકો માટેની છૂટક કિંમત યથાવત્ રાખી છે. આમ, ગ્રાહકોને કોઈ રાહત નહીં મળશે પરંતુ માત્ર એક મોરચે રાહત મળશે કે, આગામી થોડાક મહિના સુધી દૂધની કિંમત નહીં વધે.
મિલ્ક પાવડર અને બટકની કિંમતમાં ઘટાડોઃ દૂધની અછત સર્જાવાથી થોડાક સપ્તાહ અગાઉ સ્કિમ્ડ મિસ્ક પાવડર (SMP) અને વ્હાઈટ બટકની કિંમત વધવા લાગી હતી. આથી, લગભગ બે મહિના પહેલાં એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે, ભારતે દૂધની આયાત કરવી પડશે. પરંતુ છેલ્લાં બે સપ્તાહમાં SMP અને બટરની કિંમતમાં લગભગ 5 ટકાથી 10 ટકાનો ઘટાડો થયો છે. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પંજાબ અને હરિયાણા સિવાય દિલ્હીની ડેરી કંપનીઓએ મિલ્ક પાવડર અને બટરના ભાવમાં ઘટાડો કર્યો છે. આ રાજ્યોમાં દૂધની ખરીદ કિંમત લિટરે રૂ.3થી રૂ.5 ઘટી છે. છેલ્લાં પખવાડિયામાં સ્કિમ્ડ મિલ્ક પાવડરની કિંમત કિલોએ રૂ.20થી રૂ.30 ઘટીને રૂ.290થી રૂ.310 થઈ છે જ્યારે બટરની કિંમત પ્રતિ કિલો રૂ.25-30 ઘટીને રૂ.390થી રૂ.405 થઈ છે.
ભાવમાં શા માટે થયો ઘટાડો? ડેરી ઉદ્યોગના એક્ઝિક્યુટિવ્સ જણાવે છે કે, હવામાનમાં થઈ રહેલા ફેરફાર તેમજ સંગ્રહખોરીને લીધે કિંમતમાં ઘટાડો થયો છે. ઈન્ડિયન ડેરી એસોસિયેશનના પ્રેસિડન્ટ આર. એસ. સોઢીનું કહેવું છે કે, મે મહિનામાં કમોસમી વરસાદ વરસવાથી ગરમી ઘટી હતી અને ઉનાળો મોડો બેઠો હતો. આથી, દહીં, છાશ અને આઈસક્રીમ જેવી ચીજવસ્તુની માંગ હજુ સુધી તેની પીક ડિમાન્ડ સુધી નથી પહોંચી. આ સ્થિતિમાં, બજારમાં આવી ચીજોની સંગ્રહખોરી થઈ છે, એટલે કિંમતમાં ઘટાડો થયો છે. છેલ્લાં 15 મહિનામાં દૂધ અને દૂધની પ્રોડક્ટ્સની કિંમતમાં 14થી 15 ટકાનો વધારો થયો હોવાથી માંગ પર નેગેટિવ અસર પડી છે.
દૂધની મોંઘવારીમાંથી ક્યારે મળશે રાહત? સરકારી ડેટા અનુસાર, 2023ના પ્રથમ 3 મહિનામાં દૂધ અને દૂધની પ્રોડક્ટ્સનો ફુગાવો સરેરાશ 9.25ના સ્તરે હતો, જે ઓક્ટોબર-ડિસેમ્બર 2014થી સૌથી વધારે છે. સરકારે 12 મે-2023ના રોજ જાહેર કરેલા એપ્રિલ મહિના માટેના છૂટક મોંઘવારીના આંકડામાં ફુગાવાનો દર ઘટીને 5 ટકાની અંદર નોંધ્યો છે, પરંતુ તેની અંદર સામેલ મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સની મોંઘવારીનો દર 8.85 ટકાના ઊંચા સ્તરે રહ્યો છે. 2021થી દૂધનો ફુગાવો સતત વધ્યો છે અને 8 વર્ષની ટોચે પહોંચ્યો છે. દૂધ બનાવતી કંપનીઓનું કહેવું છે કે, દૂધના ભાવ દિવાળી સુધી ઊંચા સ્તરે જળવાઈ રહેશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો